IPL 2025 Winner, RCB Victory Parade : આઈપીએલ 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શાનદાર જીતની ઉજવણી એક દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગઈ છે. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર RCB ની વિજય પરેડ પહેલા ભાગદોડ થઇ હતી. મળતી માહિતી મુજબ સ્ટેડિયમની બહાર ભારે ભીડ વચ્ચે થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા છે અને 33 લોકો ઇજાગ્રસ્ત છે
આ અકસ્માત ત્યારે થયો જ્યારે હજારો લોકો RCB ના વિજયની ઉજવણી કરવા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમ જવા માટે એકઠા થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ઉજવણી દરમિયાન, સ્ટેડિયમની બહાર અને અંદર ભીડ અચાનક બેકાબૂ બની ગઈ હતી. જેના કારણે અરાજકતા સર્જાઈ હતી. ઘણા લોકો કચડી ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ માટે ક્રિકેટ એસોસિએશનને જવાબદાર ઠેરવ્યું. તેમણે ભાજપના સવાલો પર વળતો પ્રહાર કરતા કહ્યું કે મહાકુંભ દરમિયાન પણ ભાગદોડ થઈ હતી. આવી ઘટનાઓ પર રાજનીતિ ન કરવી જોઈએ. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા અને ઘણા ઘાયલ થયા.
આ ઘટનાની માહિતી આપતા મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે સરકાર અને ક્રિકેટ એસોસિએશન દ્વારા વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈએ આવી દુર્ઘટનાની કલ્પના પણ કરી ન હતી. 35 હજારની ક્ષમતાવાળા સ્ટેડિયમની બહાર 3-4 લાખ લોકોની ભીડ એકઠી થઈ હતી.
10 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે તમામ ઘાયલોની મફત સારવાર કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે સ્ટેડિયમમાં નાના દરવાજા હતા. લોકો ગેટમાંથી પ્રવેશ્યા. તેમણે દરવાજા તોડી નાખ્યા. પછી નાસભાગ મચી ગઈ. કોઈને તેની અપેક્ષા ન હતી.
BCCI આપી શકે છે વળતર
BCCI સચિલ દેવજીત સૈકિયાએ કહ્યું કે IPL ટીમે પ્રોટોકોલનું પાલન કરવું પડશે. દુર્ધટનાનો ભોગ બનેલા લોકો માટે સહાય આપવા વિચાર કરી શકાય છે.
પીએમ મોદીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું
પીએમ મોદીએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બનેલી ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું કે બેંગલુરુમાં થયેલ અકસ્માત ખૂબ જ હૃદયદ્રાવક છે. આ દુઃખદ ક્ષણમાં, મારી સંવેદના તે બધા લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ થયેલા લોકો જલ્દી સ્વસ્થ થાય.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ દુઃખ વ્યક્ત કર્યું
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ટ્વિટ કર્યું, કેબેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ટીમના વિજયની ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડમાં ઘણા લોકોના મોત અને અન્ય ગંભીર રીતે ઘાયલ થવાના સમાચાર સાંભળીને અમને ખૂબ જ આઘાત લાગ્યો છે. આ ત્રાસદીનું દર્દ ખૂબ જ દુઃખદ છે.
આ પણ વાંચો – વિરાટ કોહલીએ ડી વિલિયર્સ અને ક્રિસ ગેઇલને ખાસ યાદ કર્યા, જાણો શું કહ્યું
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે શું કહ્યું
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું હજુ સુધી મૃતકો અથવા ઘાયલોની ચોક્કસ સંખ્યાની પુષ્ટિ કરી શકતો નથી. હું સ્થળ પર જઇ રહ્યો છું. તેમણે કહ્યું કે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ઉત્સાહી ચાહકો હાજર હતા અને અમે સુરક્ષા માટે 5000 થી વધુ સ્ટાફ તૈનાત કર્યો હતો. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
આઈપીએલ 2025 જીત્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ બુધવારે બેંગ્લોર પહોંચી હતી. આ દરમિયાન હજારો ચાહકોએ એરપોર્ટની બહાર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જ્યારે ટીમ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મળવા માટે વિધાન સૌધ (વિધાનસભા) જવા રવાના થઈ હતી ત્યારે રસ્તાની બંને બાજુ ઉભેલા ચાહકો ટીમ માટે નારા લગાવી રહ્યા હતા અને જયઘોષ કરી રહ્યા હતા. RCB એ મંગળવારે પંજાબ કિંગ્સને 6 રને હરાવીને 18 વર્ષમાં પ્રથમ વખત IPL ટાઇટલ જીત્યું હતું.