RCB New Owner 2025 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) આઈપીએલ 2025માં ચેમ્પિયન બનીને 18 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો હતો. ત્યારથી તે સતત ચર્ચામાં જોવા મળી રહી છે. ચેમ્પિયન બન્યા બાદ ઉજવણી દરમિયાન બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગ મચી જવાને કારણે 11 લોકોના મોત થતા ચર્ચામાં આવી હતી. આ મામલો હજુ શાંત થયો નથી અને સમાચાર આવ્યા છે કે ડિયાજિયો પીએલસી (Diageo Plc) આરસીબીનો હિસ્સો વેચવાનો વિકલ્પ શોધી રહી છે.
વિરાટ કોહલી જેવા ખેલાડીઓ ધરાવતી આરસીબીનું સ્વામિત્વ અગાઉ વિજય માલ્યા પાસે હતું. જે હવે બંધ થઇ ગયેલી કિંગફિશર એરલાઇન્સ લિમેટેડ ચલાવતા હતા. તેનું સંચાલન 2012માં બંધ થઈ ગયું હતું. પછી માલ્યાના શરાબ સંચાલન ના અધિગ્રહણ પછી આઈપીએલની આ ટીમ ડિયાજિયોના સ્વામિત્વમાં આવી હતી.
ડિયાજિયોને લઇને શું છે રિપોર્ટ?
બ્લૂમબર્ગના એક અહેવાલ અનુસાર યુકેની શરાબ કંપની ડિયાજિયોએ ક્લબમાં એક ભાગ અથવા સંપૂર્ણ હિસ્સાના સંભવિત વેચાણ સહિત વિવિધ વિકલ્પોનું મૂલ્યાંકન કરવા માટે સંભવિત સલાહકારો સાથે પરામર્શ કરવાનું શરૂ કર્યું છે. રિપોર્ટ પ્રમાણે ડિયાજિયો પોતાની ભારતીય સબ્સિડિયરી યૂનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ દ્વારા આ ફ્રેન્ચાઇઝીની કિંમત લગભગ 2 બિલિયન ડોલર લગાવી શકે છે.
આ પણ વાંચો – અભિનત્રી ઇડન રોઝ શ્રેયસ ઐયરના પ્રેમમાં દિવાની બની, માની ચુકી છે પોતાનો પતિ
રિપોર્ટમાં સૂત્રોએ સંકેત આપ્યો છે કે અંતિમ નિર્ણય હજુ બાકી છે અને કંપની માલિકી જાળવી રાખવાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ભલે 18 સિઝન બાદ ચેમ્પિયન બન્યું હોય પરંતુ તેઓ આઇપીએલની સૌથી લોકપ્રિય ફ્રેન્ચાઇઝીમાંથી એક છે. 2008માં આ ટીમને 111.6 મિલિયન ડોલરમાં ખરીદવામાં આવી હતી. ત્યારે તે આઈપીએલની બીજી સૌથી મોંઘી ટીમ હતી.