Ranji Trophy : ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 13 વર્ષ બાદ રણજી ટ્રોફી રમતો જોવા મળ્યો હતો. જોકે તે ખાસ કમાલ કરી શક્યો ન હતો. તે માત્ર 15 બોલ જ રમી શક્યો હતો અને 6 રન બનાવી આઉટ થયો હતો. કોહલીને બોલ્ડ કરીનાર હિમાંશુ સાંગવાને મેચને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે મેચ પહેલા તેને બસ ડ્રાઇવરે કોહલીને આઉટ કરવાની સલાહ આપી હતી.
રેલવેની ટીમને હિમાંશુ પર વિશ્વાસ હતો
સાંગવાને હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં કહ્યું કે રેલવેની ટીમ કોહલી સામે રમવા માટે ખુબ જ ઉત્સાહિત હતી. મેચ પહેલા વિરાટ કોહલી અને ઋષભ પંત દિલ્હી તરફથી રમતા હોવાની ચર્ચા હતી. એ વખતે અમને ખબર ન હતી કે મેચનું લાઇવ ટેલિકાસ્ટ થશે. અમને ધીરે ધીરે ખબર પડી કે ઋષભ પંત નહીં રમે, પરંતુ વિરાટ રમશે અને મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હું રેલવેના ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરી રહ્યો છું. ટીમના દરેક સભ્યએ મને કહ્યું કે તેમને લાગે છે કે હું વિરાટ કોહલીને આઉટ કરીશ.
બસ ડ્રાઇવરે હિમાંશુને આપી સલાહ
હિમાંશુ સાંગવાને વધુમાં જણાવ્યું હતું કે અમે જે બસમાં મુસાફરી કરી રહ્યા હતા. બસ ડ્રાઇવરે પણ મને કહ્યું કે તમે જાણો છો કે તમારે ચોથી-પાંચમી સ્ટમ્પ લાઇન પર વિરાટ કોહલીને બોલિંગ કરવાની જરૂર છે, અને પછી તે આઉટ થઈ જશે. મારામાં આત્મવિશ્વાસ હતો. હું કોઈ બીજાની નબળાઈઓને બદલે ફક્ત મારી શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતો હતો. મેં મારી શક્તિ પ્રમાણે બોલિંગ કરી અને વિકેટ મેળવી હતી.
આ પણ વાંચો – પગાર ના મળતા બસ ડ્રાઇવરે એવું કર્યું કે ખેલાડીઓ દોડતા થઇ ગયા!
દિલ્હી સામે એક જ રણનિતી પર કામ કર્યું
સાંગવાને કહ્યું કે સામાન્ય રીતે વિરાટ કોહલી માટે કોઈ ચોક્કસ યોજના ન હતી. કોચે અમને કહ્યું કે દિલ્હીના ખેલાડીઓ આક્રમક ક્રિકેટ રમવાનું પસંદ કરે છે. તે બધા સ્ટ્રોક ખેલાડીઓ છે. અમને શિસ્તબદ્ધ લાઇન પર બોલિંગ કરવાનું કહેવામાં આવ્યું હતું.
હિમાંશુએ મેચ બાદ કોહલી સાથેની મુલાકાત અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે જ્યારે અમારી ઇનિંગ્સ પૂરી થઈ ત્યારે હું ડ્રેસિંગ રૂમમાં જઈ રહ્યો હતો અને વિરાટ કોહલી મેદાન પર આવી રહ્યો હતો. આયુષ બદોની અને વિરાટ હતા. વિરાટ ભૈયાએ પોતે મારી સાથે હાથ મિલાવ્યા હતા અને કહ્યું હતું કે તેણે ખૂબ જ સારી બોલિંગ કરી હતી. તેમણે મને કહ્યું કે હું સારી બોલિંગ કરી રહ્યો છું. પછી મેં તેમને કહ્યું કે હું લંચ બ્રેક દરમિયાન તેમની સાથે એક તસવીર લેવા માંગુ છું.





