Ranji Trophy Baroda vs Jammu Kashmir Match: રણજી ટ્રોફી 2024-25 ટુર્નામેન્ટમાં પીચ ફિક્સિંગ મામલે વિવાદમાં થયો છે. આ સિઝનમાં ભાગ લઈ રહેલા જમ્મુ-કાશ્મીરના હેડ કોચે બરોડાની ટીમ પર છેતરપીંડી અને પીચ ફિક્સિંગનો આરોપ મૂક્યો છે. જમ્મુ-કાશ્મીર અને બરોડા વચ્ચે હાલ રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમની મેચ રમાઈ રહી છે, જે તારીખ 30મી જાન્યુઆરીથી શરુ થઈ હતી અને બંને ટીમો એલિટ ગ્રૂપ-એ માં છે.
જમ્મુ-કાશ્મીરના કોચનો આરોપ
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર જમ્મુ-કાશ્મીરના મુખ્ય કોચ અજય શર્માને લાગ્યું કે પિચ બદલાઈ ગઈ છે અને તેમને ખાતરી છે કે બરોડાની ટીમે બોલરોની મદદ માટે પીચ સાથે ચેડાં કર્યા છે, કારણ કે પહેલા દિવસે તેમની ટીમ ટોચ પર હતી. તેમણે આ મામલો અમ્પાયરો અને મેચ રેફરી અર્જન કિરપાલ સિંહ સમક્ષ ઉઠાવ્યો હતો. આ કારણે શનિવારે દોઢ કલાકના વિલંબ સાથે મેચ શરુ થઈ હતી.
બરોડા ક્રિકેટ એસોસિએશને આરોપો ફગાવ્યા
જમ્મુ-કાશ્મીરના કોચે કરેલા આક્ષેપ બાદ બરોડા ક્રિકેટ એસોસિએશને (બીસીએ) આ આરોપને નકારી કાઢતાં કહ્યું હતુ કે, પીચ સાથે ચેડાં કરવામાં આવ્યા નથી. બરોડા ક્રિકેટ એસોસિએશનના ઓફિસિઅલના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરના કોચે મૂકેલા આક્ષેપો પાયાવિહોણા છે. આઉટફિલ્ડ ભીનું હતું અને શિયાળાને કારણે પીચ પર ભેજ હતો અને આઉટ ફિલ્ડ પણ ભીનું હતું અને અમ્પાયરને પણ એવું જ લાગતું હતું. જે કોઈ પણ ક્રિકેટ રમ્યું હોય તે સમજી શકે છે કે, શિયાળા દરમિયાન પીચ પર ભેજ હોય છે અને કેટલીક વખત આઉટફિલ્ડને સુકાતા પણ સમય લાગે છે.
આ ઉપરાંત બરોડા ક્રિકેટ એસોસિએશને પણ જમ્મુ-કાશ્મીર સામેના પાયાવિહોણા આક્ષેપોને કારણે બીસીસીઆઇને ફરિયાદ કરવાની ધમકી આપી છે. અધિકારીએ કહ્યું, “કેટલીક વખત મેચો મોડી શરૂ થાય છે, પરંતુ તેને પિચ ફિક્સિંગ કહેવું અને તેના માટે એસોસિએશનને દોષી ઠેરવવું, અમે આ આરોપોને સ્વીકારીશું નહીં.” કોચે કરેલા આક્ષેપ માટે અમે બીસીસીઆઇનો સંપર્ક કરીશું. તમને જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટમાં બરોડાની ટીમની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યા કરી રહ્યા છે.





