આર અશ્વિને આઈપીએલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, કહ્યું – દરેક અંતની એક નવી શરૂઆત હોય છે

R Ashwin IPL Retirement : ભારતના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને બુધવારે આઈપીએલ માંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી. અશ્વિને આઇપીએલમાં 221 મેચમાં 187 વિકેટ ઝડપી હતી

Written by Ashish Goyal
August 27, 2025 14:46 IST
આર અશ્વિને આઈપીએલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, કહ્યું – દરેક અંતની એક નવી શરૂઆત હોય છે
આર અશ્વિને આઈપીએલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી (તસવીર - સોશિયલ મીડિયા)

R Ashwin IPL Retirement: ભારતના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને બુધવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. તેણે કહ્યું કે હવે વિશ્વભરમાં લીગ શોધવાનો તેનો સમય શરૂ થઇ ગયો છે.

આ મહિનાની શરૂઆતમાં, એવા અહેવાલ આવ્યા હતા કે અશ્વિને આઈપીએલ 2026 માં તેની ભૂમિકા અંગે ચેન્નાઈ સુપર કિંગ્સ પાસેથી સ્પષ્ટતા માંગી છે. અશ્વિને 2009માં આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું.

ખાસ દિવસ અને તેથી એક વિશેષ શરૂઆત

અશ્વિને એક્સ પર લખ્યું હતું કે ખાસ દિવસ અને તેથી એક વિશેષ શરૂઆત. દરેક અંતની એક નવી શરૂઆત હોય છે, આઈપીએલ ક્રિકેટર તરીકેનો મારો સમય આજે સમાપ્ત થાય છે, પરંતુ વિવિધ લીગમાં રમતની શોધ કરવાનો મારો સમય આજથી શરૂ થાય છે. હું તમામ ફ્રેન્ચાઇઝીઓનો વર્ષોથી તેમની અદભૂત યાદો અને સંબંધો માટે આભાર માનું છું અને સૌથી અગત્યનું એ છે કે આઈપીએલ અને બીસીસીઆઈએ મને અત્યાર સુધી માં જે કંઈ પણ આપ્યું છે તેના માટે આભાર. આગળ જે પણ મારી સામે છે તેનો આનંદ લેવા અને તેનો પુરો ફાયદો ઉઠાવવા માટે ઉત્સુક છું.

અશ્વિને આઇપીએલમાં 187 વિકેટ ઝડપી

અશ્વિને આઇપીએલમાં 221 મેચમાં 187 વિકેટ ઝડપી હતી. અશ્વિન ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પાંચ ટીમો તરફથી રમ્યો હતો. તે આઈપીએલમાં પંજાબની ફ્રેન્ચાઈઝી ટીમનો કેપ્ટન પણ હતો. તે ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ તરફથી પણ રમ્યો હતો.

રવિચંદ્રન અશ્વિન આઇપીએલના ઇતિહાસમાં યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, સુનીલ નારાયણ અને પીયુષ ચાવલા બાદ સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે. તેણે રાજસ્થાન રોયલ્સ માટે એક અડધી સદી સહિત 833 રન પણ બનાવ્યા છે.

2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી

ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો બીજો સૌથી સફળ બોલર અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. તેણે ડિસેમ્બર 2024માં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસની વચ્ચે નિવૃત્તિની જાહેરાત કરી હતી.

અશ્વિને 2010 અને 2011માં સીએસકે સાથે આઇપીએલ જીતી હતી, પરંતુ આઠ વર્ષ સુધી અન્ય ટીમો તરફથી રમ્યા બાદ આઇપીએલ 2025માં તેનું કમબેક એટલું સારું ન હતું. અશ્વિનને ચેન્નાઈ સુપર કિંગ્સે 2024ની મેગા હરાજીમાં રુપિયા 9.75 કરોડમાં ખરીદ્યો હતો.

આ પણ વાંચો – ચેતેશ્વર પૂજારા બેટિંગ કરતા સમયે મન માં જાપ કરતો હતો, ક્રિકેટરે જણાવ્યો પોતાનો સીક્રેટ મંત્ર

આઈપીએલ 2025 સારી રહી ન હતી

અશ્વિન આઈપીએલ 2025માં 14માંથી 9 મેચ રમ્યો હતો. 2009 અશ્વિનની પ્રથમ સિઝન હતી. આ પછી પહેલી ઘટના હતી જ્યારે તે એક સિઝનમાં 12થી ઓછી મેચો રમ્યો હોય. આ તેનું સૌથી મોંઘું વર્ષ પણ હતું. તેણે પ્રતિ ઓવર 9.12 રન આપ્યા હતા, તેનો સિઝન ઇકોનોમી રેટ પ્રથમ વખત 8.49થી ઉપર ગયો હતો.

અશ્વિન કાર્તિકની જેમ વિદેશી લીગમાં રમી શકશે

અશ્વિન પણ તેના હોમ સ્ટેટના સાથી દિનેશ કાર્તિકની જેમ હવે દુનિયાભરની અન્ય લીગમાં પણ રમી શકે છે. દિનેશ કાર્તિકે જૂન 2024માં આઇપીએલમાંથી નિવૃત્તિ લીધી હતી અને છ મહિના બાદ 20 વખત સાઉથ આફ્રિકામાં ભાગ લીધો હતો. બીસીસીઆઇ ભારતીય આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક ક્રિકેટના હાલના કોઈ પણ ખેલાડીને વિદેશી ટી-20 લીગમાં રમવાની મંજૂરી આપતું નથી. દિનેશ કાર્તિક હવે ભારતીય ક્રિકેટમાં કોચિંગની ભૂમિકા નિભાવી રહ્યો છે અને જ્યારે પણ તક મળે છે ત્યારે તે અન્ય લીગમાં રમે છે.

દિનેશ કાર્તિકની જેમ અશ્વિને પણ વિદેશમાં રમવા માટે ટીએનપીએલ (તમિલનાડુ પ્રીમિયર લીગ)થી દૂર રહેવું પડશે. જો ફ્રેન્ચાઈઝીઓ તેની સેવાઓમાં રસ લેશે તો અશ્વિન પાસે હવે ઓસ્ટ્રેલિયામાં બીબીએલ (બિગ બેશ લીગ), સાઉથ આફ્રિકામાં એસએ20 (સાઉથ આફ્રિકા 20), ઈંગ્લેન્ડમાં ધ હન્ડ્રેડ અને વેસ્ટ ઈન્ડિઝમાં સીપીએલ (કેરેબિયન પ્રીમિયર લીગ)માં રમવાનો વિકલ્પ રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ