mahendra singh dhoni named icc hall of fame : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સોમવારે લંડનમાં એક સમારોહ દરમિયાન ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો છે. ધોનીને આઈસીસી દ્વારા 115 ખેલાડીઓની યાદીમાં સાત નવા ખેલાડીઓ સાથે સામેલ કરવામાં આવ્યો છે. ICC દ્વારા સન્માનિત થનારા તે 11 મો ભારતીય ખેલાડી બન્યો છે. 9 મેન્સ અને 2 વિમેન્સ પ્લેયર્સ સામેલ છે. ICC અનુસાર હોલ ઓફ ફેમનો હેતુ રમતમાં મહાન યોગદાન આપનારા દિગ્ગજોનું સન્માન કરવાનો અને તેમની સિદ્ધિઓની ઉજવણી કરવાનો છે.
આ એવોર્ડ મેળવનાર ધોની ભારતનો 11 મો પ્લેયર બન્યો
ધોની ભારતનો 11 મો ખેલાડી બન્યો જેને ICC હોલ ઓફ ફેમમાં સ્થાન મળ્યું છે. આ પહેલા નીતુ ડેવિડ, વીરેન્દ્ર સેહવાગ, ડિયાન એડુલ્જી, વિનોદ માંકડ, કપિલ દેવ, બિશન સિંહ બેદી, સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને અનિલ કુંબલેને આ સન્માન મળ્યું છે. ગાવસ્કર અને બિશન સિંહ બેદી ભારતના સૌથી વૃદ્ધ ખેલાડી છે જેમને ICC હોલ ઓફ ફેમમાં સ્થાન મળ્યું છે. તેમને આ સન્માન 2009માં મળ્યું હતું.
ધોનીએ ભારતને ત્રણ આઈસીસી ટ્રોફી જીતાડી
ધોનીએ 2004માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું અને 2007માં પ્રથમ ICC T20 વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, જ્યાં ભારતે ટાઇટલ જીત્યું હતું. આ પછી તેણે 2011માં 50 ઓવરનો વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ભારતીય ટીમને સફળતા અપાવી હતી. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા 2009માં પહેલી વાર ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1 બની પણ હતી.
આ પણ વાંચો – ઇંગ્લેન્ડમાં શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક, શું કોહલીની આગળ નીકળી શકશે ‘પ્રિન્સ’
ધોનીની કારકિર્દી
ધોનીએ પોતાની કારકિર્દીમાં 350 વનડે રમ્યો છે. જેમાં તેણે 50.57ની સરેરાશથી 10,773 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 10 સદી અને 73 અડધી સદી પણ ફટકારી હતી. આ ઉપરાંત ધોનીએ 90 ટેસ્ટમાં 38 ની સરેરાશથી 4876 રન બનાવ્યા હતા, જેમાં છ સદી અને લગભગ 300 કેચનો સમાવેશ થાય છે. આ સિવાય ધોનીએ 98 T20 મેચમાં 1617 રન બનાવ્યા છે. ધોનીએ આ ફોર્મેટમાં 2 અડધી સદી ફટકારી છે.
ધોની 2019 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતી અને ઓગસ્ટ 2020માં નિવૃત્તિની જાહેરાત કરી હતી.