IPL 2025 Playoffs Race: આઈપીએલ 2025માં 54 મેચ થઈ ચૂકી છે, પરંતુ અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે કઈ 4 ટીમ પ્લેઓફમાં પહોંચશે. ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 16 પોઇન્ટ છે, પરંતુ તેમ છતાં તેના નામે ક્વોલિફિકેશનનો Q માર્ક લાગ્યો નથી. આ Q કેમ લાગ્યો નથી? આ સવાલનો જવાબ એ છે કે 5 ટીમો હજુ પણ 18 પોઇન્ટ સુધી પહોંચી શકે છે.
આ ટીમોમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સનો સમાવેશ થાય છે. હાલની સ્થિતિમાં આરસીબીના ભલે 16 પોઇન્ટ હોય, પરંતુ જ્યારે રન-રેટની વાત કરવામાં આવે તો તે મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સથી પાછળ રહી જશે. આ મામલે તેણે એલિમિનેટર રમવું પડશે.
આવો જાણીએ ટોપ ફોરમાં જગ્યા બનાવવા માટે આઠ ટીમોએ શું કરવું પડશે?
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – મેચ રમ્યું: 11, પોઇન્ટ: 16, રન-રેટ: 0.482
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નઈ સુપર કિંગ્સ સામે જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું, પણ અન્ય ટોચની ટીમો પણ વિજેતા બનતાં હજુ પણ શક્ય છે કે પાંચ ટીમોના 18 પોઈન્ટ થાય. આનો અર્થ એ કે આરસીબીને પ્લેઓફમાં લાયકાત સુનિશ્ચિત કરવા માટે વધુ બે જીતની જરૂર છે. જોકે અન્ય પરીણામો તરફેણમાં જાય તો ટીમ રન-રેટ પર આધાર રાખ્યા વિના 16 પોઈન્ટ સાથે પણ ક્વોલિફાય થઈ શકે છે. આરસીબી સતત ઘરેલું મેચમાં જીતથી ખુશ હશે કારણ કે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હજુ તે બે મેચ રમવાની છે.
પંજાબ કિંગ્સ – મેચ રમ્યું: 11, પોઇન્ટ: 15, રન-રેટ: 0.376
લખનઉ સુપર જાયન્ટ્સ સામેની જીતથી પંજાબ કિંગ્સ 15 પોઇન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે. હજુ તેની 3 મેચો બાકી ત્યારે ટોચના ચારમાં સ્થાન મેળવવા શ્રેયસ ઐયરની ટીમ મજબૂત બની ગઇ છે. જોકે હાલના સંજોગો અનુસાર 17 પોઈન્ટ્સ પ્લેઓફમાં પહોંચવા માટે પૂરતા ન હોઈ શકે, પણ વધુ બે જીતથી આ સ્થાન નિશ્ચિત થઈ જશે. જોકે પંજાબ બાકીની ત્રણેય મેચ હારી જાય તો તેણે અન્ય પરિણામો પર ભારે આધાર રાખવો પડશે.
ગુજરાત ટાઇટન્સ – મેચ રમ્યું: 10, પોઇન્ટ્સ: 14, રનરેટ: 0.867
ગુજરાત ટાઇટન્સના 14 પોઇન્ટ છે અને તેની ચાર મેચ બાકી છે. તેનો મુંબઈ ઇન્ડિયન્સ બાદનો શ્રેષ્ઠ રન-રેટ છે. આ સાથે તે માત્ર ક્વોલિફાય જ નહીં થાય પણ ટોપ ટૂ માં પણ સ્થાન મેળવી શકે છે. તેમની બાકીની ત્રણમાંથી બે મેચ ઘરઆંગણે યોજાવાની છે, જ્યાં તેઓ પહેલેથી જ 4-1થી જીત-હારનો રેકોર્ડ ધરાવે છે.
મુંબઈ ઈન્ડિયન્સ – મેચ રમ્યું: 11, પોઇન્ટ: 14, રન-રેટ: 1.124
સતત છ વિજય સાથે મુંબઈ ઈન્ડિયન્સ ટોપ 4 માં જ નહીં ટોપ 2 માં પણ સ્થાન મેળવવા માટે તૈયાર છે. તમામ ટીમોમાં તેનો રનરેટ સૌથી સારો છે. જોકે 14 પોઇન્ટ ધરાવતી મુંબઇ ઇન્ડિયન્સ આરસીબી કરતા એક મેચ વધુ રમ્યું છે. જો રન-રેટની વાત કરવામાં આવે તો મુંબઇ ઇન્ડિયન્સ 14 પોઇન્ટ સાથે ટોપ 4માં યથાવત રહી શકે છે. તે 18 કે તેથી વધુની ક્ષમતા ધરાવતી પાંચ ટીમોમાં પણ જોડાઈ શકે છે, જ્યાં તેનો રનરેટ તેને મદદ કરી શકે છે. મુંબઈને હોમગ્રાઉન્ડ પર બે મેચ રમવાની છે, જે મહત્વની બની શકે છે. મુંબઈએ ઘરઆંગણે અત્યાર સુધીમાં 5માંથી 4 મેચ જીતી છે, જે કોઈ પણ ટીમ દ્વારા સૌથી વધુ છે.
આ પણ વાંચો – વૈભવ સૂર્યવંશી સંઘર્ષ સ્ટોરી : મુશ્કેલથી ચાલી રહ્યું છે ઘર, મમ્મી ફક્ત 3 કલાક જ ઊંઘે છે
દિલ્હી કેપિટલ્સ – મેચ રમ્યું : 10, પોઇન્ટ: 12, રન-રેટ: 0.362
દિલ્હી કેપિટલ્સને છેલ્લી ચાર મેચમાં ત્રણ હારનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે તે પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે પહોંચી ગઇ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ પહેલા પાંચ દિવસનો બ્રેક તેના માટે સારો રહેશે. દિલ્હી કેપિટલ્સની ટીમ ઘરઆંગણે છ માંથી માત્ર ત્રણ જ મેચ જીતી શકી છે. તેઓ બહારની ચારમાંથી ત્રણ મેચ જીતી ચૂક્યા છે, જેના કારણે તેને તેમની છેલ્લી ચારમાંથી ત્રણ મેચ ઘરથી દૂર રમવામાં કોઈ સમસ્યા નહીં આવે. અન્ય ટીમોની જેમ તેઓ પણ 18 પોઈન્ટ પર સુરક્ષિત નહીં રહે.
કોલકાતા નાઇટ રાઇડર્સ – રમાયેલી મેચો: 11, પોઇન્ટ: 11, રન-રેટ: 0.249
રાજસ્થાન રોયલ્સ સામેની જીતથી કોલકાતા નાઇટ રાઇડર્સ ટોચના ચારમાં સ્થાન મેળવવાની રેસમાં યથાવત રહ્યું છે. જોકે 11 મેચમાં 11 પોઈન્ટ સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ મહત્તમ 17 પોઈન્ટ જ મેળવી શકે તેમ છે. પાંચ ટીમો માટે 18 કે તેથી વધુ પોઈન્ટ મેળવવા શક્ય છે. એટલે કે કોલકાતા નાઈટ રાઈડર્સ તેની બાકીની ત્રણ મેચ જીતી લે તો પણ પ્લે ઓફમાં સ્થાન નિશ્ચિત નથી. પંજાબ કિંગ્સની જેમ 15 પોઇન્ટ કોલકાતા નાઇટ રાઇડર્સને તક આપશે, પરંતુ 13 પોઇન્ટ પર આશા સમાપ્ત થશે.
લખનઉ સુપર જાયન્ટ્સ- મેચ રમ્યું : 11, પોઇન્ટ : 10, રન-રેટ: -0.469
લખનઉ સુપર જાયન્ટ્સ પંજાબ કિંગ્સ સામે સતત ત્રીજી હાર સાથે સાતમા ક્રમે પહોંચી ગયું છે. ટોચના ચારમાં સ્થાન મેળવવાની તેની સંભાવના ઘણી ઓછી છે. જો તેઓ બાકીની ત્રણેય મેચ જીતી લેશે તો પણ લખનઉ સુપર જાયન્ટ્સના 16 પોઇન્ટ થશે. આરસીબી પાસે પહેલાથી જ આટલા પોઇન્ટ છે. પ્લેઓફની રેસમાં સામેલ આઠ ટીમોમાં તેમનો નેટ રનરેટ પણ બીજા ક્રમનો સૌથી ખરાબ છે, જે માત્ર સનરાઈઝર્સ હૈદરાબાદ કરતાં સારો છે. જેથી તેણે 16 પોઇન્ટ પછી પણ બીજી ટીમો પર ભરોસો રાખવો પડશે.
સનરાઇઝર્સ હૈદરાબાદ- મેચ રમ્યું : 10, પોઇન્ટ: 6, રન-રેટ: -1.192
સનરાઇઝર્સ હૈદરાબાદ તેની બાકીની ચારેય મેચમાં વિજય મેળવે તો પણ તેના હજુ 14 જ પોઈન્ટ થઈ જશે. બધી મેચમાં જીત મેળવે તો પણ ઘણું અઘરું છે. પ્લેઓફમાં પહોંચવા માટે સનરાઇઝર્સે આશા રાખવી પડશે કે હાલના દાવેદારોમાંથી ઓછામાં ઓછા એક કે બે ટીમનો બધી મેચમાં પરાજય થાય. તો જ તેના માટે થોડી શક્યતા છે. સનરાઇઝર્સનો હાલનો -1.192 ખરાબ રન-રેટ પણ આશા તોડી શકે છે.