ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) માં મુંબઈ ઇન્ડિયન્સ (MI) માટે રસ્તો સરળ લાગતો નથી. પંજાબ કિંગ્સ (PBKS) સામે હાર્યા બાદ તે પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે છે. તેને એલિમિનેટરમાં ગુજરાત ટાઇટન્સ (GT) અથવા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) નો સામનો કરવો પડશે. અગાઉ 3 ખેલાડીઓ મુંબઈ ઇન્ડિયન્સને અલવિદા કહી ચૂક્યા છે. તેમના જવાથી હાર્દિક પંડ્યાનો માથાનો દુખાવો વધી ગયો છે.
રાષ્ટ્રીય ટીમ પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે રાયન રિકેલ્ટન, કોર્બિન બોશ અને વિલ જેક્સ ઘરે પરત ફર્યા છે. ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે રિકેલ્ટન અને બોશ દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ ટીમમાં જોડાશે, જ્યારે જેક્સ 29 મેથી વેસ્ટ ઇન્ડીઝ સામે શરૂ થનારી ODI અને T20 શ્રેણી માટે ઇંગ્લેન્ડની ટીમમાં જોડાશે.
ફેરવેલનો વીડિયો
મુંબઈ ઇન્ડિયન્સે એક ફેરવેલનો વીડિયો શેર કર્યો છે, જેમાં મુખ્ય કોચ મહેલા જયવર્ધને ત્રણેય ખેલાડીઓ માટે ભાવનાત્મક ભાષણ આપતા જોવા મળે છે. આ ત્રણ વિદેશી ખેલાડીઓના વિદાયથી મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં નોંધપાત્ર ફેરફારો કરવા પડ્યા. વિકેટકીપર રિકેલ્ટન અને જેક્સ સમગ્ર સિઝન દરમિયાન ટીમનો મહત્વપૂર્ણ ભાગ હતા.
આ પણ વાંચો: આ ગુજરાતી ક્રિકેટરે ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા જ સંન્યાસ લઈ સૌ કોઈને ચોંકાવી દીધા
આ છે રિપ્લેસમેન્ટ
રિકેલટને 14 મેચમાં 3 અડધી સદીની મદદથી 388 રન બનાવ્યા. વિલ જેક્સે 13 મેચની 11 ઇનિંગ્સમાં 233 રન બનાવ્યા. જેમાં 1 અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે 6 વિકેટ પણ લીધી. બોશે 3 મેચની 2 ઇનિંગ્સમાં 47 રન બનાવ્યા. આમાં 32 રન સૌથી વધુ સ્કોર છે. આ ઉપરાંત તેણે 1 વિકેટ પણ લીધી. મુંબઈ ઇન્ડિયન્સે આ ત્રણેય ખેલાડીઓના સ્થાને જોની બેયરસ્ટો, રિચાર્ડ ગ્લીસન અને ચેરિથ અસલંકાને પસંદ કર્યા છે.