IPL 2025: આઈપીએલ 2025 ક્વોલિફાયર 2 માં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને રોમાંચક મેચમાં હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ હાર સાથે જ મુંબઈ ઈન્ડિયન્સની આ સિઝનની સફર પૂરી થઈ ગઈ. હવે 3 જૂને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે ફાઇનલ મેચ રમાશે, જે ક્રિકેટ ચાહકો માટે શાનદાર મેચ બની રહેશે.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નીતા અંબાણી અને પ્રીતિ ઝિન્ટા જેવા ફ્રેન્ચાઇઝી માલિકો આઇપીએલ જેવી મોટી ટૂર્નામેન્ટમાં કેટલી કમાણી કરે છે? આ ટીમોને ખરીદવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ એક મેચમાંથી થનારી કમાણી પણ તમને ચોંકાવી શકે છે. ચાલો આ બિઝનેસ મોડલ પાછળની કહાનીને સમજીએ.
રમત સાથે કમાણીનો મહા સંગમ છે આઈપીએલ
આઈપીએલ એ માત્ર ક્રિકેટ ટૂર્નામેન્ટ જ નહીં પરંતુ એક વિશાળ બિઝનેસ મોડલ પણ છે. આ પ્લેટફોર્મ નવા ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવાની ગોલ્ડન તક આપે છે, જ્યાં ખેલાડીઓ હરાજીમાં કરોડો રુપિયાની કમાણી કરે છે. સાથે જ આ ટૂર્નામેન્ટમાંથી ફ્રેન્ચાઇઝી માલિકો પણ મોટી કમાણી કરે છે.
મીડિયા રિપોર્ટ જણાવે છે કે આઇપીએલની કોઈ પણ મેચમાંથી ટિકિટોનું 80 ટકા વેચાણ સીધું ફ્રેન્ચાઈઝી માલિકોના ખાતામાં જતું હોય છે. આ ઉપરાંત ફ્રેન્ચાઈઝીઓને ટીમોની જર્સી પર દેખાતી બ્રાન્ડ્સના સ્પોન્સરશિપ અને મીડિયા રાઈટ્સમાંથી પણ મોટા ભાગના નાણાં મળે છે. તે આવકનો એક એવો સ્રોત છે, જે દરેક સિઝનમાં માલિકો માટે સોનાના ઇંડા આપે છે.
એક મેચમાંથી કેટલી કમાણી?
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ રમાઈ હતી. આ સ્ટેડિયમમાં એક લાખ 35 હજાર દર્શકો એક સાથે મેચનો આનંદ માણી શકે છે. આઇપીએલની ટિકિટના ભાવ સ્ટેડિયમના લોકેશન અને સીટના આધારે રુપિયા 3,000થી લઈને રુપિયા 30,000 સુધીના હોય છે. એક ટિકિટ દીઠ સરેરાશ 3000 રૂપિયાની કિંમત માનીને પણ એક લાખ દર્શકોની હાજરીમાં 30 કરોડ રૂપિયાની ટિકિટ વેચાય છે.
આ પણ વાંચો – ઇતિહાસ રચાશે! RCB vs PBKS – ક્રિકેટને મળશે પ્રથમ નવો ચેમ્પિયન
જોકે દરેક સ્ટેડિયમની બેઠક ક્ષમતા અને ટિકિટની કિંમત અલગ-અલગ હોય છે, પણ ફ્રેન્ચાઈઝીના માલિકોને એક મેચથી કરોડો રુપિયાનો નફો થાય છે તે સ્પષ્ટ છે. આ ઉપરાંત, સ્પોન્સરશિપ, મર્ચેન્ડાઈઝ વેચાણ અને મીડિયા રાઇટ્સથી થતી આવક આ નફામાં વધુ વધારો કરે છે.
આઈપીએલનો જાદુ અને બિઝનેસ
આઇપીએલનો આ શાનદાર મંચ માત્ર ક્રિકેટ પ્રેમીઓ માટે મનોરંજનનું કેન્દ્ર જ નહી પણ ફ્રેન્ચાઈઝી માલિકો માટે પણ ગોલ્ડન તક છે. કરોડો રૂપિયાનું રોકાણ કરનારી ટીમો આ ટૂર્નામેન્ટમાંથી અનેકગણો નફો કમાય છે. આ ટૂર્નામેન્ટ માત્ર ખેલાડીઓ અને ચાહકો માટે જ નહીં, પણ ફ્રેન્ચાઈઝી માલિકો માટે પણ લાભદાયી રમત છે.