Chennai Super Kings sign Urvil Patel : આઈપીએલ 2025માં પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઇ ગયેલી ચેન્નઈ સુપર કિંગ્સે વંશ બેદીના સ્થાને ગુજરાતના વિકેટકિપર બેટ્સમેન ઉર્વિલ પટેલને સાઇન કર્યો છે. દિલ્હી પ્રીમિયર લીગ (ડીપીએલ)થી ચર્ચામાં આવેલો વિકેટ કીપર બેટ્સમેન વંશ બેદી ડાબા પગની ઘૂંટીમાં ઈજાના કારણે આઇપીએલ 2025ની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. ઉર્વિલ પટેલ 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ પર ચેન્નઈ સુપર કિંગ્સમાં જોડાયો છે.
ઉર્વિલ પટેલે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં તે સમયે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે ત્રિપુરા સામે 28 બોલમાં સદી ફટકારી હતી. આ સંયુક્ત રુપથી કોઈ ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી ટી -20 સદી છે. અભિષેક શર્માએ સૌરાષ્ટ્ર સામે પંજાબ તરફથી રમતા 28 બોલમાં સદી ફટકારી હતી.
ઉર્વિલ પટેલે 47 ટી-20 મેચમાં 1,162 રન બનાવ્યા છે
26 વર્ષીય ખેલાડીએ 47 ટી-20 મેચમાં 1,162 રન ફટકાર્યા છે. આ પહેલા તે 2023ની સિઝનમાં ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ હતો. 11 મેચમાંથી માત્ર બે જીત સાથે જ સીએસકે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. તેઓ તેમની બાકીની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે.
ઉર્વિલને આયુષ મ્હાત્રે સાથે ટ્રાયલ માટે બોલાવવામાં આવ્યો હતો
સુકાની રુતુરાજ ગાયકવાડ કોણીની ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા બાદ ઉર્વિલને ચેન્નઈ સુપર કિંગ્સે આયુષ મ્હાત્રે સાથે મળીને મિડ-સિઝન ટ્રાયલ્સ માટે બોલાવ્યો હતો. ઉર્વિલે 2024-25 સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં 6 ઇનિંગ્સમાં 78.75ની એવરેજ અને 230ની આસપાસ સ્ટ્રાઇક રેટથી 315 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો – 18 પોઇન્ટ સુધી પહોંચી શકે છે 5 ટીમો, જાણો કેવું છે પ્લેઓફનું સમીકરણ
ઉર્વિલે 6 મેચમાં 29 સિક્સર ફટકારી હતી
સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં ગુજરાત નોકઆઉટમાં ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહ્યું હતું. ઉર્વિલ 6 મેચમાં 29 સિક્સર સાથે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સર હિટર રહ્યો હતો. રજત પાટીદાર 10 મેચમાં 27 સિક્સર સાથે આ યાદીમાં બીજા ક્રમે રહ્યો હતો.
સૈયદ મુસ્તાક અલી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ઉર્વિલે રણજી ટ્રોફીમાં પણ શાનદાર દેખાવ કર્યો. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં રાજકોટમાં રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં તેણે સૌરાષ્ટ્ર સામે 197 બોલમાં કારકિર્દીના શ્રેષ્ઠ 140 રન ફટકાર્યા હતા.