Paris Olympics 2024 hockey : પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે વધુ એક મેડલની આશા જાગી છે. રવિવારે (4 ઓગસ્ટ) હોકીની ક્વાર્ટર ફાઇનલમાં ભારતે બ્રિટનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું અને સેમિફાઇનલમાં જગ્યા બનાવી. બ્રિટન સામે ભારતીય ટીમનો વિજય ઘણો મોટો છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે અમિત રોહિદાસને 17મી મિનિટે બ્રિટિશ ખેલાડીના ચહેરા પર લાકડી વગાડવાથી રેડ કાર્ડ મળ્યું હતું.
રોહિદાસ બહાર થયાના થોડા સમય બાદ જ ભારતે 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. પરંતુ બ્રિટિશ ટીમે હાફ ટાઈમ પહેલા ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો. 60 મિનિટના અંતે સ્કોર 1-1 રહ્યો હતો. ભારત માટે, સુકાની હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યો, પેરિસ 2024માં તેનો સાતમો ગોલ. અમિત રોહિદાસને બ્રિટનના વિલિયમ કેલનને ચહેરા પર લાકડી વગાડવા બદલ રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. ટીવી અમ્પાયરે રિપ્લે જોયો અને ચુકાદો આપ્યો કે લાકડી “અકુદરતી રીતે ચલાવવાાં આવી હતી.”
ભારત તરફથી પેનલ્ટી શૂટઆઉટમાં હરમનપ્રીત સિંહ, સુખજીત સિંહ, લલિત ઉપાધ્યાય અને રાજ કુમાર પાલે ગોલ કર્યા હતા. બ્રિટન તરફથી જેમ્સ અલ્બેરી અને ઝાચેરી વોલેસે ગોલ કર્યા હતા. પરંતુ કોનોર વિલિયમસન અને ફિલ રોપર ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ સાથે મેચ ભારતીયોના હાથમાં ગઈ. ઓલિમ્પિકમાં ભારતની આ સતત બીજી સેમિફાઇનલ છે. ક્રેગ ફુલ્ટનની ટીમ હવે ઓલિમ્પિક મેડલ જીતવાથી એક જીત દૂર છે. જો તેઓ સેમિફાઈનલ હારી જશે તો, બ્રોન્ઝ મેડલ મેચ રમશે.
અગાઉ, બ્રિટન પ્રથમ ક્વાર્ટરમાં બે પેનલ્ટી કોર્નર (10:46 અને 10:48) મેળવીને પ્રારંભિક લીડ લઈ શકતું હતું. જો કે, ભારતીય ડિફેન્ડર અમિત રોહિદાસે બંને એટેકને નિષ્ફળ બનાવવામાં અને બ્રિટનને પ્રારંભિક લીડને નકારી કાઢવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
બ્રિટનના સતત આક્રમણને ગોલકીપર પીઆર શ્રીજેશે બચાવ્યો હતો. ક્વાર્ટરમાં પાંચ મિનિટથી પણ ઓછો સમય બાકી હતો. બ્રિટન ફરીથી પેનલ્ટી કોર્નરથી ગોલ કરવાની નજીક આવી ગયું હતું, પરંતુ ભારતનો બચાવ મજબૂત રહ્યો હતો. જરમનપ્રીત સિંહે શોટ બ્લોક કર્યો અને ગોલકીપર શ્રીજેશે ગોલ બચાવ્યો.