Ind vs Eng 5th Test : ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે મંગળવારે લંડન ઓવલના મુખ્ય ક્યુરેટર લે ફોર્ટિસ સાથે ભારે રકઝક કરી હતી. ગંભીરે ગ્રાઉન્ડ સ્ટાફને આંગળી બતાવી અને અને કહેતો જોવા મળે છે કે અમારે શું કરવાની જરુર છે તે તમે અમને જણાવશો નહીં. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી અને આખરી ટેસ્ટ મેચ ગુરુવારને 31 જુલાઈ થી ઓવલમાં રમાશે. માન્ચેસ્ટરમાં રમાયેલી ચોથી મેચમાં ભારતે શાનદાર વાપસી કરતાં મેચ ડ્રો કરાવી હતી. પાંચ મેચની શ્રેણીમાં ઇંગ્લેન્ડ 2-1થી આગળ છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે ટ્રેનિંગ સેશન દરમિયાન નારાજ ગંભીર ક્યુરેટર સાથે દલીલ કરતો જોવા મળે છે. આ પછી ભારતના બેટીંગ કોચ સિતાંશુ કોટકને દરમિયાનગીરી કરીને માહોલને શાંત કર્યો હતો.
શા માટે થઇ રકઝક
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર આ ઝઘડો ત્યારે શરૂ થયો જ્યારે ફોર્ટિસે ગંભીરને કહ્યું કે મારે આનો રિપોર્ટ કરવો પડશે. આના પર ભારતીય મુખ્ય કોચે ખૂબ જ આકરો જવાબ આપ્યો હતો કે તમે જઇને જે પણ રિપોર્ટ કરવા માંગો છો તે કરો. ત્યારબાદ સિંતાંશું કોટકે દરમિયાનગીરી કરી અને ફોર્ટિસને બાજુમાં લઈ ગયો અને કહ્યું હતું કે અમે કશુંપણ નુકસાન પહોંચાડીશું નહીં. ભારતીય ટીમના અન્ય સપોર્ટ સ્ટાફ જેવા કે બોલિંગ કોચ મોર્ની મોર્કેલ અને આસિસ્ટન્ટ કોચ રેયાન ટેન ડોચેટ પણ આ ચર્ચાને ધ્યાનથી સાંભળતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો – વોશિંગ્ટન સુંદરના પિતાએ ગંભીર-અગરકર પર કર્યો પ્રહાર, કહ્યું – મારા પુત્રને પાંચમાં નંબરે તક મળવી જોઈએ
અમને એ ના કહી શકો કે અમારે શું કરવાનું છે
બંને વચ્ચે શા માટે રકઝક થઈ તે સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ ગંભીર અને ફોર્ટિસ પ્રેક્ટિસ માટે પીચની સ્થિતિ અંગે દલીલ કરતા જોવા મળ્યા હતા. ગંભીરે ફરીથી ફોર્ટિસને કહ્યું કે તેની ટીમને શું કરવું છે તે કહેવું જોઈએ નહીં. વીડિયોમાં ગંભીર એમ કહેતા જોવા મળી રહ્યો છે કે તમે અમને એ ના કહી શકો કે અમારે શું કરવાનું છે. તમે ફક્ત એક ગ્રાઉન્ડસમેન છો. ફોર્ટિસ અને ગંભીરે ત્યારબાદ તેમના અલગ અલગ રસ્તે ચાલ્યા ગયા હતા.
આ પછી મેદાનથી પોતાના રુમમાં જતી વખતે ફોર્ટિસે કહ્યું કે આ એક મોટી મેચ છે અને તે (ગંભીર) થોડો ભાવુક છે. માન્ચેસ્ટર ટેસ્ટમાં અડધી સદી અને શૂન્ય રન બનાવનાર સાંઇ સુદર્શન પ્રેક્ટિસ માટે મેદાનમાં સૌથી પહેલા પહોંચ્યો હતો.