ગંભીર-ગિલની સૌથી મોટી મૂંઝવણ, કરુણ નાયર કે સાઇ સુદર્શનમાંથી ચોથી ટેસ્ટમાં કોને તક આપવી?

Ind vs Eng 4th Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 23મી જુલાઇથી ચોથી ટેસ્ટ રમાશે. કરૂણ નાયરના નામે 6 ઇનિંગ્સમાં માત્ર 131 રન છે. બંને ટીમોમાંથી ટોપ ફોરમાં તે એકમાત્ર એવો ખેલાડી છે કે જેણે અડધી સદી પણ ફટકારી નથી

Written by Ashish Goyal
Updated : July 16, 2025 15:04 IST
ગંભીર-ગિલની સૌથી મોટી મૂંઝવણ, કરુણ નાયર કે સાઇ સુદર્શનમાંથી ચોથી ટેસ્ટમાં કોને તક આપવી?
Ind vs Eng 4th Test : કરુણ નાયર અને સાંઇ સુદર્શન (તસવીર - સોશિયલ મીડિયા)

Ind vs Eng 4th Test : ઈંગ્લેન્ડ પ્રવાસ પર પાંચ ટેસ્ટની શ્રેણીમાં ભારતીય ટીમ ભલે 1-2થી પાછળ હોય પરંતુ શુભમન ગિલની આગેવાનીમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ત્રણેય ટેસ્ટ મેચ જીતવાની સ્થિતિમાં હતી. જોકે સારા પ્રદર્શન બાદ પણ ગૌતમ ગંભીર અને શુભમન ગિલ માટે નંબર 3 એક મોટી મૂંઝવણ બની રહે છે. પ્રથમ મેચમાં સાઇ સુદર્શનને તક આપવામાં આવી હતી. ડેબ્યૂ બાદ તેને પછીની ટેસ્ટમાં પડતો મુકવામાં આવ્યો હતો. કરૂણ નાયરને 3 ટેસ્ટમાં તક મળી હતી, પરંતુ 6 ઇનિંગ્સમાં તે અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી.

કરૂણ નાયરના નામે 6 ઇનિંગ્સમાં માત્ર 131 રન છે. બંને ટીમોમાંથી ટોપ ફોરમાં તે એકમાત્ર એવો ખેલાડી છે કે જેણે અડધી સદી પણ ફટકારી નથી. હવે 23મી જુલાઈથી માન્ચેસ્ટરમાં રમાનારી ચોથી ટેસ્ટમાં ગંભીર-ગિલ માટે મૂંઝવણ છે કે કરુન નાયરને વધુ તક આપવી કે પછી ભારતના પ્લેઈંગ 11માં સાઈ સુદર્શનને રમાડવો.

સાઈ સુદર્શનને તક આપવી જોઈએ

દિગ્ગજ ફારૂક એન્જિનિયરનું માનવું છે કે સાઈ સુદર્શનને ઓલ્ડ ટ્રેફોર્ડમાં ત્રીજા નંબર પર તક આપવી જોઈએ. લીડ્ઝમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ બાદ બેન્ચ પર બેઠા બાદ ડાબોડી બેટ્સમેને નેટ્સમાં સૌથી વધુ સમય વિતાવ્યો છે. જ્યાં તેણે બે ઈનિંગમાં 30 રન ફટકાર્યા હતા. ભારતના પૂર્વ વિકેટકીપર એન્જિનિયરે સ્પોર્ટસ્ટારને કહ્યું કે કરૂણને તક મળી પરંતુ તે તેનો ફાયદો ઉઠાવી શક્યો નહીં. આ પોઝિશન સૌથી મહત્વની છે અને તેણે હજુ સુધી અડધી સદી પણ ફટકારી નથી. વધુ વિકલ્પો ઉપલબ્ધ ન હોવાથી સુદર્શનને ટીમમાં સામેલ કરી શકાય છે. ડાબોડી બેટ્સમેન હોવાથી તેઓ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.

કરુણ નવા બોલની ચમકને ઝાંખી કરવામાં સફળ રહ્યો

કરુણની વાત કરીએ તો તેણે ત્રીજા નંબર પર સારી બેટિંગ કરી છે. તે ઘણીવાર નવા બોલની ચમકને ઝાંખી કરવામાં સફળ રહ્યો છે. 33 વર્ષીય કરુન ન તો નર્વસ લાગતો હતો કે ન તો પીચથી તેને પરેશાન થયો છે. પરંતુ તેમ છતાં તે મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. તેની એવરેજ 27.75 ની રહી છે.

આ પણ વાંચો – ત્રીજી ટેસ્ટમાં રોમાંચક મેચમાં ટીમ ઇન્ડિયાનો પરાજય, આ છે લોર્ડ્સ ટેસ્ટમાં હારના 5 કારણો

કરુણ નાયરને ડિફેન્સિવ એપ્રોચથી નુકસાન થયું

કરુણ નાયર સાથે સમસ્યા એ રહી છે કે તે ખૂબ જ ડિફેન્સિવ રહ્યો છે. તેણે 43.9 ટકા ડિફેન્સિવ શોટ રમ્યા છે. આ સિરિઝના ટોપ ઓર્ડરના બેટ્સમેનોમાં માત્ર સુદર્શને જ આ પ્રકારના શોટ ફટકાર્યા છે. કરુનની ડોટ બોલની ટકાવારી 73.8 છે, જે આ જ કેટેગરીમાં ત્રીજા ક્રમની હાઈએસ્ટ છે. ડિફેન્સિવ એપ્રોચ અપનાવવાથી તેને વધારે ફાયદો થયો નથી.

નંબર 3 પર ચિંતા

લોર્ડ્સ ટેસ્ટની બીજી ઇનિંગમાં મિડલ ઓર્ડરના ધબડકાને બાદ કરતાં ભારતની બેટિંગ ઘણી મજબૂત દેખાઈ રહી છે, પરંતુ ત્રીજા નંબર પર ભારે ચિંતાનો વિષય બનેલો છે. વર્ષ 2020થી લઈને અત્યાર સુધી ભારતે આ સ્થાન પર જુદા-જુદા 11 ખેલાડીઓને અજમાવ્યા છે. આ મહત્વપૂર્ણ પોઝિશન પર સ્થિરતા હોવી જરુરી છે. જે ચેતેશ્વર પુજારાએ લગભગ એક દાયકા સુધી પુરી પાડી હતી. સૌરાષ્ટ્રના આ બેટ્સમેને ત્રીજા ક્રમે રહીને 155 ઈનિંગમાં 44.41ની એવરેજથી 6529 રન ફટકાર્યા હતા, જે તેન ટેસ્ટ ડેબ્યૂ બાદ આ પોઝિશન પર કોઈ પણ બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા બીજા સૌથી વધુ રન છે.

વન-ડાઉન પોઝિશનને લઇને ફક્ત ભારત જ સંઘર્ષ કરી રહ્યું નથી

ગિલ તેના ઉત્તરાધિકારી બનવા માટે તૈયાર હોય તેમ લાગતું હતું. તેણે 2021 થી 2025 ની વચ્ચે ત્રીજા નંબર પર 17 મેચ રમી હતી અને 37.74 ની સરેરાશથી 1019 રન બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદ તે ચોથા નંબર પર ચાલ્યો ગયો છે. વન-ડાઉન પોઝિશન સામે ઝઝૂમી રહી હોય તેવી એકમાત્ર ભારતીય ટીમ નથી. લગભગ તમામ ટેસ્ટ રમનારા દેશો ત્રીજા નંબર પર લાંબા ગાળાના ખેલાડીની શોધમાં છે. હવે જોવાનું એ રહે છે કે ભારત કરુણ સાથે વળગી રહેશે કે પછી સુદર્શન પુનરાગમન કરશે.

ચોથી ટેસ્ટ માટે સંભવિત ભારતીય ટીમ

કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર/સાંઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટ કીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશદીપ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ