Rishabh Pant Injury : ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત જમણા પગમાં ફ્રેક્ચર હોવા છતાં બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો છે. તેની અંદર દેશ માટે રમવાનો જુસ્સો સ્પષ્ટ દેખાય છે. માન્ચેસ્ટર ટેસ્ટના બીજા દિવસે જ્યારે પંત બેટિંગ કરવા ઉતર્યો ત્યારે સ્ટેડિયમમાં તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રેક્ષકોએ ઉભા થઈને તાળીઓ પાડીને સ્વાગત કર્યું હતું.
માન્ચેસ્ટરમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટના પહેલા દિવસે ક્રિસ વોક્સના બોલને રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કરતી વખતે પંત ઇજાગ્રસ્ત થયો હતો. તેમને જમણા પગમાં ગંભીર ઈજા થઈ છે. ફ્રેક્ચર હોવા છતાં ગુરુવારે ભારતીય ઉપ-કપ્તાન ઋષભ પંત બેટિંગ કરવા ઉતર્યો હતો. આ પહેલા લોર્ડ્સ ટેસ્ટમાં પણ પંતને હાથમાં ઈજા થઈ હતી અને ત્યાં પણ તેમણે ઈંગ્લિશ બોલરોનો બહાદુરીથી સામનો કર્યો હતો.
સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકોએ ઉભા થઇને પંતનું તાળીઓથી સ્વાગત કર્યું
ગુરુવારે શાર્દુલ ઠાકુરના આઉટ થયા પછી ઋષભ પંત બેટિંગ કરવા ઉતર્યો હતો. આ દરમિયાન ડ્રેસિંગ રૂમમાંથી મેદાન પર પહોંચતા તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકોએ ઉભા થઇને તાળીઓથી સ્વાગત કર્યું હતું. શાર્દુલ ઠાકુરે પણ તેની પીઠ થપથપાવી હતી.
ધ્રુવ જુરેલ વિકેટકીપરની ભૂમિકા ભજવશે
બીસીસીઆઈએ ગુરુવારે એક્સ પર લખ્યું હતું કે માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે જમણા પગમાં ઈજા થયા બાદ ઋષભ પંત બાકીની મેચમાં વિકેટકીપિંગ કરી શકશે નહીં. ધ્રુવ જુરેલ વિકેટકીપરની ભૂમિકા ભજવશે. બોર્ડે કહ્યું કે ઈજા છતાં ઋષભ પંત બીજા દિવસે ટીમ સાથે જોડાયો છે અને ટીમની જરૂરિયાત મુજબ બેટિંગ કરવા માટે ઉપલબ્ધ રહેશે.
આ પણ વાંચો – ભારત વિ ઇંગ્લેન્ડ ચોથી ટેસ્ટ લાઇવ અપડેટ્સ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં ઋષભ પંત બીજી વખત ઈજાગ્રસ્ત થયો છે. લોર્ડ્સમાં ત્રીજી ટેસ્ટ દરમિયાન વિકેટકીપિંગ કરતી વખતે તેમને આંગળીમાં ઈજા થઈ હતી જેના કારણે તેઓ ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં વિકેટકીપિંગ કરી શક્યો ન હતા. ધ્રુવ જુરેલે આ જવાબદારી સંભાળી હતી.