ICC ODI Ranking : ભારતીય વન-ડે ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને આઇસીસીએ તેના તાજેતરના વન-ડે બેટિંગ રેન્કિંગમાંથી બહાર કર્યા હતા. આઇસીસીનું તાજેતરનું વન ડે બેટીંગ રેન્કિંગ તારીખ 20મી ઓગસ્ટે જાહેર કરવામાં આવ્યું હતું પણ તેમાં કોહલી અને રોહિતને સામેલ કરવામાં આવ્યા ન હતા, જેઓ અગાઉના રેન્કિંગમાં ટોપ-10માં સ્થાન ધરાવતા હતા. જોકે આઈસીસીએ આ મામલે ટેકનિકલ ભૂલ હોવાની સ્પષ્ટતા કરી છે અને રેન્કિંગ અપડેટ કરી દીધું છે.
રોહિત-કોહલી આઈસીસી રેન્કિંગમાંથી બહાર થઇ ગયા હતા
આઇસીસીએ આ પહેલા જ્યારે વન ડે બેટ્સમેન રેન્કિંગ જાહેર કર્યું ત્યારે રોહિત શર્માએ બાબર આઝમને પાછળ છોડી દીધો હતો અને તે બીજા ક્રમે પહોંચી ગયો હતો. જ્યારે વિરાટ કોહલી રેન્કિંગમાં ચોથા નંબરે હતો, પરંતુ હવે લેટેસ્ટ રેન્કિંગમાં બંનેના નામ ગાયબ છે. બાબર આઝમ વર્તમાન રેન્કિંગમાં બીજા નંબરે પહોંચી ગયો છે, જ્યારે ચરિત અસાલંકા ચોથા નંબર પર છે. હવે આઈસીસીએ કોહલી અને રોહિતના નામ ટોપ 10માંથી કેમ હટાવી દીધા તેને લઇને પ્રશંસકોમાં પણ અટકળોનો માહોલ જોવા મળ્યો હતો.
આઈસીસીએ પોતાની ભૂલ સુધારી
કોહલી અને રોહિતનું રેન્કિંગમાંથી બહાર થવું ટેકનિકલી ભૂલને કારણે થયું હતું. આઈસીસીએ આ સ્પષ્ટતા કરી હતી. ICC એ કહ્યું કે આ સપ્તાહના રેન્કિંગમાં ઘણી સમસ્યાઓ આવી છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે થોડા સમય પછી ટેકનિકલ ખામીઓ દૂર કરવામાં આવી અને રેન્કિંગ ફરીથી અપડેટ કરવામાં આવ્યું હતું. આમાં નિષ્ક્રિય ખેલાડીઓને દૂર કરવામાં આવ્યા અને રોહિત શર્મા અને વિરાટ કોહલીને ગત સપ્તાહ વાળી પોઝિશને લાવી દીધા હતા. રોહિત શર્મા બીજા અને કોહલી ચોથા સ્થાને છે.
રોહિત-કોહલીની બાદબાકી એક આશ્ચર્યજનક નિર્ણય હતો
અહીં સવાલ એ છે કે બાબર આઝમ જ્યારે અગાઉના રેન્કિંગ બાદ કોઈ મેચ રમ્યો નથી તો તેણે બીજું સ્થાન કેવી રીતે મેળવ્યું. માની લઈએ કે બાબર બીજા સ્થાને ગયો તો પણ રોહિત શર્મા ટોપ 10માંથી કેવી રીતે બહાર થયો. જો તે કોઈ મેચ ન રમ્યો હોત તો તે રેન્કિંગમાં નીચે આવી જાય પણ તે તરત જ રેન્કિંગમાંથી બહાર થઈ જાય તે વધુ વિચિત્ર લાગે છે. આ સાથે જ વિરાટ કોહલીને પણ રેન્કિંગમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – એશિયા કપ : શુભમન ગિલની પસંદગી પણ હતી મુશ્કેલ, પછી કેવી રીતે મળ્યું ટીમમાં વાઇસ કેપ્ટનનું પદ
આઈસીસી વન-ડે રેન્કિંગ 19 ઓગસ્ટ સુધી
- શુભમન ગિલ – 784 પોઇન્ટ
- બાબર આઝમ – 739 પોઇન્ટ
- ડેરિલ મિશેલ – 720 પોઇન્ટ
- ચરિત અસલંકા – 719 પોઇન્ટ
- હેરી ટેક્ટર – 708 પોઇન્ટ
- શ્રેયસ ઐયરર – 704 પોઇન્ટ
- શાઈ હોપ – 699 પોઇન્ટ
- ઇબ્રાહિમ ઝાદરાન – 676 પોઇન્ટ
- કુસલ મેન્ડિસ – 669 પોઇન્ટ
- ટ્રેવિસ હેડ – 648 પોઇન્ટ
આઇસીસી વન-ડે રેન્કિંગ (13 ઓગસ્ટ સુધી)
- શુભમન ગિલ – ભારત – 784
- રોહિત શર્મા – ભારત – 756
- બાબર આઝમ – પાકિસ્તાન – 751
- વિરાટ કોહલી – ભારત – 736
- ડેરિલ મિશેલ – ન્યૂઝીલેન્ડ – 720
- ચરિત્ર અસલંકા – શ્રીલંકા – 719
- હેરી ટેક્ટર – આયર્લેન્ડ – 708
- શ્રેયસ ઐયર – ભારત – 704
- ઈબ્રાહીમ ઝાદરાન – અફઘાનિસ્તાન – 676
- કુસલ મેન્ડિસ – શ્રીલંકા – 669