Jasprit Bumrah : વર્કલોડ મેનેજમેન્ટ અને ઈંગ્લેન્ડ પ્રવાસમાં માત્ર 3 જ ટેસ્ટ મેચ રમવાને લઈને ચાલી રહેલી ચર્ચાને કારણે જસપ્રીત બુમરાહ ટિકાકારોના નિશાના પર રહ્યો છે. આ વર્ષની શરૂઆતમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ગંભીર ઈજા થતાં પછી બુમરાહે ઈંગ્લેન્ડ પ્રવાસથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કર્યું હતું. ભારતીય ટીમ મેનેજમેન્ટે કહ્યું હતુ કે બુમરાહ પ્રવાસની પાંચમાંથી માત્ર ત્રણ જ ટેસ્ટ મેચ રમશે, પછી ભલેને તેનું પરિણામ અને શ્રેણીનો સ્કોરલાઈન ગમે તે હોય.
ઓગસ્ટની શરુઆતમાં રમાયેલી ઓવલ ટેસ્ટમાં ભારતે રોમાંચક વિજય મેળવતા શ્રેણી 2-2થી સરભર કરી હતી. ફાસ્ટ બોલર બુમરાહને બીજા દિવસે ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો હતો. ત્રણ મેચમાં તેણે 14 વિકેટ લીધી હતી, જેમાં બે વખત પાંચ વિકેટ પણ સામેલ હતી. જોકે વિચિત્ર બોલિંગ એક્શન ધરાવતો બુમરાહ ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. ગુજરાતના આ ઝડપી બોલર તેની અનોખી એક્શનની કારણે થતી સમસ્યાઓ સાથે સંબંધ ધણો જૂનો છે.
અંડર-19 ટીમમાં બુમરાહની પસંદગી કરવામાં આવી ન હતી
ભારતના ભૂતપૂર્વ બોલિંગ કોચ ભરત અરુણે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે બુમરાહે સ્પીડ વધારવા માટે એક જ ઝાટકે બર્ગર-પિઝા અને મિલ્કશેક છોડી દીધા હતા. આ 2013ની વાત છે. ત્રણ વર્ષ બાદ બુમરાહે પહેલી વખત ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બુમરાહની અંડર-19 ટીમમાં પસંદગી કરવામાં આવી ન હતી. સ્પીડ વધારવા માટે એક્શન બદલવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. આ પછી ફાસ્ટ બોલરે જંકફૂડ છોડી દીધું હતું.
અંડર-19 કેમ્પ માટે એનસીએમાં આવ્યો બુમરાહ
બોમ્બે સ્પોર્ટ એક્સચેન્જ પર ભરત અરુણે કહ્યું હતું કે 2013માં બુમરાહ અંડર -19 કેમ્પ માટે એનસીએ આવ્યો હતો અને પસંદગી માટે પોતાનો દાવો રજૂ કર્યો હતો. તે ટીમમાં જગ્યા બનાવી શક્યો ન હતો પરંતુ નેશનલ ક્રિકેટ એકેડમીના 30 સભ્યોના કેમ્પમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અરુણે ખુલાસો કર્યો કે એનસીએ કોચે તેની સ્પીડ સુધારવા માટે બુમરાહની એક્શનમાં ફેરફાર કરવાનો પ્રયાસ કર્યો હતો. બદલાયેલી એક્શન ઘણા સારી હતી , પરંતુ તે પૂરતી સ્પીડ બનાવી શક્યો નહીં.
આ પણ વાંચો – ભારતીય ક્રિકેટરો માટે બ્રોનકો ટેસ્ટ ફરજિયાત! જાણો તેના વિશે બધી માહિતી
બુમરાહનો એક્શન બદલવાનો પ્રયાસ
અરુણે કહ્યું કે સાચું કહું તો અમે બુમરાહની એક્શનને બદલવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેને એક નવો લુક આપવામાં આવ્યો હતો. એક્શન ખૂબ જ સરસ હતી, પરંતુ બૉલમાં તે ઝડપી ન હતી. જો બોલ અસરકારક ન હોય તો શાનદાર એક્શનનો શું અર્થ છે? તે ફાસ્ટ બોલિંગ કરી શકતો હતો, તેથી અમે ફિઝિયો અને સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ સાથે વાત કરી હતી. અમે કહ્યું, હું તેની એક્શનને સ્પર્શવા માંગતો નથી કારણ કે તે ખૂબ જ અનન્ય છે અને ઘણી ઝડપી સ્પીડ બનાવે છે. પરંતુ તેનાથી તે તણાવમાં પણ રહે છે.
બુમરાહે પૌષ્ટિક આહાર શરૂ કર્યો
અરુણે કહ્યું કે બુમરાહ પર જંક ફૂડ પ્રત્યેના પોતાના પ્રેમને છોડી દેવા અને તાકાત બનાવવા માટે તેના શરીરમાં ફેરફાર કરવાની જવાબદારી હતી. ફાસ્ટ બોલરે એક જ ઝાટકે ત્યાગ કરી દીધો હતો. તેમણે કહ્યું કે અમે તેને બોલાવ્યો અને કહ્યું કે ફાસ્ટ બોલિંગના દબાણનો સામનો કરવા માટે તમારે બળદ જેવા બનવું પડશે. આ માટે ડાયટ, એક્સરસાઇઝ અને ત્યાગ જરૂરી છે. સાચું કહું તો બુમરાહ તરત જ બદલાઈ ગયો. તેણે પૌષ્ટિક આહાર લેવાનું શરૂ કર્યું, જીમમાં વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું. વિરાટ કોહલીની જેમ તે પણ ખૂબ જ સમર્પિત હતો. તેને બર્ગર, પિઝા, મિલ્કશેક ખૂબ જ ગમતા હતા. તેણે રાતોરાત બધું જ છોડી દીધું હતું.