Team India Sponsorship : ઓનલાઈન ગેમિંગ કાયદો લાગુ થયા બાદ પૈસાથી રમાતી ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ ક્ષેત્રની અગ્રણી કંપની Dream11 એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ને જાણ કરી છે કે, તે હવે ભારતીય ટીમને સ્પોન્સર કરી શકશે નહીં. દુબઈમાં એશિયા કપના પ્રારંભને આડે હવે માત્ર બે સપ્તાહ જ બાકી રહ્યા છે, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમે નવા ભાગીદારની શોધ કરવી પડશે. ડ્રીમ 11 એ સ્પોન્સરશિપ પાછી ખેંચતા બોર્ડને 119 કરોડ રુપિયાનું નુકસાન થશે.
બીસીસીઆઈના એક અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે ડ્રીમ 11 ના પ્રતિનિધિઓએ બીસીસીઆઈની ઓફિસની મુલાકાત લીધી હતી અને સીઈઓ હેમાંગ અમીનને જાણ કરી હતી કે તેઓ આગળ ચાલુ રાખી શકશે નહીં. જેના કારણે હવે તેઓ એશિયા કપ માટેની ટીમના સ્પોન્સર્સ બની શકશે નહીં. બીસીસીઆઈ ટૂંક સમયમાં નવું ટેન્ડર બહાર પાડશે. ”
શું Dream11 ને દંડ ફટકારવામાં આવશે?
બીસીસીઆઇના અન્ય એક અધિકારીના જણાવ્યા અનુસાર ડ્રીમ 11 પર કોન્ટ્રાક્ટમાંથી બહાર નીકળવા પર કોઇ પેનલ્ટી નહીં લાગે. કરારમાં એવી જોગવાઈ છે કે જે મુજબ સરકાર દ્વારા લાવવામાં આવેલા કાયદાથી સ્પોન્સરના મુખ્ય વ્યવસાયને અસર થાય તો તેઓ ક્રિકેટ બોર્ડને કંઈપણ ચૂકવવા માટે જવાબદાર રહેશે નહીં.
ત્રણ વર્ષ માટે 358 કરોડ રૂપિયાની ડિલ
બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર Dream11 18 વર્ષ પહેલાં શરૂ થયું હતું, જેનું વેલ્યુએશન 8 અબજ ડોલર છે અને તે દેશનું સૌથી મોટું ફેન્ટસી ગેમિંગ પ્લેટફોર્મ છે. તેણે જુલાઈ 2023માં બીસીસીઆઈના મુખ્ય પ્રાયોજક બનવાના અધિકારો 358 કરોડ રૂપિયાના ત્રણ વર્ષ માટે ખરીદ્યા હતા. તેણે એડટેક બાયજુસની જગ્યા લીધી હતી.
આ પણ વાંચો – સરકારનો નિર્ણય, પાકિસ્તાન સાથે રમતના સંબંધો ખતમ, પણ એશિયા કપમાં રમવા પર પ્રતિબંધ નહીં
ધોની, રોહિત, હાર્દિક, પંત અને બુમરાહ રહ્યા છે બ્રાન્ડ એમ્બેસેડર
ડ્રીમ 11 ની આઈપીએલમાં પણ મોટી હાજરી છે. તેના વિવિધ ફ્રેન્ચાઇઝી સાથે કરાર છે. મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા, હાર્દિક પંડયા, ઋષભ પંત અને જસપ્રીત બુમરાહ સહિતના તેના ટોચના ખેલાડીઓ તેના બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યા છે. વર્ષ 2020માં ચીનની કંપની વીવોએ આઈપીએલમાંથી હટી ગયા બાદ તે આઈપીએલની ટાઈટલ સ્પોન્સર બની હતી.
ડ્રીમ11નો બિઝનેસ ભારતની બહાર પણ ફેલાયેલો છે
ડ્રીમ 11 નો વેપાર ભારતથી બહાર પણ ફેલાયેલો છો. તે કેરેબિયન પ્રીમિયર લીગનું સત્તાવાર ફેન્ટેસી પાર્ટનર હોવાની સાથે ન્યૂઝીલેન્ડની ઘરેલું ટી-20 ટૂર્નામેન્ટ સુપર સ્મેશનું પણ ટાઇટલ સ્પોન્સર છે. તે ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ટી-20 ટૂર્નામેન્ટ બિગ બેશ લીગ અને વિમેન્સ બિગ બેશ લીગ સાથે પણ સંકળાયેલી છે. વર્ષ 2018માં ડ્રીમ11એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી.
ડ્રીમ 11 ફૂટબોલ અને બાસ્કેટબોલ સાથે પણ સંકળાયેલું છે
ડ્રીમ 11 ફૂટબોલ અને બાસ્કેટબોલ સાથે પણ સંકળાયેલું છે. દેશની ટોચની હરોળની ફૂટબોલ ટૂર્નામેન્ટ ઈન્ડિયન સુપર લીગની આધિકારિક ફેન્ટેસી પાર્ટનર છે, જેને હાલમાં અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. 2017માં નેશનલ બાસ્કેટબોલ એસોસિએશને પણ ડ્રીમ 11 પ્લેટફોર્મ પર પોતાનો આધિકારિક ફેન્ટેસી રમત શરૂ કરી હતી. પ્રો કબડ્ડી લીગ અને આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશને પણ ઓનલાઇન ગેમિંગ જાયન્ટ સાથે કરાર કરેલા છે.