Bengaluru Stampede : બેંગલુરુ પોલીસે બુધવારે 4 જૂને થયેલી ભાગદોડ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) ફ્રેન્ચાઇઝી, ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ ડીએનએ એન્ટરટેઇનમેન્ટ નેટવર્ક્સ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (કેએસસીએ)ની એડમિનિસ્ટ્રેટિવ કમિટી સહિત અનેક પક્ષો સામે એફઆઇઆર નોંધી છે. આઈપીએલ 2025 ની ફાઇનલમાં આરસીબીની જીત પછી 4 જૂને બેંગલુરુમાં ભાગદોડમાં 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 56 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
બેદરકારીનો આરોપ લગાવ્યો
ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ અનુસાર ક્યુબન પાર્ક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં નાસભાગની ઘટનામાં ગુનાહિત બેદરકારીનો આરોપ લગાવ્યો છે. એફઆઈઆરમાં કલમ 105, 125 (1) (2), 132, 121/1, 190 આર /ડબલ્યુ 3 (5) લગાવવામાં આવી છે. આ અગાઉ કર્ણાટક હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે, તેઓ ક્રિકેટ સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ અંગે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરે.
બેંગલુરુની ભાગદોડની ઘટનાના તપાસ અધિકારી બેંગલુરુ અર્બન ડેપ્યુટી કમિશનર જી જગદીશે જણાવ્યું હતું કે તેઓ કર્ણાટક રાજ્ય ક્રિકેટ બોર્ડ (કેએસસીએ), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મેનેજમેન્ટ અને અન્યોને નોટિસ ફટકારશે. જગદીશે તેમના અધિકારીઓ સાથે ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હું કેએસસીએ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર , ઇવેન્ટ મેનેજર, પોલીસ કમિશનરને નોટિસ ફટકારીશ. હું આરસીબી મેનેજમેન્ટને નોટિસ ફટકારીશ.
કર્ણાટક હાઈકોર્ટે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો
કર્ણાટક હાઈકોર્ટે ગુરુવારે રાજ્ય સરકારને એક ક્રિકેટ સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ કે જેમાં 11 લોકોના મોત અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા તેના પર સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે આ બાબતની સુઓ મોટુ સંજ્ઞાન લીધા બાદ રાજ્યને નોટિસ ફટકારી હતી અને 10 જૂન સુધીમાં વિગતવાર સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ પણ વાંચો – આરસીબીની જીતીની ઉજવણી વચ્ચે બેંગલુરુંના ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ભાગદોડ, 11 લોકોના મોત
કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા આર અશોકે ગુરુવારે આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમાર આ અકસ્માત માટે સીધા જવાબદાર છે.
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં મૃત્યુ પામેલી 15 વર્ષીય યુવતી દિવ્યાંશીના પરિવારે જણાવ્યું કે, એફઆઈઆર નોંધવા માટે તેમને 4 કલાક સુધી રાહ જોવી પડી હતી. પિતા શિવકુમારે જણાવ્યું કે ગેટ નંબર 15 પર ધક્કો મારીને તેમની દીકરી પડી ગઈ હતી. તે સમયે તેમની પત્ની અને સાળી પણ ત્યાં હતા.