Asia Cup 2025 : એશિયા કપ 2025નું આયોજન ભારતની યજમાનીમાં સંયુક્ત અરબ અમિરાતના દુબઈ અને અબુધાબીમાં કરશે. આ ટૂર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. આ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. મોહસીન નકવીએ એક્સ પર કહ્યું કે મને સંયુક્ત અરબ અમિરાતમાં યોજાનારા એસીસી મેન્સ એશિયા કપ 2025ની તારીખોની પુષ્ટિ કરતા આનંદ થાય છે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. અમે આતુરતાથી શાનદાર ક્રિકેટની રાહ જોઈ રહ્યા છીએ. વિગતવાર શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
એસીસી અનુસાર આ ટૂર્નામેન્ટમાં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન આમને-સામને ટકરાશે. એશિયા કપની આ સિઝનમાં કુલ 19 મુકાબલા ખેલાશે, જેમાં 8 ટીમો ભાગ લેશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે બીજા ગ્રુપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને સ્થાન આપવામાં આવ્યું છે. આ સિઝનની તમામ મેચ યુએઈમાં બે સ્થળો એટલે કે અબુધાબી અને દુબઈમાં રમાશે.
એશિયા કપ 2025 ગ્રુપ
ગ્રુપ એ : ભારત, પાકિસ્તાન, યુએઈ, ઓમાનગ્રુપ બી : શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, હોંગકોંગ
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ત્રણ વખત ટકરાઈ શકે છે
આ વખતે બન્ને ગ્રુપમાંથી બે-બે ટીમો સુપર ફોરમાં ક્વોલિફાય થશે. ત્યાર બાદ સુપર ફોરમાં દરેક ટીમ એક-એક વખત અન્ય ત્રણ ટીમો સામે ટકરાશે. સુપર ફોર સ્ટેજની ટોચની બે ટીમો ફાઈનલ રમશે. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન એશિયા કપમાં ત્રણ વખત ટકરાઈ શકે છે. બન્નેની ગ્રુપ સ્ટેજની મેચ 14મી સપ્ટેમ્બરે યોજાવાની છે. બંને સુપર ફોર સ્ટેજ માટે સાથે ક્વોલિફાય થાય તો તેઓ 22મી સપ્ટેમ્બરે ફરી એક વખત ટકરાઈ શકે છે. આ પછી બન્ને ફાઇનલમાં આવે તો ત્રીજી વખત ટકરાઇ શકે છે.
આ ટૂર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં યોજાશે
ભારત અને શ્રીલંકામાં યોજાનારા આગામી ટી-20 વર્લ્ડ કપમાં હવે માત્ર સાત મહિના જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં એશિયા કપનું આયોજન ટી-20 ફોર્મેટમાં થશે. એશિયા કપની અગાઉની આવૃત્તિ 2023ના ક્રિકેટ વર્લ્ડ કપ અગાઉ વન ડે ફોર્મેટમાં રમાઈ હતી, જ્યાં ભારત યજમાન શ્રીલંકાને હરાવીને ચેમ્પિયન બન્યું હતું.
એશિયા કપમાં 8 ટીમો
એશિયા કપમાં 8 ટીમો હશે. આ ટૂર્નામેન્ટમાં ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ઉપરાંત હોંગકોંગ, સંયુક્ત આરબ અમીરાત અને ઓમાન પણ ભાગ લેશે.
આ પણ વાંચો – ક્રિકેટર યશ દયાલ ફરી મુશ્કેલીમાં મુકાયો, હવે સગીરાએ બળાત્કારનો આરોપ લગાવ્યો, જયપુરમાં FIR
એશિયા કપ 2025 સંપૂર્ણ કાર્યક્રમ (ગ્રુપ સ્ટેજ)
- 9 સપ્ટેમ્બર (મંગળવાર): અફઘાનિસ્તાન વિ હોંગકોંગ
- 10 સપ્ટેમ્બર (બુધવાર): ભારત વિ યૂએઈ
- 11 સપ્ટેમ્બર (ગુરુવાર): બાંગ્લાદેશ વિ હોંગકોંગ
- 12 સપ્ટેમ્બર (શુક્રવાર): પાકિસ્તાન વિ ઓમાન
- 13 સપ્ટેમ્બર (શનિવાર): બાંગ્લાદેશ વિ શ્રીલંકા
- 14 સપ્ટેમ્બર (રવિવાર): ભારત વિ પાકિસ્તાન
- 15 સપ્ટેમ્બર (સોમવાર): શ્રીલંકા વિ હોંગકોંગ
- 16 સપ્ટેમ્બર (મંગળવાર): બાંગ્લાદેશ વિ અફઘાનિસ્તાન
- 17 સપ્ટેમ્બર (બુધવાર): પાકિસ્તાન વિ યુએઇ
- 18 સપ્ટેમ્બર (ગુરુવાર): શ્રીલંકા વિ અફઘાનિસ્તાન
- 19 સપ્ટેમ્બર (શુક્રવાર): ભારત વિ ઓમાન
Super 4 મેચનો કાર્યક્રમ
- 20 સપ્ટેમ્બર (શનિવાર): ગ્રુપ બી ક્વોલિફાયર 1 વિ ગ્રુપ બી ક્વોલિફાયર 2
- 21 સપ્ટેમ્બર (રવિવાર): ગ્રુપ એ ક્વોલિફાયર 1 વિ ગ્રુપ એ ક્વોલિફાયર 2
- 23 સપ્ટેમ્બર (મંગળવાર): ગ્રુપ એ ક્વોલિફાયર 1 વિ ગ્રુપ બી ક્વોલિફાયર
- 24 સપ્ટેમ્બર (બુધવાર): ગ્રુપ બી ક્વોલિફાયર 1 વિ ગ્રુપ એ ક્વોલિફાયર 2
- 25 સપ્ટેમ્બર (ગુરુવાર): ગ્રુપ એ ક્વોલિફાયર 2 વિ ગ્રુપ બી ક્વોલિફાયર 2
- 26 સપ્ટેમ્બર (શુક્રવાર): ગ્રુપ એ ક્વોલિફાયર 1 વિ ગ્રુપ બી ક્વોલિફાયર 1
- 28 સપ્ટેમ્બર (રવિવાર): ફાઇનલ મેચ
હાઇબ્રિડ મોડલમાં યોજાયો છેલ્લો એશિયા કપ
બીસીસીઆઇ અને શ્રીલંકા ક્રિકેટના વડાઓ વચ્ચે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે યોજાયેલી મિટિંગમાં ભાગ લીધા બાદ સપ્ટેમ્બરમાં યોજાનારી આ ટૂર્નામેન્ટનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. વર્ષ 2023માં રમાયેલા એશિયા કપની અગાઉની સિઝન ભારત-પાકિસ્તાન વચ્ચેના તનાવને કારણે પ્રભાવિત થઈ હતી. પાકિસ્તાન આ ટૂર્નામેન્ટનું યજમાન હતું. ભારત પોતાની મેચ શ્રીલંકામાં રમ્યું હતું.
હાઇબ્રિડ મોડલમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું પણ આયોજન
2024માં પાકિસ્તાન દ્વારા આયોજિત આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ આ જ પેટર્નનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. ભારતે ફરી એકવાર હાઇબ્રિડ મોડલ હેઠળ દુબઇમાં પોતાની મેચો રમી હતી.