Team India for Asia Cup 2025 : શુભમન ગિલની કેપ્ટન્સીમાં ભારતીય ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ અત્યંત સફળ રહ્યો હતો અને ટીમ ઇન્ડિયાએ 5 મેચની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો કરી હતી. થોડા દિવસોના આરામ બાદ ભારત એશિયા કપ 2025 માં એક્શનમાં પરત ફરશે, જે 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન યુએઈમાં યોજાનાર છે.
એશિયા કપ 2025માં ભારતને પાકિસ્તાન, યુએઈ અને ઓમાન સાથે ગ્રુપ-એ માં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ગ્રુપ બી માં શ્રીલંકા, બાંગ્લાદેશ અને હોંગકોંગની ટીમો છે. ભારત 9 સપ્ટેમ્બરે યુએઈ સામે, 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે અને 19 સપ્ટેમ્બરે ઓમાન સામે ટૂર્નામેન્ટ રમશે. બે ગ્રુપમાં પોઈન્ટ ટેબલમાં ટોપ 2 ટીમ સુપર 4માં જશે અને ત્યાર બાદ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં તમામ ટીમો આમને-સામને ટકરાશે અને ટોચની 2 ટીમ ફાઈનલ રમશે.
સૂર્યકુમાર યાદવ, પંતની ફિટનેસ પર શંકા
ટી-20 વર્લ્ડકપ પણ હવે દૂર નથી તેથી બીસીસીઆઇ આ ટૂર્નામેન્ટ માટે બેસ્ટ ટીમની જાહેરાત કરશે. જોકે કેપ્ટન સૂર્યકુમાર યાદવ એશિયા કપ માટે ફિટ રહેશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ એશિયા કપ માટે જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. જો આ બંને ખેલાડીઓ એશિયા કપ 2025માં નહીં રમે તો તેઓ ચોક્કસપણે ટી-20 વર્લ્ડ કપ ટીમનો હિસ્સો બની શકે છે.
શ્રેયસ ઐયર પરત ફરી શકે છે
પીટીઆઈના રિપોર્ટ અનુસાર શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શનને એશિયા કપની ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. સાથે જ આ ટૂર્નામેન્ટ માટે શ્રેયસ ઐયરને પણ ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે, જેણે ભૂતકાળમાં ટી-20 ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત સંજુ સેમસન, તિલક વર્મા, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ ભારતીય બેટીંગ લાઈનઅપને વધુ મજબુત બનાવતા જોવા મળી શકે છે.
આ પણ વાંચો – ICC ટેસ્ટ રેન્કિંગ : સિરાજ લાંબી છલાંગ લગાવી આ સ્થાન પર પહોંચ્યો, યશસ્વી જયસ્વાલની ટોપ 5 માં એન્ટ્રી
ઋષભ પંતના રમત પર સસ્પેન્સ
ઋષભ પંતને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન જમણા પગમાં ઈજા થઈ હતી. તેથી તે સમયસર ફિટ થઈ શકે છે કે નહીં, તે પણ જોવાનું રહેશે. એશિયા કપ માટે ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડયા, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે, જ્યારે બોલિંગ યુનિટમાં અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજને ફાસ્ટ બોલર તરીકે જોઇ શકાય છે જ્યારે કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી સ્પિનની જવાબદારી સંભાળતા જોઇ શકાય છે.
એશિયા કપ 2025 માટે ભારતની સંભવિત ટીમ
શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, શ્રેયસ ઐયર, સંજુ સેમસન, તિલક વર્મા, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ ક્રિષ્ના, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ સિરાજ.