Shubman Gill Record : શુભમન ગિલ પાસે મોટા રેકોર્ડ તોડવાની તક, કોઇ છે 88 વર્ષ જૂનો તો કોઇ છે 50 વર્ષ જૂનો
શુભમન ગિલ રેકોર્ડ : ઈંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલ પાસે ઘણા રેકોર્ડ બનાવવાની અને તોડવાની સુવર્ણ તક છે. ગિલ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર અને સર ડોન બ્રેડમેન અને વિરાટ કોહલીના રેકોર્ડ તોડવાની ખૂબ નજીક છે
Ind vs Eng 5th Test, Shubman Gill Record : ઈંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલ પાસે ઘણા રેકોર્ડ બનાવવાની અને તોડવાની સુવર્ણ તક છે. ગિલ શ્રેણીમાં જે રીતે ફોર્મમાં જોવા મળી રહ્યો છે જોતાં ઓવલ ખાતે પાંચમી ટેસ્ટમાં કેટલાક મોટા બેટિંગ રેકોર્ડ તોડી શકાય છે. ગિલ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર અને સર ડોન બ્રેડમેન અને વિરાટ કોહલીના રેકોર્ડ તોડવાની ખૂબ નજીક છે. (તસવીર: શુભમન ગિલ ટ્વિટર)
કેપ્ટન તરીકે સૌથી વધારે રનનો રેકોર્ડ :ઈંગ્લેન્ડ પ્રવાસપર શુભમન ગિલ પાંચમી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેનનો 88 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે છે. જો ગિલ ઓવલ ટેસ્ટમાં 89 રન બનાવવા સફળ રહેશે તો તે ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બની જશે. આ શ્રેણીમાં ગિલે અત્યાર સુધીમાં 4 ટેસ્ટમાં 90.25ની એવરેજથી 722 રન બનાવી લીધા છે. જેમાં 4 સદી ફટકારી છે. બ્રેડમેને 1936/37 માં ઈંગ્લેન્ડ સામેની એશિઝ શ્રેણીમાં કેપ્ટન તરીકે 810 રન બનાવ્યા હતા. (તસવીર: BCCI/X)
એક શ્રેણીમાં સૌથી વધારે રનના બ્રેડમેનના રેકોર્ડ પર નજર : શુભમન ગિલની નજર ટેસ્ટમાં સૌથી મોટો ડોન બ્રેડમેનના રેકોર્ડ ઉપર પણ છે. એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધારે રનનો રેકોર્ડ બ્રેડમેના નામે છે. બ્રેડમેને 1930માં ઇંગ્લેન્ડ સામે એશિઝની પાંચ ટેસ્ટની 7 ઇનિંગ્સમાં 139.14ની એવરેજથી 974 રન બનાવ્યા હતા. ગિલને આ રેકોર્ડ તોડવા માટે 253 રનની જરુર છે. ગિલનું હાલનું ફોર્મ જોતા તે આ રેકોર્ડ તોડે તેવી પણ સંભાવના છે. (તસવીર: BCCI/X)
એક શ્રેણીમાં સૌથી વધુ સદીઓ : શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીમાં ચાર સદી ફટકારી છે. જો તે ઓવલમાં બંને ઇનિંગ્સમાં સદી ફટકારવામાં સફળ રહે છે તો તે ક્લાઈડ વાલ્કોટનો 70 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખશે. વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ દિગ્ગજ વાલ્કોટના નામે એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. તેમણે 1955માં ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં પાંચ સદી ફટકારી હતી. (તસવીર: શુભમન ગિલ ટ્વિટર)
ભારતીય પ્લેયર તરીકે સૌથી વધુ રન : શુભમન ગિલ ભારત માટે ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાની સિદ્ધિ મેળવવાની નજીક છે. તેને આવું કરવા માટે ફક્ત 53 રનની જરૂર છે. આ રેકોર્ડ હાલમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરના નામે છે. ગાવસ્કરે 1970/71 માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં 774 રન બનાવ્યા હતા. આ સિવાય ગિલને ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવા માટે 11 રનની જરૂર છે. આ રેકોર્ડ પણ હાલમાં ગાવસ્કરના નામે છે. ગાવસ્કરે 1978-79માં વેસ્ટ ઇન્ડીઝ સામે એક શ્રેણીમાં કેપ્ટન તરીકે 732 રન બનાવ્યા હતા. (તસવીર: શુભમન ગિલ ટ્વિટર)
કોહલીનો રેકોર્ડ પણ નિશાના પર : શુભમન ગિલના નિશાને વિરાટ કોહલીના રેકોર્ડ પણ થે. તે કોહલીને પાછળ છોડીને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં ભારત માટે ત્રીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનશે. તેને આમ કરવા માટે ફક્ત ત્રણ રનની જરૂર છે. ગિલે અત્યાર સુધી WTCમાં 26 ટેસ્ટમાં 2615 રન બનાવ્યા છે. જ્યારે કોહલીએ 46 ટેસ્ટમાં 2617 રન બનાવ્યા છે. કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. (તસવીર: શુભમન ગિલ ટ્વિટર)
ક્રિસ ગેઇલને પાછળ રાખવાની તક : શુભમન ગિલ હાલમાં 25 વર્ષની ઉંમરે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં સંયુક્ત પાંચમા સ્થાને છે. તેણે અત્યાર સુધીમાં 18 સદી ફટકારી છે. તેણે ટેસ્ટમાં 9 સદી, વનડેમાં 8 સદી અને ટી20 આંતરરાષ્ટ્રીયમાં એક સદી ફટકારી છે. જો ગિલ ઓવલ ખાતે પાંચમી ટેસ્ટમાં સદી ફટકારે છે તો ક્રિસ ગેલ પાછળ રહી જશે. વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન ગેઇલે પણ 25 વર્ષની ઉંમર સુધીમાં 18 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. (તસવીર: BCCI/X)