મંગળવારે બિહારમાં ચૂંટણી પંચના મતદાર યાદી સુધારણા (SIR) સામે વિપક્ષી સાંસદોએ સંસદમાં વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત ઘણા કોંગ્રેસના સાંસદો એક મહિલાના ફોટા અને નામવાળી ટી-શર્ટ પહેરીને પહોંચ્યા અને SIRનો વિરોધ કર્યો. દરેકના ટી-શર્ટની પાછળ ‘124 નોટ આઉટ’ લખેલું હતું. આ પછી આ ટી-શર્ટ દેશભરના લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
પ્રિયંકા ગાંધીની ટી-શર્ટમાં જે મહિલાનો ફોટો છે તેનું નામ મિંતા દેવી છે. તે બિહારના સિવાન જિલ્લાની રહેવાસી છે. તે દરૌંડા વિધાનસભા મતવિસ્તારમાં મતદાર તરીકે નોંધાયેલ છે. મિંતા દેવીની ઉંમર 35 વર્ષ છે. પરંતુ ચૂંટણી પંચે મતદાર યાદીમાં તેમની ઉંમર 124 વર્ષ દર્શાવી છે. કોંગ્રેસે આ ખામીને મુદ્દો બનાવ્યો છે અને SIR પર પ્રશ્નો ઉઠાવ્યા છે.
ત્યાં જ કોંગ્રેસ દ્વારા મિંતા દેવીના ફોટો અને ઉંમરને લઈ ચૂંટણી પંચ સમક્ષ જે વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને લઈ પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, મારો જન્મ વર્ષ 1990માં થયો છે અને હાલમાં તેમના ફોટો અને જન્મતારીખને લઈ જે વિરોધ થઈ રહ્યો છે તેની જાણકારી તેઓને મીડિયા દ્વારા મળી છે પરંતુ તેના વિશે તેમને વધુ જાણકારી નથી.
રાહુલ ગાંધીએ કહ્યું – હજુ પિક્ચર બાકી છે
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં કથિત ખામીઓના આવા વધુ કિસ્સાઓ આગળ લાવવાનો સંકેત આપ્યો છે. સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતા મિંતા દેવીના પ્રશ્ન પર તેમણે કહ્યું કે તેમણે આ વિશે સાંભળ્યું છે. આવા અમર્યાદિત કિસ્સાઓ છે. પિક્ચર હજુ બાકી છે. તેમણે કહ્યું કે ‘એક માણસ, એક મત’ બંધારણનો પાયો છે. આ વ્યવસ્થા લાગુ કરવાની જવાબદારી ચૂંટણી પંચની છે.
આ પણ વાંચો: સ્વતંત્રતા દિવસ પર PM મોદીના ભાષણ માટે તમે પણ આપી શકો છો સલાહ, સંપૂર્ણ વિગતો જાણો
તેમણે કહ્યું કે અમે બંધારણનું રક્ષણ કરી રહ્યા છીએ અને આમ કરતા રહીશું. ત્યાં જ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે રાહુલ ગાંધીએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં મત ચોરીના ખેલનો પર્દાફાશ કર્યો હતો. મતદાર યાદીમાં ઘણા નામ અને સરનામા નકલી છે.