Waqf Bill in Lok Sabha : સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં દેશની મોદી સરકારે વકફ સંશોધન બિલ લાવવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ બિલને 2 એપ્રિલના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવશે. મંગળવારે સંસદની બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં વક્ફ બિલને સંસદમાં રજૂ કરવાની લીલી ઝંડી મળી ગઇ છે.
વકફ બિલ રજૂ થવાને કારણે સત્તાધારી એનડીએ ગઠબંધનનું નેતૃત્વ કરી રહેલા ભાજપે પોતાના તમામ સાંસદોને ત્રણ લાઇનનો વ્હિપ જારી કર્યો છે. સાંસદોને દરેક સમયે સદનમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાજપે પોતાના સાથી પક્ષોને પણ વિનંતી કરી છે કે તેઓ પોતાના તમામ સાંસદોને સંસદમાં હાજર રહેવા માટે વ્હિપ જારી કરે.
વિપક્ષની માંગ પર કિરણ રિજિજુએ શું કહ્યું?
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું છે કે વકફ બિલ આવતીકાલે પ્રશ્નકાલ પછી તરત જ લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે સંસદમાં રજૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું છે કે આ બિલ માટે 8 કલાકની ચર્ચા નક્કી કરવામાં આવી છે. બીજી તરફ વિપક્ષની માંગ છે કે આ બિલ પર ઓછામાં ઓછા 12 કલાક સુધી ચર્ચા થવી જોઈએ, પરંતુ સંસદીય કાર્ય મંત્રીનું કહેવું છે કે સંસદનું સત્ર 4 એપ્રિલે સમાપ્ત થઈ જશે અને તે પહેલા રાજ્યસભામાં બિલ પાસ કરવું પડશે.
આ પણ વાંચો – સંજય રાઉતને ફડણવીસે આપ્યો જવાબ, કહ્યું – જ્યારે પિતા જીવિત હોય ત્યારે ઉત્તરાધિકારીની વાત કરતા નથી
લોકસભાની જેમ વકફ બિલ પણ રાજ્યસભા માટે મહત્વનું છે
કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રીએ કહ્યું કે વકફ બિલનો મુદ્દો લોકસભા માટે જેટલો મહત્વનો છે એટલું જ મહત્ત્વ રાજ્યસભા માટે પણ છે. તેમણે કહ્યું કે જો લોકસભામાં બે દિવસ ચર્ચા થશે તો રાજ્યસભા માટે સમય નહીં બચે. રિજિજુએ કહ્યું કે અમે એક સારું બિલ લાવ્યા છીએ. કોણે ટેકો આપ્યો અને કોણે તેનો વિરોધ કર્યો તે અંગે સંસદમાં રેકોર્ડ પર જશે.
મંત્રીએ કહ્યું – વિપક્ષે બહાના ન કાઢવા જોઈએ
કિરેન રિજિજુએ કહ્યું કે અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો બિલ પર બોલવા માટે કંઈ નથી તો બહાનાબાજી ન કરો, ખુલીને બોલો. તેમણે કહ્યું કે બિલ પર ચર્ચાનો સમય વધારી શકાય છે, પરંતુ તે દિવસે બિલ પાસ કરવું પડશે. મોદી સરકારના મંત્રીએ કહ્યું કે આ બિલના સમર્થનમાં ઘણા મુસ્લિમો પણ છે. જેપીસીમાં આટલી ચર્ચા થઈ ચુકી છે, હવે માત્ર ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.
જણાવી દઈએ કે મોદી સરકાર બિલ પાસ કરાવવા માટે એલર્ટ છે અને ભાજપે સાંસદોને કડક સૂચના આપી છે કે સદનની કાર્યવાહી દરમિયાન તેઓ કોઈ પણ મુદ્દા પર વધારે ઉત્સાહિત ન થઈ જાય, જેનો ફાયદો ઉઠાવીને વિપક્ષી પાર્ટીઓને હંગામો કરવાની તક મળે છે અને સંસદની કાર્યવાહીમાં હંગામો થશે.