US America Election 2024 : અમેરિકી પ્રમુખપદની ચૂંટણી પહેલા, ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની રાષ્ટ્રપતિની ચર્ચામાં ગર્ભપાતનો મુદ્દો પ્રભુત્વ ધરાવે છે. આ મામલે કમલા હેરિસ અને ટ્રમ્પ વચ્ચે જોરદાર ચર્ચા થઈ હતી. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે જો કમલા હેરિસ રાષ્ટ્રપતિ બનશે તો તે ગર્ભપાત અંગેના નિયમોમાં ફેરફાર કરશે. આખરે, અમેરિકામાં ગર્ભપાતને લગતો કાયદો શું છે અને ચૂંટણી પહેલા શા માટે તેની ચર્ચા થઈ રહી છે? ચાલો આ અહેવાલમાં તેને વિગતવાર સમજીએ.
પ્રમુખપદની ચર્ચામાં શું થયું, ગર્ભપાત નો મુદ્દો કેમ ઉઠ્યો?
સૌપ્રથમ તો ચાલો જાણીએ કે, રાષ્ટ્રપતિની ચર્ચા દરમિયાન આ મુદ્દો શા માટે ઉઠાવવામાં આવ્યો. ચર્ચા દરમિયાન બંને ઉમેદવારોને ગર્ભપાત કાયદા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ચર્ચા દરમિયાન ટ્રમ્પે કમલા હેરિસ પર આરોપ લગાવ્યો અને કહ્યું કે જો કમલા હેરિસને રાષ્ટ્રપતિ બનાવવામાં આવશે તો તે ગર્ભપાત સંબંધિત કાયદામાં ફેરફાર કરશે. જો કે, જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે છ મહિના પછી પણ તેમણે ગર્ભપાતની મંજૂરી આપવા અંગેનું પોતાનું નિવેદન કેમ પાછું ખેંચ્યું? તેના પર ટ્રમ્પે કહ્યું કે ડેમોક્રેટિક પાર્ટી ગર્ભાવસ્થાના 9મા મહિનામાં ગર્ભપાતનો અધિકાર આપવા માંગે છે.
ટ્રમ્પે કહ્યું કે વર્જિનિયાના ગવર્નરનું એક નિવેદન પણ આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે બાળકના જન્મ પછી અમે જોઈશું કે તેનું શું કરવું, જો જરૂર પડશે તો અમે તેને મારી નાખીશું. ટ્રમ્પે કહ્યું કે, આવા નિવેદનો આવ્યા બાદ તેમણે પોતાનું નિવેદન બદલી નાખ્યું. તેના પર કમલા હેરિસે કહ્યું કે ટ્રમ્પ એ નથી કહી શકતા કે મહિલાઓએ તેમના શરીર સાથે શું કરવું જોઈએ.
અમેરિકામાં ગર્ભપાત સંબંધિત કાયદો શું છે?
બે વર્ષ પહેલા સુધી અમેરિકામાં ગર્ભપાતને લઈને દરેક રાજ્યમાં એક જેવા કાયદા હતા. અહીં ગર્ભપાતનો અધિકાર આપવામાં આવ્યો હતો. 1973 માં, યુએસ સુપ્રીમ કોર્ટે રો વિરુદ્ધ વેડ કેસમાં મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપ્યો. જો કે, મહિલાઓ 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવી શક્તિ હતી. જૂન 2022 માં, સુપ્રીમ કોર્ટે તેના અગાઉના નિર્ણયને રદ કર્યો હતો. કોર્ટે કહ્યું કે, દરેક રાજ્યો પોતાની વિવેકબુદ્ધિ મુજબ ગર્ભપાત પર કાયદો બનાવી શકે છે.
અમેરિકાના 22 રાજ્યોમાં ગર્ભપાત પર સંપૂર્ણ પ્રતિબંધ
હવે અમેરિકાના વિવિધ રાજ્યોમાં ગર્ભપાતને લગતા અલગ અલગ કાયદા છે. કેટલાક રાજ્યોમાં, ગર્ભપાત પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે, જ્યારે અન્યમાં તે કાયદેસર માનવામાં આવે છે. અમેરિકામાં કુલ 50 રાજ્યો છે. આમાંના કેટલાક રાજ્યો એવા છે, જ્યાં ગર્ભપાતની મંજૂરી નથી. જેમાં યુએસમાં, અલાબામા, અરકાનસાસ, લ્યુઇસિયાના, મિસિસિપી, નોર્થ ડાકોટા, સાઉથ ડાકોટા, ઓક્લાહોમા, ટેનેસી, ઇડાહો, ઇન્ડિયાના, કેન્ટુકી, મિઝોરી, ટેક્સાસ અને વેસ્ટ વર્જિનિયા એવા રાજ્યો છે, જ્યાં કોઈ પણ સંજોગોમાં ગર્ભપાત થઈ શકતો નથી. બળાત્કાર પીડિતાઓને પણ ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, અમેરિકામાં 22 રાજ્યો એવા છે, જ્યાં ગર્ભપાત પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે અથવા તો આંશિક રીતે પ્રતિબંધિત છે.
આ રાજ્યોમાં શરતો સાથે ગર્ભપાતની મંજૂરી છે
અમેરિકામાં 8 રાજ્યો એવા છે, જ્યાં શરતો સાથે ગર્ભપાતની મંજૂરી છે. જેમાં જ્યોર્જિયા, આયોવા, દક્ષિણ કેરોલિના અને ફ્લોરિડામાં 6 અઠવાડિયા સુધી ગર્ભપાતની મંજૂરી છે.
જ્યારે નેબ્રાસ્કા અને નોર્થ કેરોલિનામાં આ મર્યાદા 12 અઠવાડિયા છે.
આ સિવાય એરિઝોનામાં 15 અઠવાડિયા સુધી ગર્ભપાતની છૂટ છે.
તો ઉટાહ રાજ્યમાં મહિલાઓ 18 અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવી શકે છે.
આ રાજ્યોમાં ગર્ભપાત કાયદાના અધિકારો
અમેરિકાના 26 રાજ્યોમાં ગર્ભપાતને કાયદાકીય અધિકાર આપવામાં આવ્યો છે. જેમાં વોશિંગ્ટન ડીસી, કેલિફોર્નિયા, ન્યૂ જર્સી, ન્યૂ યોર્ક, વર્જિનિયા, અલાસ્કા, ન્યૂ મેક્સિકો, વોશિંગ્ટન, મેસેચ્યુસેટ્સ, મિશિગન, મિનેસોટા, નેવાડા, ઓરેગોન, કેન્સાસ, ન્યૂ હેમ્પશાયર, ઓહિયો, વિસ્કોન્સિન, કોલોરાડો, કનેક્ટિકટ, ડેલવેર, હેલ્વિન, મેસેચ્યુસેટ્સ મેરીલેન્ડ, પેન્સિલવેનિયા, રોડ આઇલેન્ડ અને વર્મોન્ટમાં ગર્ભપાત કાનૂની અધિકાર છે. અહીં મહિલાઓ 22 થી 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવી શકે છે.
તો અલાસ્કા, વોશિંગ્ટન ડીસી, કોલોરાડો, મિનેસોટા, ન્યુ જર્સી, ન્યુ મેક્સિકો, ઓરેગોન અને વર્મોન્ટમાં આવી કોઈ મર્યાદા નથી.
અમેરિકામાં ગર્ભપાતની ચર્ચા શા માટે છે?
અમેરિકાનો એક વર્ગ મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપવાના પક્ષમાં છે, જ્યારે ધાર્મિક વર્ગના લોકો તેનાથી ખુશ નથી. તેમનું માનવું છે કે ગર્ભને પણ જીવવાનો અધિકાર છે. તેને ધ્યાનમાં રાખીને અલગ-અલગ રાજ્યોમાં ગર્ભપાતને લઈને અલગ-અલગ કાયદા બનાવવામાં આવ્યા છે.
મહિલાઓ ગર્ભપાતની મંજૂરીની માંગ કરી રહી છે. એસોસિએટેડ પ્રેસ/એનઓઆરસી દ્વારા જૂનમાં એક સર્વે પણ કરવામાં આવ્યો હતો. આમાં લગભગ 61% પુખ્ત લોકોએ કહ્યું કે, તેમના રાજ્યમાં ગર્ભપાતની મંજૂરી હોવી જોઈએ. જે રાજ્યોમાં ગર્ભપાત પર પ્રતિબંધ છે ત્યાંની 67% મહિલાઓ પણ એવું જ માને છે.
સર્વેમાં રિપબ્લિકન પાર્ટીના માત્ર 57% સમર્થકો જ માનતા હતા કે, મહિલાઓને ગર્ભપાતનો અધિકાર હોવો જોઈએ. જ્યારે ડેમોક્રેટિક પાર્ટીના 85% સમર્થકોએ ગર્ભપાતના કાયદાકીય અધિકારને સમર્થન આપ્યું હતું.