Express Adda: કેન્દ્રીય સંચાર અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ધ ઈન્ડિયન એક્સપ્રેસના વિશેષ કાર્યક્રમ ‘એક્સપ્રેસ અડ્ડા’માં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઘણા મહત્વના સવાલોના જવાબ આપ્યા હતા. સિંધિયાએ કહ્યું કે મેં જીવનમાં હંમેશા વિશ્વાસ કર્યો છે કે ‘એક્શન સ્પીક લાઉડર ધેન વર્ડ્સ’, એટલે કે તમારું કામ તમારી વાતો કરતા વધારે બોલે છે.
પોતાના પિતાનો ઉલ્લેખ કરતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે કેટલાક લોકો કહે છે કે તેઓ સફળ રાજનેતા ન હતા. જ્યારે હું માનું છું કે તેમને એવું લાગે છે કારણ કે તેઓ રાજકારણીની જેમ વિચારતા ન હતા, તે પ્રકારનું કામ કરતા ન હતા, પોતાની જાતને હાઇ પ્રોફાઇલ બતાવતા ન હતા, આ જ એક સેવકની ઓળખ છે.
‘હાઈપ્રોફાઈલ ન હોવું એ એક સફળ સેવકની ઓળખ છે’
જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના પિતા માધવરાવ સિંધિયા વિશે કહ્યું કે તેઓ જમીન સાથે જોડાયેલા નેતા હતા અને પોતાને ક્યારેય જનતાથી દૂર રાખતા ન હતા. તેમણે કહ્યું કે મને લાગે છે કે હાઈપ્રોફાઈલ ન હોવું એ લોકોના સફળ સેવકને વ્યાખ્યાયિત કરે છે. મારામાં મારા પિતાની ખુબી છે.
આ પણ વાંચો – પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત, જાણો બન્ને નેતાઓએ શું કહ્યું
જ્યોતિરાદિત્ય સિંધિયાએ આગળ કહ્યું કે મારા માટે એ મહત્ત્વનું નથી કે હું સમાચારમાં કેટલો રહું છું કે નહીં. જ્યારે તમે શાળામાં હો અથવા તમે કોઈ વ્યાવસાયિક વાતાવરણમાં કામ કરતા હો, ત્યારે તમારું રિપોર્ટ કાર્ડ જ નક્કી કરે છે કે તમે કેટલી મહેનત કરો છો. હું સખત મહેનતમાં માનું છું, હું મારું કામ પૂરું કર્યા વિના સૂઈ ન જાઉં તેની ખાતરી કરવામાં માનું છું. હું માનું છું કે તમારે દરરોજ તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા જોઈએ.
મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરવા જઇશ – જ્યોતિરાદિત્ય સિંધિયા
ઇન્ડિયન એક્સપ્રેસના ‘એક્સપ્રેસ અડ્ડા’ કાર્યક્રમ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરવા જશે. તેમણે કહ્યું કે ભાજપનો જન્મ જ લોકોની સેવા કરવા માટે થયો છે, ભાજપ સત્તામાં છે જેથી તે લોકોની સેવા કરી શકે. જીવનમાં કહેવાય છે કે આપણું લક્ષ્ય રાજકારણ નહીં પરંતુ લોકસેવાનું હોવું જોઈએ. રાજનીતિ તો તે લક્ષ્યને પૂર્ણ કરવા માટે માધ્યમ બની શકે છે. આ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા કહ્યું કે કેટલાક રાજકીય પક્ષોનું લક્ષ્ય જ સત્તા મેળવવાનું હોય છે.