uma bharti : ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ શનિવારે કહ્યું કે કોઈપણ રાજકીય પક્ષ નિવૃત્તિની ઉંમર નક્કી કરી શકે છે, પરંતુ કોઈ પણ વ્યક્તિની યોગદાન આપવાની ક્ષમતાનો અંત કઈ ઉંમરે આવે છે તે કોઈ નક્કી કરી શકે નહીં.
એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ કહ્યું કે કોઈપણ સંગઠન, રાજનીતિક પાર્ટી, સંસ્થા નિવૃત્તિની ઉંમર નક્કી કરી શકે છે, પરંતુ યોગદાન નહીં. યોગદાન માટે કોઈ ઉંમર હોતી નથી. રાજકારણ એ એક મંચ છે અને યોગદાન એ મારી ક્ષમતા છે. ભાજપના વરિષ્ઠ નેતાએ વધુમાં જણાવ્યું હતું કે હા, જ્યારે મને લાગશે કે હું તૈયાર છું ત્યારે હું ચૂંટણી લડીશ. મારી પાસે લોકોની શક્તિ છે.
હું આવતા વર્ષે 65 વર્ષની થઈશઃ ઉમા ભારતી
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ તર્ક આપતા કહ્યું કે વડાપ્રધાન મોદી 65 વર્ષની ઉંમરે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. હું આવતા વર્ષે 65 વર્ષની થઈશ. જો હું હમણાં પ્રયત્ન કરીશ, તો મને કેટલાક અવરોધોનો સામનો કરવો પડશે. મારી એક નબળાઈ એ છે કે હું મારી પ્રતિબદ્ધતાઓ પ્રત્યે ખૂબ જ પ્રામાણિક છું. જો મારે સંસદીય બેઠક માટે ચૂંટણી લડવી હોય તો મારે મારો બધો સમય અને પ્રામાણિકતા ત્યાંના લોકો માટે સમર્પિત કરવી પડશે અને જો કોઈને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે તો મને તેનો પસ્તાવો થશે, એમ તેમણે કહ્યું હતું. ચૂંટણી લડવાનો મારો નિર્ણય એ વાત પર નિર્ભર કરશે કે મારા ઉદ્દેશ્યમાં વિધ્ન આવે છે કે નહીં.
આ પણ વાંચો – ‘મેં ક્યારેય કહ્યું નથી કે કોઈએ 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવી જોઈએ’, RSS વડા મોહન ભાગવતનું નિવેદન
વોટ ચોરીના આરોપ પર ઉમા ભારતીએ શું કહ્યું?
વોટ ચોરીના વિપક્ષના આરોપો પર ભાજપ નેતા ઉમા ભારતીએ કહ્યું કે રાહુલ ગાંધી ભૂલી જાય છે કે ચૂંટણી પંચમાં ચૂંટણી જીતાતી નથીા, લોકોના દિલ જીતીને જીતી શકાય છે. હું રાહુલ ગાંધીને કહીશ કે પહેલા લોકોનું દિલ કેવી રીતે જીતવું તે શીખો. તમે સશસ્ત્ર દળોનું અપમાન કરો છો, જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને પુન:સ્થાપિત કરવાની વાત કરો છો, આમંત્રણ હોવા છતાં તમે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પણ ભાગ લીધો ન હતો.
ઉમા ભારતીએ કહ્યું કે તમે રાષ્ટ્રીય ગૌરવની તમામ બાબતોની અવગણના કરો છો અને તમારો પક્ષ ચૂંટણી જીતવામાં અસમર્થ છે, પાર્ટીનો સફાયો થઈ રહ્યો છે. તમે બોલતા પહેલા વિચારો અથવા યાદશક્તિ સુધારવા માટે હોમિયોપેથિક દવા લો. કટોકટી લાગુ કર્યા પછી પણ ઇન્દિરા ગાંધી ચૂંટણી હારી ગયા હતા કારણ કે જ્યારે મતદારો નક્કી કરે છે કે કોને પસંદ કરવા, ત્યારે કોઈ પણ તેમનો જનાદેશ ચોરી શકશે નહીં. લોકશાહીમાં મતદારો પાસે સૌથી વધુ તાકાત હોય છે.