Tsunami: 20 વર્ષ પહેલા ભારત સહિત 14 દેશોમાં આવી હતી ભયંકર સુનામી, અઢી લાખ લોકોના મોત, જાણો સુનામી વિશે રોચક તથ્યો

Tsunami Warning In Japan : સુનામી એ ફરીવાર જાપાન સહિત ઘણા દેશોમાં સંકટ ઉભુ કર્યું છે. ઘણા લોકોને સવાલ થતો હશે કે, સુનામી કેમ આવે છે, દુનિયામાં સૌથી ભયંકર સુનામી ક્યારે આવી હતી? ચાલો જાણીયે સુનામી વિશે રોચક તથ્યો

Written by Ajay Saroya
Updated : July 30, 2025 14:12 IST
Tsunami: 20 વર્ષ પહેલા ભારત સહિત 14 દેશોમાં આવી હતી ભયંકર સુનામી, અઢી લાખ લોકોના મોત, જાણો સુનામી વિશે રોચક તથ્યો
Tsunami : સુનામી આવે છે ત્યારે દરિયામાં ઉંચી લહેર ઉઠે છે. પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

Tsunami Interesting Facts In Gujarati : સુનામી નામ સાંભળતા જ આંખ સામે દરિયામાં ઉંચી લહેર દેખાવા લાગે છે. રશિયામાં 8.7 તીવ્રતાના ભયંકર ભૂકંપ બાદ જાપાન થી લઇ અમેરિકા સુધી ઘણા દેશોમાં સુનામીની ચેતવણી આપવામાં આવી છે. જાપાનના મેટ્રોલોજીકલ વિભાગે પ્રશાંત મહાસાગરના કિનારે હોક્કાઇડો થી વાકાયામા સુધી 3 મીટર જેટલા ઉંચા દરિયાના મોજા ઉછળવાની ચેતવણી આપી છે. ભારત પણ વર્ષ 2004માં સુનામીનો સામનો કરી ચૂક્યું છે. ભૂકંપ જેમ સુનામીએ પણ એક ભૌગોલીક ઘટના છે. હવે લોકોના મનમાં સવાલ થતો હશે કે સુનામી કેમ આવે છે? 21 સદીમાં ક્યારે અને ક્યાં ભયંકર સુનામી આવી હતી? ચાલો જાણીયે સુનામી વિશે રોચક તથ્યો

સુનામી શબ્દનો અર્થ શું છે?

સુનામી (Tsunami) બે જાપાની શબ્દ tsu (બંદર) અને લહેર (nami) માંથી બનેલો છે, જેનો અર્થ થાય છે બંદર પર લહેર. સુનામી એટલે દરિયામાં ઉંચા મોટા પાણીની લહેરો ઉઠવી. સુનામી આવે છે ત્યારે દરિયામાં 1 ફુટથી લઇ ઘણા મીટર ઉંચા મોજા ઉછળે છે, દરિયાનું પાણી કિનારાના વિસ્તારમાં ધુસી જાય છે, પુર જેવી ભયંકર પરિસ્થિતિ સર્જાય છે.

સુનામી કેમ આવે છે?

સુનામી એક કુદરતી આપત્તિ છે. સુનામી મોટાભાગે ભૂકંપ બાદ આવે છે. ઘણી વખત દરિયાના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી, ભૂસ્ખલન કે વિશાળ ઉલ્કાપીંડ દરિયામાં પડવાથી પણ સુનામી આવે છે. દરિયાના પેટાળમાં પ્લેટો અથડાય છે ત્યારે દરિયાની સપાટી પર દબાણ ઉદભવે છે. આ દબાણ પાણીનું ભયંકર મોજાના સ્વરૂપમાં બહાર આવે છે, જેને સુનામી કહેવાય છે. સુનાની લહેર બહુ ઝડપી ગતિથી હજારો કિલોમીટર સુધી પહોંચી શકે છે, જ્યારે સુનામીની લહેર દરિયા કિનારા પહોંચે છે ત્યારે ભયંકર વિનાશ સર્જે છે.

સુનામીની લહેર

સુનામી આવે છે ત્યારે દરિયામાં ઉંચી લહેર ઉદ્દભવે છે. દરિયાના પાણીની ઉંચી લહેર કિનારાના વિસ્તારમાં ધુસી જઇ ભયંકર વિનાશ સર્જે છે, જાન અને માલને નુકસાન પહોંચાડે છે. સુનામીના મોજાનો સમયગાળો મિનિટોથી લઇ કલાકો સુધી હોય છે. આમ તો સુનામીની સટીક આગાહી કરી મુશ્કેલ છે, જો કે ઘણી વખત ભૂકંપ બાદ સુનામીની આગાહી કરવામાં આવે છે.

જાપાન સુનામીથી સૌથી વધુ પ્રભાવિત દેશ

જાપાન દુનિયામાં સુનામીથી સૌથી વધારે પ્રભાવિત દેશ છે. જાપાનની શાળામાં વિદ્યાર્થીઓને સુનામી આવે ત્યાં શું કરવું તેના વિશે શીખવવામાં આવે છે. જાપાનના બંદર શહેર એઓના, હોક્કાઇડોએ 4.5 મીટરની દરિયાઇ દિવાલ બનાવી હતી, જો કે 1993ના સુનામીમાં તે પડી ભાંગી હતી. જાપાન સુનામી એલર્ટ સિસ્ટમ પાછળ દર વર્ષે લગભગ 20 મિલિયન ડોલર ખર્ચે છે.

દુનિયાની સૌથી ભયંકર સુનામી

સુનામીના ઇતિહાસ વિશે વાત કરીયે તો વર્ષ 2004માં 26 ડિસેમ્બરે દુનિયાની સૌથી ભયાનક સુનામી આવી હતી. ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ નજીક દરિયામાં 9.1 થી 9.3 રેક્ટર સ્કેલનો ભૂંકપ આવ્યો હતો. ભયંકર ભૂકંપ બાદ હિંદ મહાસાગરમાં વિશાળ ઉંચી લહેરો ઉઠી હતી, જે 500 – 800 કિમી પ્રતિ કલાકની ઝડપે દરિયા કિનારા તરફ આવી હતી. ઘણા સ્થળોએ સુનામીની લહેરની ઉંચા 30 મીટર જેટલી ઉંચી હતી. આ ભયંકર સુનામીએ ભારત, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, થાઇલેન્ડ, માલદીવ, સહિત 14 દેશોમાં તબાહી મચાવી હતી. કહેવાય છે કે, વર્ષ 2004ની સુનામીમાં 2.3 લાખ થી લઇ 2.5 લાખ લોકોના મોત થયા હતા. વર્ષ 2004ની સુનામીમાં ભારતમાં 10 હજાર લોકોના મોત થયા હોવાનું મનાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ