Hindi Imposition Maharashtra: દક્ષિણમાં હિન્દી ભાષાના વિરોધના ઘણા સમાચારો સામે આવતા રહે છે, પરંતુ હવે તે મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રની મહાયુતિ સરકારે જ્યારે રાજ્યમાં ત્રિભાષા નીતિના અમલીકરણને મંજૂરી આપી ત્યારે વિરોધ પક્ષોએ તેને રાજ્ય સરકારની શાળાઓમાં હિન્દી લાદવાનું પગલું ગણાવ્યું હતું.
આવા પક્ષોમાં શિવસેના (યુબીટી), કોંગ્રેસ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) અને પ્રાદેશિક પક્ષોનો સમાવેશ થાય છે. ત્રણ ભાષાની નીતિ હેઠળ ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા બનાવવામાં આવી છે. આ ઘટના ભાજપ માટે મુશ્કેલ કરનાર છે, પણ કેમ, આવો જાણીએ?
આ મુદ્દાએ એવા સમયે જોર પકડ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. મુંબઈ એક એવું શહેર છે જ્યાં મરાઠી વિરુદ્ધ બિન-મરાઠી ચર્ચા ચાલી રહી છે અને ત્રિભાષી નીતિની મંજૂરીને લઈને તણાવ વધવાની શક્યતા છે. ભાજપ આ મુદ્દે સાવચેત છે કારણ કે તેને ડર છે કે તેને મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાના વિરોધીના રૂપમાં જોવામાં આવી શકે છે.
અલગ મરાઠી ભાષી રાજ્ય માટે આંદોલન
1950ના દાયકાની મધ્યમાં, મુંબઈ પ્રાંતની અંદર અલગ મરાઠી ભાષી રાજ્ય માટેની ચળવળ શરૂ કરવામાં આવી હતી. તેની શરૂઆત ‘સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન’ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે મુંબઈ પ્રાંતમાં હાલના ગુજરાત અને ઉત્તર-પશ્ચિમ કર્ણાટકના કેટલાક વિસ્તારોનો સમાવેશ થતો હતો.
આ પછી મહારાષ્ટ્ર રાજ્યની રચના થઈ અને મુંબઈ મહારાષ્ટ્રનું પાટનગર બન્યું. બાલ ઠાકરેએ શિવસેનાની રચના કરી ત્યારે તેમણે દક્ષિણ ભારતીયો અને ગુજરાતીઓના વર્ચસ્વ સામે મરાઠી માનુષને રક્ષણ આપવાનો નારો આપ્યો હતો. પાછળથી શિવસેનાએ દક્ષિણ અને ઉત્તર ભારતીયો, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો સામે પણ અવાજ ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો – બાંગ્લાદેશમાં હિન્દુ નેતાની હત્યા, ભારતે કહ્યું – કોઈ પણ બહાના વગર લઘુમતીઓની રક્ષા કરો
મહારાષ્ટ્રમાં પોતાની સરકારો દરમિયાન શિવસેનાએ દુકાનોમાં મરાઠી નેમ પ્લેટ ફરજિયાત બનાવી હતી અને બેન્કો અને સરકારી કચેરીઓમાં મરાઠીને ફરજિયાત પણ બનાવી દીધી હતી.
સુરેશ ભૈયાજી જોશીના નિવેદન પર વિવાદ
ઉલ્લેખનીય છે કે આ વર્ષે માર્ચ મહિનામાં આરએસએસના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોશીના નિવેદન પર વિવાદ ઉભો થયો હતો. સુરેશ ભૈયાજી જોશીએ કહ્યું હતું, કે મુંબઈમાં કોઈ એક ભાષા નથી અને મુંબઈ આવતા લોકોને મરાઠી શીખવાની જરૂર નથી. ત્યારે મહા વિકાસ આઘાડીની પાર્ટીઓએ આની સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.
મહારાષ્ટ્રમાં જે રીતે ત્રણ ભાષાની નીતિનો વિરોધ પક્ષોએ જોરદાર વિરોધ કર્યો છે, તેનાથી લાગી રહ્યું છે કે જો આ વિવાદ વધશે તો ભાજપ માટે મુશ્કેલી પડી શકે છે. જોકે ભાજપ પાર્ટી આ મામલે સાવચેતીથી સ્ટેન્ડ લઇ રહી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં દરેકને મરાઠી આવડવી જોઈએ. પણ તેમણે એમ પણ કહ્યું કે હિન્દી એક સુવિધાનજક ભાષા બની ગઈ છે. તેને શીખવું ફાયદાકારક છે.
ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું
આ અઠવાડિયાની શરૂઆતમાં નાસિકમાં આયોજિત એક રેલીમાં, શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ભાજપની રણનીતિ ભાષાના આધારે લોકોને વધુ વિભાજીત કરવાની છે. અમે તેમના રાજકારણનો વિરોધ કરીએ છીએ. કેન્દ્રમાં ભાજપના નેતાઓએ હંમેશા મહારાષ્ટ્રને ઓછું ગર્યું છે. ઉદ્ધવે મોદી સરકાર હેઠળ મહારાષ્ટ્ર માટે શરૂઆતમાં આયોજિત કેટલાક પ્રોજેક્ટ્સને ગુજરાતમાં ખસેડવાના સંવેદનશીલ મુદ્દાને પણ ઉઠાવ્યો.
બીજી તરફ મનસેના વડા રાજ ઠાકરેએ X પર લખ્યું હતું કે અમે કેન્દ્રને મહારાષ્ટ્રની શાળાઓમાં ત્રિભાષી ફોર્મ્યુલાના નામે હિન્દી લાદવાની મંજૂરી આપીશું નહીં. સરકાર તરફથી મરાઠી અને બિન-મરાઠી લોકો વચ્ચે ધ્રુવીકરણ બનાવવાની રણનીતિ હોય તેવું લાગે છે.