Express Adda: તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી ધ ઇન્ડિયન એક્સપ્રેસના વિશેષ કાર્યક્રમ ‘એક્સપ્રેસ અડ્ડા’ માં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઘણા મહત્વના સવાલોના જવાબ આપ્યા હતા. આ કાર્યક્રમની થીમ Leading Telangana Through Change & Challenge હતો. ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કાએ તેમને અનેક વિષયો પર સવાલ કર્યા હતા. લોકસભા ચૂંટણી-2024નો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે આ ચૂંટણીમાં ભાજપ નહીં પરંતુ કોંગ્રેસનો જ વિજય થયો હતો. તેમણે ભાજપ પર પણ કટાક્ષ કરતા તેને ગઠબંધન સરકાર ગણાવી હતી.
‘કોંગ્રેસે ટેસ્ટ ફોર્મેટ છોડવું પડશે’
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ એક્સપ્રેસ અડ્ડા કાર્યક્રમ દરમિયાન કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ પોતાનું ફોર્મેટ બદલવું પડશે. અમારા નેતાઓ હજુ પણ ટેસ્ટ મેચ રમી રહ્યા છે, અમારે ફોર્મેટને અપગ્રેડ કરવું પડશે અને 20-20ના ફોર્મેટમાં લાવવું પડશે. સીએમે વધુમાં કહ્યું કે અમે ભાજપની જેમ રાજનીતિ ન કરી શકીએ, પરંતુ તેમ છતાં અમારે કોઇ રસ્તો શોધવો પડશે. તેમણે કહ્યું ક અમે વિભાજનકારી રાજકારણ નથી ઇચ્છતા, ચૂંટણી જીતવા માટે આ બધું કરવું સારું નથી, પરંતુ ભાજપને તેની કોઈ પરવા નથી.
‘નાયડુ-નીતિશના સહારે મોદી સરકાર’
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપે આ વખતે 400 પારનો નારો આપ્યો હતો પરંતુ 400 થી 240 થઈ ગયા છે. અમે કોંગ્રેસ પાર્ટી માટે બોલી રહ્યા હતા કે અમને 40 સીટો મળશે, અમને 100 સીટો મળી છે. આંકડાઓ પ્રમાણે તમે જુઓ છો કે આ ચૂંટણીમાં કોણ જીત્યું? તો તમે સમજી શકો છો કે આ મોદીજીની હાર છે. આ ભાજપની હાર પણ નથી પરંતુ મોદીજીની હાર છે. મોદીજીની ગેરંટી વોરંટી ખતમ થઈ ગઈ છે.
આ પણ વાંચો – ‘અમે ગૃહ મંત્રીને પણ કોર્ટમાં લાવીશું’, આદેશનું પાલન ન થવા પર સુપ્રીમ કોર્ટ ખફા; જાણો શું છે મામલો
સીએમે વધુમાં કહ્યું કે સરકાર ચલાવવા માટે મોદીજીએ કોઈનોને કોઇનો સહારો તો લેવો પડશે. નાયડુજીનો સહારો લેવો પડશે. નીતિશજીનો સહારો લેવાનો છે. બંનેમાંથી કોઈ એક મિનિટ માટે આગળ-પાછળ જશે તો મુશ્કેલી ઊભી થશે.
લોકોની લાગણીઓ સાથે કોઈ રમી શકતું નથી
સીએમ રેડ્ડીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે, લોકોની ભાવનાઓ સાથે રમત રમાઈ રહી છે. જે રીતે લાગણીઓ સાથે રમત રમીને ચૂંટણીનો લાભ લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ક્યારેક પુલવામા, ક્યારેક અયોધ્યા રામ મંદિર. એવા મુદ્દાઓ સાથે રમવાનો પ્રયાસ કરવામાં આવે છે, જના માટે ભાજપ ઓળખાય છે. જ્યારે તેમને રાષ્ટ્રના મુદ્દાઓથી કોઇ મતલબ નથી.