Sharad Pawar: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના પ્રમુખ શરદ પવારે મોટો દાવો કર્યો છે. પવારે કહ્યું કે 2024ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં બે લોકો તેમને મળવા દિલ્હીમાં આવ્યા હતા. આ લોકોએ મહા વિકાસ આઘાડી (એમવીએ)ને 288માંથી 160 બેઠકો જીતવાની ખાતરી આપી હતી.
એનસીપી (SP)ના વડા શરદ પવારે શનિવારે નાગપુરમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ બંને લોકોને લઇને રાહુલ ગાંધી પાસે ગયા હતા. તેમણે આ ઓફર રાહુલ ગાંધીને પણ આપી હતી. પવારે કહ્યું કે તેમણે અને રાહુલ ગાંધીએ આ ઓફર સ્વીકારી ન હતી અને ના પાડી દીધી હતી. પવારે આ બંને વ્યક્તિના નામ અને ઓળખ જાહેર કરી નથી.
અમે તેમની ઓફર પર ધ્યાન આપ્યું ન હતું – શરદ પવાર
તેમણે કહ્યું કે અમે આ રસ્તે ચાલીને ચૂંટણી જીતવા માંગતા ન હતા, તેથી અમે તેમની ઓફર પર ધ્યાન આપ્યું ન હતું અને તેમનું નામ અને સંપર્ક રાખ્યો ન હતો. પવારે ચૂંટણીમાં કથિત ગેરરીતિઓ અંગે રાહુલ ગાંધીની તાજેતરની રજૂઆતની પ્રશંસા કરી હતી અને તેમની પાસેથી અલગ સોગંદનામું માંગવા બદલ ભારતીય ચૂંટણી પંચની ટીકા કરી હતી.
તેમણે કહ્યું કે ચૂંટણી પંચ એક સ્વતંત્ર સંસ્થા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે સંસદમાં શપથ લીધા છે, તેથી અલગ એફિડેવિટની જરૂર નથી. જો ચૂંટણી પંચ હજુ પણ આનો આગ્રહ રાખે છે, તો તે યોગ્ય નથી. રાહુલ ગાંધીના આરોપોની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. સત્ય બહાર આવવું જ જોઈએ. મારો એક જ મુદ્દો છે કે વાંધો ચૂંટણી પંચને હતો. તો પછી ભાજપના નેતાઓ કે મુખ્યમંત્રીએ જવાબ આપવાની શું જરૂર છે? અમને ચૂંટણી પંચના જવાબો જોઈએ છે, ભાજપ પાસેથી નહીં.
મહાયુતિ ગઠબંધનને 230 બેઠકો મળી હતી
2024માં થયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને 230 સીટો મળી હતી. જેમાં ભાજપને 132 સીટો પર જીત મળી, જ્યારે તેની સહયોગી પાર્ટી શિવસેનાને 57 અને અજીત પવારની એનસીપીને 41 સીટો મળી હતી. મહા વિકાસ આઘાડી (એમવીએ)ને માત્ર 46 બેઠકો મળી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે મતદાર યાદીમાં ગરબડ અંગે 1 કલાક અને 11 મિનિટ સુધી 22 પાનાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. રાહુલે પડદા પર કર્ણાટકની મતદાર યાદી બતાવી અને કહ્યું કે મતદાર યાદીમાં શંકાસ્પદ મતદારો છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના પરિણામો જોયા પછી, અમારી શંકા વધુ મજબૂત થઈ હતી કે ચૂંટણીમાં ચોરી થઈ હતી. મશીન રીડેબલ વોટર લિસ્ટ ન આપતા અમને વિશ્વાસ થયો કે ચૂંટણી પંચે ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રના ચૂંટણીની ચોરી કરી છે.
આ પણ વાંચો – ઓપરેશન સિંદૂર પર વાયુ સેના પ્રમુખે કહ્યું – S-400 મિસાઇલ સિસ્ટમે 5 પાકિસ્તાની જેટ તોડી પાડ્યા
રાહુલે કહ્યું કે અમે અહીં વોટ ચોરીનું એક મોડલ રજૂ કર્યું છે, મને લાગે છે કે દેશના ઘણા લોકસભા અને વિધાનસભા મતવિસ્તારોમાં આ જ મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કર્ણાટક ચૂંટણી પંચે રાહુલના આરોપો પર સોગંદનામું માંગ્યું છે. તેમણે કહ્યું કે તેઓએ લેખિતમાં ફરિયાદ કરવી જોઈએ જેથી આગળની કાર્યવાહી થઈ શકે. કર્ણાટકની મહાદેવપુરા વિધાનસભા સીટની વોટર લિસ્ટ બતાવતા રાહુલે કહ્યું કે અહીં 6.5 લાખ વોટમાંથી 1 લાખ વોટની ચોરી થઇ છે.
વિપક્ષ જૂઠું બોલીને ભાગી જાય છે – દેવેન્દ્ર ફડણવીસ
પવારની ટિપ્પણીના કલાકો બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે વિપક્ષને જૂઠું બોલવાની અને ભાગવાની આદત છે. ફડણવીસે કહ્યું હતું કે રાહુલ ગાંધી ઘણીવાર ઇવીએમ અંગે શંકા વ્યક્ત કરી ચૂક્યા છે, તેમ છતાં શરદ પવારે આ વાત ક્યારેય કહી નથી. શરદ પવારે ઘણીવાર સ્પષ્ટ વલણ અપનાવ્યું છે કે ઈવીએમને દોષ આપવો ખોટો છે. પરંતુ હવે રાહુલ ગાંધીની બેઠક બાદ શરદ પવારે અચાનક વોટિંગની પ્રક્રિયામાં ફેરફારની વાત શરૂ કરી દીધી છે. આ રાહુલ ગાંધીની બેઠકનું પરિણામ છે.
ફડણવીસે કહ્યું કે વિપક્ષ ગમે તેટલો ભ્રમ ફેલાવે. ઈવીએમ અને ચૂંટણી પંચ પર આરોપ લગાવનાર ખુલીને બોલે છે. પરંતુ તેઓ એફિડેવિટ આપવા તૈયાર નથી. તેઓ કહે છે કે અમે સંસદમાં શપથ લીધા છે. પરંતુ શું સંસદમાં લેવાયેલા શપથ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં માન્ય હોય છે? તેઓ જાણે છે કે જો તેઓ જૂઠું બોલતા પકડાશે તો આવતીકાલે તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી શકે છે. તેથી આ કાયર લોકો છે દરરોજ જૂઠું બોલે છે અને ભાગી જાય છે.