Russia Kamchatka Earthquake: બુધવારે સવારે રશિયાના કામચટકા દ્વીપકલ્પમાં 8.7 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના થોડા સમય પછી, રશિયાના કુરિલ ટાપુઓ અને જાપાનના મોટા ઉત્તરીય ટાપુ હોકાઇડો પર સુનામી ત્રાટક્યો. જાપાન હવામાન એજન્સીએ અહેવાલ આપ્યો છે કે લગભગ ૩૦ સેમી (લગભગ એક ફૂટ) ઊંચા સુનામીનું પહેલું મોજું હોકાઇડોના પૂર્વ કિનારે નેમુરો સુધી પહોંચ્યું હતું.
સ્થાનિક ગવર્નર વેલેરી લિમારેન્કોના જણાવ્યા અનુસાર, પ્રથમ સુનામી મોજું પેસિફિક મહાસાગરમાં રશિયાના કુરિલ ટાપુઓના મુખ્ય વસાહત સેવેરો-કુરિલ્સ્કના દરિયાકાંઠાના વિસ્તારમાં ત્રાટક્યું હતું. તેમણે કહ્યું કે લોકો સુરક્ષિત છે અને ભય દૂર ન થાય ત્યાં સુધી તેમને ઊંચા સ્થળોએ રહેવાનું કહેવામાં આવ્યું છે. ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં પણ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.
રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે રશિયાના પ્રાદેશિક ગવર્નરએ કહ્યું છે કે 8.7 ની તીવ્રતાના ભૂકંપમાં કોઈને ઈજા થઈ નથી. કામચટકાના ગવર્નર વ્લાદિમીર સોલોડોવે કહ્યું, “આજનો ભૂકંપ ખૂબ જ મજબૂત હતો અને દાયકાઓમાં સૌથી શક્તિશાળી ભૂકંપમાંનો એક હતો.” યુએસજીએસે સુનામીની પુષ્ટિ કરી અને અલાસ્કાના કેટલાક ભાગો માટે સુનામીની ચેતવણી જારી કરી.
રાજ્યના અલેઉશિયન ટાપુઓ નજીક સમાલ્ગા પાસ માટે સુનામીની ચેતવણી પહેલાથી જ લાગુ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપને કારણે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી અને ઇમારતોને નુકસાન થયું હતું.
આ પણ વાંચોઃ- Gir Sanctuary Lion: ગિરની દંતકથા સમાન જય-વીરુ નામના સિંહની જોડી વિખૂટી પડી
રશિયાના કટોકટી મંત્રી લેબેદેવના જણાવ્યા અનુસાર, ભૂકંપ પછી કામચટકા પ્રદેશના કેટલાક ભાગોમાં 3 થી 4 મીટર ઊંચા મોજા સાથે સુનામી નોંધાઈ હતી. “દરેક વ્યક્તિએ પાણીથી દૂર જવું જોઈએ,” લેબેદેવે કહ્યું. યુએસ સુનામી ચેતવણી પ્રણાલીએ આગામી ત્રણ કલાકમાં “ખતરનાક સુનામી મોજા” ની પણ ચેતવણી આપી હતી.