Rekha Gupta Delhi Chief Minister: રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આપ પાર્ટીની હાર સાથે 27 વર્ષ બાદ ભાજપની સરકાર બની છે. ભાજપે રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી બનાવ્યા છે. રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી છે. સૌથી ખાસ વાત એ છે કે, રેખા ગુપ્તા પહેલીવાર ધારાસભ્ય બન્યા અને દિલ્હીના મુખ્યમંત્રીની ખુરશી મળી છે. પ્રવેશ વર્મા અને વિરેન્દ્ર સચદેવા જેવા દિગ્ગજ નેતાઓના બદલે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાની પસંદગી કરવા પાછળ 4 મુખ્ય મુદ્દાઓ છે.
મહિલા મતદારોને સંદેશ
રેખા ગુપ્તાને મુખ્યમંત્રી બનાવવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે તેઓ એક મહિલા છે. આ પહેલા આમ આદમી પાર્ટીની સરકારે આતિશીને મુખ્યમંત્રી બનાવી હતી. અનેક રાજ્યોમાં ભાજપની સરકાર છે, પરંતુ પાર્ટીએ અત્યાર સુધી કોઇ મહિલાને મુખ્યમંત્રી બનાવી નથી.
આ અંગે ઘણા સવાલો ઉભા થયા હતા અને ભાજપ આ આરોપોનો જવાબ આપવા માંગતી હતી અને તેણે રેખા ગુપ્તા ની પસંદગી કરીને આ સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. જો કે પાર્ટીએ ઘણા રાજ્યોમાં ડેપ્યુટી સીએમ બનાવ્યા છે. રાજસ્થાન, બિહાર તેના મુખ્ય ઉદાહરણો છે.
રેખા ગુપ્તાનું આરએસએસ, એબીવીપી સાથે કનેક્શન
રેખા ગુપ્તા લાંબા સમયથી ભાજપના મૂળ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયેલા છે. રેખા ગુપ્તાએ આરએસએસની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા વિદ્યાર્થી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને દિલ્હી યુનિવર્સિટીના સચિવ તેમજ પ્રમુખ બન્યા હતા. આ પછી તેમણે પાર્ટી માટે અનેક પદો પર કામ કર્યું. આ એક સીધો સંદેશ એ છે કે, પાર્ટીએ રેખા ગુપ્તા દ્વારા પક્ષ માટે કરવામાં આવેલા કામોને ધ્યાનમાં લીધા છે.
વૈશ્ય સમાજને ખુશ કરવાનો પ્રયાસ
રેખા ગુપ્તા મુખ્યમંત્રી હોવાથી ભાજપે પણ પોતાની કોર વોટબેંક વૈશ્ય સમાજ પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો છે. રેખા ગુપ્તા વૈશ્ય સમુદાયમાંથી આવે છે અને એવું માનવામાં આવે છે કે વૈશ્ય સમુદાયનો મોટો વર્ગ ભાજપને ટેકો આપે છે. દિલ્હીમાં પણ વૈશ્ય સમાજ ખૂબ જ શક્તિશાળી છે. વૈશ્ય સમુદાયની વસ્તી દિલ્હીની વસ્તીના લગભગ 8% જેટલી છે. રેખા ગુપ્તાને મુખ્યમંત્રી બનાવીને ભાજપે વૈશ્ય મતદારો પર પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો | રેખા ગુપ્તા એ દિલ્હીના મુખ્યમંત્રી બનતાં જ કરી મોટી જાહેરાત, શીશ મહેલનું હવે શું થશે?
પરિવારવાદના આરોપોથી બચવાનો પ્રયાસ
ભાજપે રેખા ગુપ્તાને મુખ્યમંત્રી બનાવીને વંશવાદ અને પરિવારવાદના આરોપોથી બચવાનો પણ પ્રયાસ કર્યો છે. જો તેમણે પ્રવેશ વર્માને મુખ્યમંત્રી બનાવ્યા હોત તો તેમના પર નેપોટિઝમનો આરોપ લગાવી શકાયો હોત કારણ કે પ્રવેશ વર્મા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર છે. રેખા ગુપ્તા કોઈ રાજકીય પરિવારમાંથી નથી આવતા. આવી સ્થિતિમાં પાર્ટીએ એવો સંદેશ પણ આપ્યો છે કે તેમને પરિવારની રાજનીતિ પસંદ નથી અને સામાન્ય કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપે છે.