India-China ties: પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી. વાંગ યીની ભારત મુલાકાત શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટ માટે વડા પ્રધાન મોદીની ચીન મુલાકાતના થોડા દિવસો પહેલા જ આવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય માલ પર ટેરિફ 50 ટકા કર્યા પછી ભારત-અમેરિકા સંબંધોમાં વધતા તણાવ વચ્ચે આ મુલાકાત થઈ રહી છે, જેમાં રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર વધારાનો 25 ટકા દંડ પણ સામેલ છે.
પીએમ મોદીએ શું કહ્યું
ચીનના વિદેશ મંત્રી સાથે મુલાકાત પછી પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે વિદેશ મંત્રી વાંગ યીને મળીને આનંદ થયો. ગયા વર્ષે કઝાનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મારી મુલાકાત પછી, ભારત-ચીન સંબંધોમાં એકબીજાના હિતો અને સંવેદનશીલતાના સન્માન સાથે સતત પ્રગતિ થઇ છે. હું શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટ દરમિયાન તિયાનજિનમાં થનારી આગામી મુલાકાતની રાહ જોઇ રહ્યો છું. ભારત અને ચીન વચ્ચે સ્થિર, વિશ્વસનીય અને રચનાત્મક સંબંધો પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
વડા પ્રધાન સાથે મુલાકાત પહેલા ચીનના વિદેશ મંત્રીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સોમવારે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ઉચ્ચ સ્તરીય વાતચીત કરી હતી.
વિશેષ પ્રતિનિધિ (SR) મિકેનિઝમના માળખા હેઠળ યોજાયેલી વાતચીત દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે જણાવ્યું હતું કે છેલ્લા નવ મહિનામાં ભારત-ચીન સંબંધોમાં પ્રગતિ થઇ છે કારણ કે LAC પર શાંતિ અને સોહાર્દ યથાવત્ છે, જે 2020ના ગલવાન ઘાટી સંઘર્ષથી શરૂ થયેલા ગંભીર તણાવને દૂર કરવા માટે બંને દેશો દ્વારા નવેસરથી પ્રયાસોનું પ્રતીક છે.
આ પણ વાંચો – ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે વિપક્ષે બી સુદર્શન રેડ્ડીને જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોણ છે?
તેમણે કહ્યું કે સીમાઓ શાંત છે, શાંતિ અને સોહાર્દ પ્રવર્તે છે અને આપણા દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બન્યા છે. ડોભાલે ઔપચારિક રીતે જાહેરાત પણ કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ તિયાનજિનમાં SCO સમિટમાં હાજરી આપવા માટે ચીન જશે. તેમણે કહ્યું કે આ યાત્રાને ધ્યાનમાં રાખીને ખાસ પ્રતિનિધિઓની વાતચીત ખૂબ જ ખાસ મહત્વ ધરાવે છે.
ચીનના વિદેશ મંત્રીએ શું કહ્યું?
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ તેમના નિવેદનમાં કહ્યું કે બંને પક્ષોએ વ્યૂહાત્મક સંવાદ દ્વારા પરસ્પર વિશ્વાસ વધારવો જોઈએ અને સહકાર સાથે સંયુક્ત હિતોનો વિસ્તાર કરવો જોઈએ. આ સાથે સરહદ પરના તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવવું જોઈએ. તેમણે કહ્યું કે સરહદ પર હવે જે સ્થિરતા પુનઃસ્થાપિત થઈ છે તે જોઈને અમને આનંદ થઇ રહ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે હવે દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો અને વિકાસ માટે સારી તક છે. ચીની પક્ષ SCO સમિટમાં હાજરી આપવા માટે વડા પ્રધાનની ચીન મુલાકાતને ખૂબ મહત્વ આપે છે.