parliament monsoon session : વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે રાજ્યસભામાં કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તેઓ ઈતિહાસથી અસહજ છે. તેમણે પહેલગામ આતંકી હુમલા બાદ સિંધુ જળ સંધિ સ્થગિત કરવાના ભારતના નિર્ણય વિશે પણ વાત કરી હતી.વિદેશ મંત્રીએ કહ્યું હતું કે સિંધુ જળ સંધિ અનેક રીતે એક વિશિષ્ટ સમજૂતી છે. હું વિશ્વની એવી કોઈ સમજૂતી વિશે વિચારી શકતો નથી કે જ્યાં એક દેશે તેની મુખ્ય નદીઓને તે નદી પર કોઈ અધિકાર વિના બીજા દેશમાં વહેવાની મંજૂરી આપી હોય.
તેમણે કહ્યું કે આ ઘટનાના ઇતિહાસને યાદ કરવા માટે. ગઈકાલ મેં સાંભળ્યું હતું કે કેટલાક લોકો ઇતિહાસ વિશે અસ્વસ્થ છે. તેઓ ઈચ્છે છે કે ઐતિહાસિક વાતો ભૂલાવી દેવામાં આવે. કદાચ તે તેમને અનુકૂળ ન હોય, તેઓ ફક્ત કેટલીક વસ્તુઓ યાદ રાખવાનું પસંદ કરે છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે સંધિના સંબંધમાં 1960માં સંસદમાં આપેલા જવાહરલાલ નહેરુના નિવેદનને તેમના પર પ્રહાર કરતા કહ્યું તત્કાલીન વડાપ્રધાન કહી રહ્યા છે કે આપણે આ સંધિ (સિંધુ જળ સંધિ) એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ભારત સરકારે પાકિસ્તાની પંજાબના હિતોને ધ્યાનમાં રાખવું જોઈએ. કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના ખેડૂતોના હિતો વિશે એક શબ્દ પણ કહ્યો નહીં.
હવે તેઓ એવુ એટલા માટે કહી રહ્યા છે કારણ કે લોકો કહી રહ્યા છે, અમને લાગ્યું કે તે પરિસ્થિતિમાં તે યોગ્ય સમાધાન છે. અમે શાંતિ ખરીદી છે અને તે બંને દેશો માટે સારું છે. 1960માં તેમણે કહ્યું હતું કે અમે શાંતિ ખરીદી છે. અમે શાંતિ ખરીદી નથી, અમે તુષ્ટિકરણ ખરીદ્યું છે કારણ કે એક વર્ષની અંદર જ આ જ વડાપ્રધાને સ્વીકારી લીધું કે પાકિસ્તાન સાથે શાંતિ નથી.
પીએમ મોદીએ નહેરુની ભૂલો સુધારી: એસ જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિંધુ જળ સંધિ અને કલમ 370 સાથે નિપટવાના મામલે પંડિત જવાહરલાલ નહેરુની ભૂલો સુધારી છે. તેમણે કહ્યું કે અમને 60 વર્ષ સુધી કહેવામાં આવ્યું હતું કે કંઇ કરી શકાતું નથી. પંડિત નેહરુની ભૂલ સુધારી શકાય તેમ નથી. નરેન્દ્ર મોદી સરકારે બતાવી દીધું છે કે તેમાં સુધારો થઈ શકે છે. કલમ 370માં સુધારો કરવામાં આવ્યો હતો અને સિંધુ જળ સંધિમાં પણ સુધારો કરવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને ટેકો આપવાનું સંપૂર્ણપણે બંધ નહીં કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે. અમે ચેતવણી આપી છે કે લોહી અને પાણી એક સાથે નહીં વહે.
ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી
22 એપ્રિલે પહેલગામમાં આતંકીઓએ 26 નિર્દોષ લોકોની હત્યા કરી હતી. આ પછી ભારત સરકારે કડક પગલાં ભરીને સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બર, 1960ના રોજ સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા. આ પહેલા બંને દેશો વચ્ચે 9 વર્ષ સુધી વાતચીત ચાલી હતી.