Operation Sindoor Debate : સોમવારે જ્યારે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ તો વિદેશ મંત્રી એસ જયશંકરે વિપક્ષના તમામ સવાલોના જવાબ આપ્યા હતા. એસ.જયશંકરે કહ્યું કે 22 એપ્રિલથી 17 જૂન સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કોઇ વાતચીત થઇ નથી.
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ બાદ કોંગ્રેસ સતત સીઝફાયર અંગે સવાલો ઉઠાવી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 10 મેથી અત્યાર સુધી 26 વખત દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું છે અને આ માટે તેમણે ટ્રેડ ડીલ બંધ કરવાની ધમકી આપી હતી. કોંગ્રેસે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિવેદન આપે તેવી માંગણી કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા અનુસાર તેમણે બંને દેશોને કહ્યું હતું કે જો તેઓ સંઘર્ષ બંધ નહીં કરે તો તેઓ તેમની સાથે કોઈ વેપાર સોદો કરશે નહીં, પરંતુ વિદેશ મંત્રીઓ ટ્રમ્પના આવા દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા.
ભારતે કહ્યું – જડબાતોડ જવાબ આપવામાં આવશે
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન પર કહ્યું હતું કે પાકિસ્તાન તરફથી મોટો હુમલો થઇ શકે છે, પરંતુ વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત તેનો જડબાતોડ જવાબ આપશે. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતે 9 અને 10 મેના રોજ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યા હતા.
વિદેશ મંત્રીએ કહ્યું કે 10 મેના રોજ અનેક દેશોએ ભારતનો સંપર્ક કર્યો અને કહ્યું કે પાકિસ્તાન સીઝફાયર માટે તૈયાર છે. આ પછી ભારતે સ્પષ્ટ કર્યું હતું કે તે સીઝફાયરના પ્રસ્તાવ પર ત્યારે જ વિચાર કરશે જ્યારે તેને પાકિસ્તાનની ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ) ચેનલ દ્વારા ભારતની સામે રાખવામાં આવશે.
જયશંકરે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો
જયશંકરે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો હતો. પાકિસ્તાન સુરક્ષા પરિષદનું સભ્ય છે અને આપણે નથી, પરંતુ આપણે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાન વિશે જણાવ્યું છે. જયશંકરે એમ પણ કહ્યું કે અમે આખી દુનિયાને કહ્યું કે ભારતને પોતાના નાગરિકોની સુરક્ષા કરવાનો અધિકાર છે. જયશંકરે કહ્યું કે જ્યારે અમારી રેડ લાઇન ક્રોસ કરી ગઈ તો અમારે કડક પગલાં ભરવા પડ્યા.
આ પણ વાંચો – સંસદમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું – આજનું ભારત સક્ષમ અને આત્મનિર્ભર, કોઈ પણ દબાણ સામે ઝૂકવાનું નથી
જયશંકરે કહ્યું કે અમે દુનિયા સામે પાકિસ્તાનનો અસલી ચહેરો ઉજાગર કર્યો. સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન સહિત માત્ર ત્રણ દેશોએ ઓપરેશન સિંદૂરનો વિરોધ કર્યો હતો. યુએનમાં 193 દેશો છે, જેમાંથી માત્ર ત્રણ સભ્યો જ તેનો વિરોધ કરે છે.
જયશંકરના નિશાના પર વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ હતા. જયશંકરે નામ લીધા વગર રાહુલ ગાંધીના ચીન પ્રવાસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે જ્યારે ચીન અરુણાચલ પ્રદેશના નાગરિકોને સ્ટેપલ વિઝા આપી રહ્યું હતું, ત્યારે કેટલાક નેતાઓ ચીનમાં બેસીને ઓલિમ્પિક જોઈ રહ્યા હતા. હું ન તો ચીનમાં ઓલિમ્પિક જોવા ગયો હતો કે ન તો કોઈ ગુપ્ત કરાર પર હસ્તાક્ષર કરવા ગયો હતો.