maharashtra : મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ આવ્યાને લગભગ 10 દિવસ થવા આવ્યા છે અને સરકાર બની નથી. કોણ મુખ્યમંત્રી બનશે તે પણ નક્કી થયું નથી.મહારાષ્ટ્રના કેરટેકર મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે યોજાનારી તમામ બેઠકો રદ કરી દીધી છે. એનસીપી નેતા અજિત પવાર સરકારની રચનાને લઈને ભાજપ હાઈકમાન્ડને મળવા માટે દિલ્હી રવાના થયા છે.
બીજી તરફ ભાજપે વિધાયક દળની બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષકની નિયુક્તિ કરી છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીની નિરીક્ષક તરીકે નિયુક્તિ કરી છે. બન્ને મુંબઈ જશે અને ધારાસભ્યો સાથે બેઠક કરશે આ પછી નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરશે.
5 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહની તારીખ નક્કી થઇ ગઇ છે. આ પહેલા 4 ડિસેમ્બરે ભાજપના ધારાસભ્ય દળની બેઠક થઇ શકે છે. આ બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષક આવશે અને ધારાસભ્યો સાથે વાતચીત કરશે. 5 ડિસેમ્બરે ફક્ત સીએમ શપથ લેશે કે તેમની સાથે ડિપ્ટી સીએમે કે મંત્રી શપથ લેશે તે નક્કી થયું નથી.
શ્રીકાંત શિંદેએ ડેપ્યુટી સીએમ વિશેની અટકળોને ફગાવી
બીજી તરફ એકનાથ શિંદેના પુત્ર અને શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેએ ઉપમુખ્યમંત્રી પદની માંગના અહેવાલોને ફગાવી દીધા હતા. સાંસદે તેને “પાયાવિહોણી અફવા” ગણાવી હતી અને કહ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રમાં કોઈ પણ મંત્રી પદની રેસમાં નથી.
આ પણ વાંચો – કોને લાગે છે કે મારે મુખ્યમંત્રી હોવું જોઈએ, મહારાષ્ટ્રમાં CM સસ્પેન્સ વચ્ચે એકનાથ શિંદનો મોટો દાવો
એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે ગઠબંધન સરકારના શપથ ગ્રહણ સમારોહમાં થોડો વિલંબ થયો છે અને હાલમાં તેના વિશે ઘણી ચર્ચાઓ અને અફવાઓ છે. કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે અવસ્થ હોવાના કારણે બે દિવસ માટે ગામ ગયા હતા અને આરામ કર્યો હતો. જેથી અફવા ફેલાઈ હતી. છેલ્લા બે દિવસથી હું નાયબ મુખ્યમંત્રી બનીશ તેવા સમાચાર પ્રશ્નચિહ્નો સાથે આપવામાં આવી રહ્યા છે. હકીકતમાં, તેમાં કોઈ સત્ય નથી. મારા નાયબ મુખ્યમંત્રી બનવા વિશેના તમામ અહેવાલો પાયાવિહોણા છે.
નવી સરકાર 5 ડિસેમ્બરે શપથ લેશે
મુખ્યમંત્રી પદના ચહેરાનો નિર્ણય હજુ બાકી છે પણ શપથ ગ્રહણ સમારોહની તારીખ જાહેર કરવામાં આવી છે. મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુલેએ જાહેરાત કરી હતી કે નવી સરકારનો શપથવિધિ સમારોહ 5 ડિસેમ્બરે મુંબઈમાં યોજાશે.
ભાજપ, શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની મહાયુતિએ 20 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં જંગી વિજય નોંધાવ્યો હતો અને 288 સભ્યોની વિધાનસભામાં 230 બેઠકો જીતી હતી. પરિણામ 23 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપને 132 બેઠકો મળી હતી, જ્યારે શિવસેનાને 57 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને 41 બેઠકો મળી હતી.