અમેરિકાના મિનિયાપોલિસ શહેરમાં બુધવારે પ્રાર્થના સભા દરમિયાન થયેલા ગોળીબાર બાદ પોલીસને ચોંકાવનારી માહિતી મળી છે. આ ગોળીબારમાં બે બાળકોના મોત થયા હતા અને 17 લોકો ઘાયલ થયા હતા. હુમલાખોર 23 વર્ષીય રોબિન વેસ્ટમેને પણ પોતાને ગોળી મારી હતી. આ ઘટના એન્યુનસિએશન કેથોલિક સ્કૂલમાં પ્રાર્થના દરમિયાન બની હતી.
મિનિયાપોલિસ પોલીસ વડા બ્રાયન ઓ’હારાના જણાવ્યા અનુસાર, વેસ્ટમેન પાસે રાઇફલ, શોટગન અને પિસ્તોલ હતી. વેસ્ટમેને સવારે 8:30 વાગ્યે પ્રાર્થના હોલમાં ચર્ચની બારીઓમાંથી ડઝનબંધ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં બાળકો બેઠા હતા.
પોલીસે જણાવ્યું હતું કે વેસ્ટમેને કાયદેસર રીતે હથિયારો ખરીદ્યા હતા અને તેનો કોઈ ગુનાહિત રેકોર્ડ મળ્યો નથી. પોલીસ વેસ્ટમેન જે કોન્ટેન્ટ ઓનલાઈન પોસ્ટ કરવાનો હતો તેની સામગ્રીની તપાસ કરી રહી છે. આમાં વીડિયો પણ શામેલ છે.
એક વીડિયોમાં શસ્ત્રો અને દારૂગોળોનો ભંડાર જોવા મળ્યો હતો જેમાં તેણે લખ્યું હતું- “Kill Donald Trump” (ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખો) અને “Where is your God?” (તમારા ભગવાન ક્યાં છે).
પત્રકાર લૌરા લૂમરે X પર લખ્યું છે કે એક હથિયાર પર “Nuke India” (ભારત પર પરમાણું હુમલો કરો) લખેલું હતું. આ ઉપરાંત, “Israel Must Fall” પણ લખેલું હતું.
વેસ્ટમેને વીડિયોમાં પોતાના પરિવારને લખેલો એક પત્ર પણ બતાવ્યો. પત્રમાં લખ્યું હતું – “મારા માતા-પિતા, મને દુઃખ છે કે હું તમારી અપેક્ષા મુજબ ન બની શક્યો. તમે મને ઘણું આપ્યું.” ચર્ચ રેકોર્ડ મુજબ, વેસ્ટમેનની માતા મેરી ગ્રેસ વેસ્ટમેને 2021 સુધી એન્યુનશન કેથોલિક સ્કૂલમાં કામ કર્યું હતું.
આ પણ વાંચો: અમેરિકાના 50% ટેરિફની સીધી અસર હવે સુરતના હીરા અને કાપડ ઉદ્યોગ પર
વેસ્ટમેનના કાકાએ કહ્યું – મને આઘાત લાગ્યો છે
વેસ્ટમેનના કાકા અને કેન્ટુકીના ભૂતપૂર્વ સાંસદ બોબ હેલરિંગરે કહ્યું કે તેઓ આનાથી આઘાત પામ્યા હતા. હેલરિંગરે એપીને કહ્યું, “કાશ તેણે નિર્દોષ શાળાના બાળકોની જગ્યાએ મને ગોળી મારી હોત.” દસ્તાવેજો દર્શાવે છે કે 2020 માં, વેસ્ટમેનનું નામ રોબર્ટથી બદલીને રોબિન કરવામાં આવ્યું હતું.
FBI ડિરેક્ટર કાશ પટેલે X પર લખ્યું – તપાસ ચાલુ છે અને સમયાંતરે લોકોને અપડેટ આપવામાં આવશે. પોલીસે ઘટનાસ્થળે મળેલા વાહન તેમજ વેસ્ટમેનના ત્રણ ઘરોની શોધખોળ કરી છે.