એક પરિવાર રાત્રે સૂવાની તૈયારી કરી રહ્યો હતો, અચાનક આંગણામાં એક સાપ દેખાય છે. ઘરનો એક સભ્ય તે સાપને જુએ છે અને તેને મારી નાખે છે. આ પછી અચાનક આંગણામાંથી એક પછી એક સેંકડો સાપ બહાર આવવા લાગે છે. પરિવારના સભ્યો આ જોઈને ચોંકી જાય છે અને ચીસો પાડવા લાગે છે. આ ચોંકાવનારી ઘટના યુપીના મેરઠની છે. અહીં જિલ્લાના દૌરાલા વિસ્તારમાં આવેલા સમૌલી ગામમાં, એક ખેડૂતના ઘરના આંગણામાંથી અચાનક સેંકડો સાપ બહાર આવવા લાગ્યા. આ ઘટનાથી ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો અને ડરના કારણે ખેડૂતે તેના પરિવાર અને ગ્રામજનો સાથે મળીને 50 થી વધુ સાપને મારી નાખ્યા અને તેમને ખાડામાં દાટી દીધા.
વન વિભાગના વિભાગીય વન અધિકારી (DFO) રાજેશ કુમારે સોમવારે ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે એક વીડિયો વાયરલ થયા બાદ તપાસ માટે એક વિભાગીય ટીમ સ્થળ પર મોકલવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાપ માર્યા બાદ અમને સુચના મળી હતી. સાપોને મારીને જમીનમાં દાટી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સાપ વન્યજીવન સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ સંરક્ષિત જીવ છે અને કોઈપણ કાર્યવાહી કરતા પહેલા વન વિભાગને જાણ કરવી જરૂરી છે.
ડીએફઓએ કહ્યું, “વીડિયો જોતાં એવું લાગે છે કે સાપને મારીને ખાડામાં દાટી દેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ આ પાણીમાં જોવા મળતા બિનઝેરી સાપ છે, જે સામાન્ય રીતે ગટર વગેરેમાં રહે છે. વિભાગીય ટીમ સ્થળ પર છે અને ગ્રામજનોની પૂછપરછ કરી રહી છે.”
આ પણ વાંચો: કોલકાતામાં ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથના રથમાં લગાવાયા સુખોઈ જેટના ટાયર
પરિવારે શું કહ્યું?
ગામના રહેવાસી ખેડૂત મહફૂઝ સૈફીએ જણાવ્યું હતું કે રવિવારે રાત્રે તે સૂવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેણે તેના આંગણામાં એક સાપ જોયો, જેને તેણે મારી નાખ્યો. આ પછી થોડા સમય પછી સાપ એક પછી એક બહાર આવવા લાગ્યા. તેમણે કહ્યું કે પરિવારના સભ્યો અને ગ્રામજનોની મદદથી, તેમણે લગભગ 50 સાપને મારીને ખાડામાં દાટી દીધા. ઘટનાની ખબર ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા. ખેડૂતના દરવાજા પાસે બનાવેલા રેમ્પ નીચેથી સાપ બહાર આવી રહ્યા હતા.
વન વિભાગે આ સંદર્ભે જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે અને કેટલા સાપ માર્યા ગયા અને તેમને ક્યાં દફનાવવામાં આવ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે. વિભાગે સામાન્ય લોકોને અપીલ કરી છે કે આવી કોઈપણ ઘટના અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવે અને કોઈપણ સંરક્ષિત પ્રાણીને નુકસાન ન પહોંચાડવામાં આવે.