Maharashtra Cabinet Expansion: મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારનું મંત્રીમંડળ વિસ્તરણ 15 ડિસેમ્બરે થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ નાગપુરમાં યોજાશે. આમાં 30-32 મંત્રીઓ શપથ લઈ શકે છે. મહારાષ્ટ્ર કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત વધુમાં વધુ 43 સભ્યો હોઈ શકે છે.
મીડિયા રિપોર્ટ મુજબ ભાજપને 20-21 મંત્રી પદ મળવાની સંભાવના છે. જ્યારે શિવસેનાને 11-12 મંત્રી પદ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને 9-10 મંત્રી પદ મળી શકે છે. સંભવિત મંત્રીઓને શપથ માટે મુખ્યમંત્રી ફડણવીસ પોતે ફોન કરશે. મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ શુક્રવારે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર સાથે કેબિનેટને અંતિમ સ્વરૂપ આપવા માટે અલગથી ચર્ચા કરી હતી. એકનાથ શિંદે અને અજિત પવારે તેમના મંત્રીઓની યાદી મુખ્યમંત્રી ફડણવીસને આપી છે.
એનસીપી-અજિત જૂથ
અજિત જૂથના પાંચ જૂના મંત્રી સહિત જિરવાલ-ભરણેનું નામ ચર્ચામાં છે. ઉપ મુખ્યમંત્રી અજિત પવારે છગન ભુજબળ, ધનંજય મુંડે, ધર્મરાવ બાબા, અદિતિ તટકરે અને અગાઉની સરકારમાં મંત્રી રહેલા અનિલ પાટીલના નામ યથાવત રાખ્યા છે. દિલીપ વલસે પાટિલ પહેલા જ ઈન્કાર કરી ચુક્યા છે, જ્યારે હસન મુશ્રિફનું પત્તુ કપાઇ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નરહરિ જિરવાલ અને દત્તા ભરણેને મંત્રી પદ મળી શકે છે.
શિવસેના શિંદે જૂથ
શિંદે જૂથમાં ગોગાવેલ, શિરલાટ, ખોતકરને તક મળી શકે છે. શિંદેએ ઉદય સામંત, શંભુરાજે દેસાઈ, દાદા ભુસે, ગુલાબરાવ પાટિલના નામ જાળવી રાખ્યા છે. પ્રવક્તા સંજય શિરસાટ, પ્રતાપ સરનાઇક, ભરત ગોગવલે, વિજય શિવતારે અને અર્જુન ખોતકરને પણ તક મળી શકે છે.
આ પણ વાંચો – લોકસભામાં પીએમ મોદીનું સંબોધન, કહ્યું – ભારત લોકતંત્રની જનની
ભાજપ
ભાજપ તરફથી મુંડે, મુનગંટીવાર અને પાટિલના નામ સામેલ કરવામાં આવી શકે છે. કેબિનેટમાં ચંદ્રશેખર બાવનકુલે, ચંદ્રકાંત પાટીલ, સુધીર મુનગંટીવાર, પંકજા મુંડેના નામ સૌથી ઉપર છે. મેઘના બોર્ડિકર, સંભાજી પાટીલ નિલંગેકર, રવિન્દ્ર ચવ્હાણ, રાધાકૃષ્ણ પાટીલ, ગિરીશ મહાજન, અતુલ સાવે, પરિનાય ફુકે અને સંજય કુટેનું નામ પણ સામેલ છે. ભાજપે કેટલાક નવા ચહેરાઓને તક આપવાનું નક્કી કર્યું છે.
ગૃહ મંત્રાલયને લઇને મંત્રીમંડળનું વિસ્તરણ 10 દિવસ માટે અટવાયું
સૂત્રોના જણાવ્યા અનુસાર શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પાસે ગૃહ મંત્રાલય હતું. તે આ મંત્રાલય છોડવા માગતા નથી. બીજી તરફ શિંદે જૂથની દલીલ છે કે અમને ડેપ્યુટી સીએમનું પદ મળતું હોય તો ગૃહ મંત્રાલય પણ મળવું જોઇએ. ભાજપ ગૃહ, મહેસૂલ, ઉચ્ચ શિક્ષણ, કાયદો, ઊર્જા, ગ્રામીણ વિકાસને પોતાની પાસે રાખવા માંગે છે. તેમણે શિવસેનાને આરોગ્ય, શહેરી વિકાસ, લોકનિર્માણ, ઉદ્યોગની ઓફર કરી છે. એનસીપીએ અજિત જૂથને નાણાં, યોજના, સહકાર, કૃષિ જેવા વિભાગોની ઓફર કરી છે.