Rahul Mamkootathil : કેરળમાં મલયાલમ ફિલ્મ અભિનેત્રી રિની એન જ્યોર્જે કોંગ્રેસ પાર્ટીના એક નેતા પર ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો છે. આ આરોપોના એક દિવસ બાદ કોંગ્રેસના ધારાસભ્ય રાહુલ મમકુટાથિલે યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. જોકે તેઓ કેરળ વિધાનસભામાં પલક્કડ વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખશે.
અભિનેત્રી રિની એન જ્યોર્જે બુધવારે આરોપ લગાવ્યો હતો તેનો એક યુવા રાજનેતા સાથે ખરાબ અનુભવ રહ્યો, આ નેતા ટીવી ચેનલો પર સક્રિય રહે છે અને આંદોલનોમાં સૌથી આગળ રહે છે. તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ નેતા સાથે તેની દોસ્તી સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. તેણે તેને અશ્લિલ મેસેજ મોકલ્યા હતા અને હોટલના રૂમમાં બોલાવી હતી.
જોકે તેણે આ નેતાનું નામ આપવાનો ઇન્કાર કરી દીધો હતો, પરંતુ એવી અટકળો વહેતી થઈ હતી કે જે નેતાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તે યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય રાહુલ મમકુટાથિલે હોઈ શકે છે.
રાહુલ મમકુટાથિલ ગયા વર્ષે ધારાસભ્ય બન્યા હતા
રાહુલ મમકુટાથિલ ગયા વર્ષે કેરળના પલક્કડ વિધાનસભા મતવિસ્તારમાં પેટાચૂંટણીમાં જીત મેળવી હત. શરૂઆતમાં તેમણે આક્ષેપોનો કોઇ જવાબ આપ્યો ન હતો. અભિનેત્રીના આ આરોપો પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા વી ડી સતીસને મીડિયાને જણાવ્યું હતું કે પાર્ટી આરોપોની તપાસ કરશે અને નેતાના કદને ધ્યાનમાં લીધા વિના કડક કાર્યવાહી કરશે. જો આ કથિત ઘટનામાં કોંગ્રેસના કોઈ નેતા સામેલ હશે તો પાર્ટી કડક કાર્યવાહી કરશે. હું આ અંગે પહેલ કરીશ. અમને હમણાં જ એક ગંભીર ફરિયાદ મળી છે. કાર્યવાહી કરવામાં કોઈ વિલંબ થયો ન હતો.
આ પણ વાંચો – રશિયાના દૂતાવાસે કહ્યું – ભારત એક વૈશ્વિક શક્તિ છે, બન્ને દેશ એકબીજા માટે ઘણું મહત્વ રાખે છે
દબાણ વધતાં રાહુલ મમકુટાથિલે રાજીનામું આપ્યું
ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ દબાણ વધતાં રાહુલ મમકુટાથિલે યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. પથાનામથિટ્ટામાં પત્રકારો સાથેની વાતચીતમાં રાહુલે કહ્યું હું દેશની ન્યાયિક વ્યવસ્થાનું સન્માન કરું છું. તે મારી નજીકની મિત્ર છે અને તેણે આરોપમાં મારું નામ લીધું ન હતું. તે હજુ પણ મારી નજીકની મિત્ર છે અને હું માનું છું કે આક્ષેપો મારી વિરુદ્ધ ન હતા. કેટલાક મીડિયા હાઉસ દ્વારા આ આરોપો એવા સમયે લગાવવામાં આવ્યા છે જ્યારે સીપીઆઈ(એમ) સરકાર પર વિવિધ આરોપોનો સામનો કરી રહી છે.
કોંગ્રેસ માટે મુશ્કેલ સમય શા માટે?
આ આરોપોએ કોંગ્રેસને મુશ્કેલ સ્થિતિમાં મૂકી દીધી છે કારણ કે કોંગ્રેસ પાર્ટીએ સીપીઆઇ (એમ) પર એવા નેતાઓને બચાવવાનો આરોપ લગાવ્યો હતો જેમના નામ કથિત રીતે સેક્સ સ્કેન્ડલમાં સામે આવ્યા હતા. સીપીઆઇ(એમ)ના નેતા પી કે શશી પર એક સહયોગીએ ગલત વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. સીપીઆઇ(એમ) ત્યારે તેની સાથે ઉભી હતી. ત્યારબાદ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે સીપીઆઇ (એમ) પાર્ટીના નેતાઓ સામેની ફરિયાદોને દબાવી રહી છે અને આવી ફરિયાદોમાં પક્ષના નેતાઓને ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરી રહી છે.