Karnataka Congress Crisis : કર્ણાટકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારના સમર્થકો વચ્ચે ચાલી રહેલો જંગ હવે તેમના અધિકારીઓ સુધી પહોંચી ગયો છે. નવી દિલ્હીના કર્ણાટક ભવનમાં બંને નેતાઓના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. રિપોર્ટ પ્રમાણે આ મામલે ઔપચારિક ફરિયાદ નોંધાઇ છે અને આધિકારિક તપાસના આદેશ આપ્યા છે.
સી.મોહન કુમાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એચ.અંજનેયાએ રેસિડેન્ટ કમિશનર ઇમકોંગલા જમીર સામે આને લઇને ફરિયાદ નોંધાવી હતી અને સી.મોહન કુમાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર અંજનેયાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે મને જૂતાથી માર મારવાની ધમકી આપી અને તેનાથી મારા આત્મસન્માનને ઠેસ પહોંચી છે. તેમની (સી. મોહન કુમાર) સામે ફોજદારી કાર્યવાહી શરૂ થવી જોઈએ અને મારી સાથે ન્યાય થવો જોઈએ.
પીટીઆઈના મતે જમીરે કહ્યું કે અમને આ મામલે 22 જુલાઈએ ફરિયાદ મળી હતી. સાચી પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે. અંજનેયાએ પોતાના ફરિયાદ પત્રમાં આરોપ લગાવ્યો છે કે કુમાર તેને પોતાની ફરજો નિભાવવામાં અવરોધ ઊભો કરી રહ્યા છે. અંજનેયાએ કહ્યું કે નાયબ મુખ્યમંત્રીના વિશેષ અધિકારી તરીકે કામ કરતી વખતે તેઓ તેમની સલામતી અંગે ચિંતિત હતા. તેમણે કહ્યું છે કે જો કંઈ પણ ખોટું થશે તો તેના માટે કુમાર જવાબદાર રહેશે.
ફરિયાદમાં તેમણે બીજું શું કહ્યું?
ફરિયાદમાં અંજનેયાએ કુમારના ભૂતકાળના આચરણનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તે અગાઉ એમએમ જોશી નામના અધિકારી સાથે મારપીટ કરી ચુક્યા છે ક્યારેય તેમણે પોતાના સિનીયરોને માન આપ્યું નથી. મુખ્યમંત્રીના સ્પેશ્યલ ઓફિસર ઓન ડ્યુટી રહેતા સી. મોહન કુમારે હંમેશાં ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું છે.
સરકાર બન્યા બાદથી લડાઈ ચાલી રહી છે
મે 2023માં જ્યારે કોંગ્રેસે કર્ણાટકમાં સરકાર બનાવી હતી ત્યારે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર હતા. કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયા પર વિશ્વાસ વ્યક્ત કરીને તેમને મુખ્યમંત્રીની ખુરશી સોંપી હતી, પરંતુ ડીકે શિવકુમારના સમર્થકો તેમને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે. આમ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદથી જ મુખ્યમંત્રીની ખુરશીની લડાઈ ચાલી રહી છે.
આ પણ વાંચો – ‘નરેન્દ્ર મોદીમાં કોઈ દમ નથી, મીડિયા વાળાઓએ માત્ર ફુગ્ગામાં હવા ભરી’: રાહુલ ગાંધી
ડીકે શિવકુમારની છાવણીના કોંગ્રેસી નેતાઓનો દાવો છે કે સિદ્ધારમૈયાને ‘રોટેશનલ સીએમ ફોર્મ્યુલા’ હેઠળ અઢી વર્ષ પૂર્ણ થયા બાદ શિવકુમાર મુખ્યમંત્રી બનશે, જોકે કોંગ્રેસના નેતૃત્વએ આ ફોર્મ્યુલાને ક્યારેય સ્વીકારી નથી. હવે સરકારની અઢી વર્ષની ટર્મ પૂરી થવામાં ગણતરીના મહિના જ બાકી રહ્યા છે.
હાલમાં જ બંને નેતાઓ દિલ્હી આવ્યા હતા અને અહીં પણ કોંગ્રેસ હાઈકમાન્ડે નેતૃત્વ પરિવર્તનને લઈને કોઈ નિર્ણય લીધો ન હતો. આ દરમિયાન બંને નેતાઓના સમર્થકો વચ્ચે સતત નિવેદનબાજી થતી રહી હતી. સવાલ કોંગ્રેસ હાઈકમાન્ડનો પણ છે કારણ કે તે આ બંને નેતાઓ વચ્ચે ચાલી રહેલા ઝઘડાનો અંત લાવી શક્યા નથી. આ પહેલા પણ મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં કોંગ્રેસ ભીષણ જૂથવાદનો શિકાર બની ચૂકી છે.
હવે સ્પષ્ટ થઈ ગયું છે કે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચેની લડાઈ ખુલ્લેઆમ સામે આવી રહી છે. આ વિવાદ હવે વધારે ભડકી શકે છે.