MEA Spokesperson Randhir Jaiswal: ભારતે મંગળવારે પુનરોચ્ચાર કર્યો હતો કે જમ્મુ-કાશ્મીર પર તેનું વલણ પહેલાની જેમ જ સ્પષ્ટ છે. આ મામલો સંપૂર્ણપણે દ્વિપક્ષીય છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે તેનો ઉકેલ લાવવો જોઈએ.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્વીકાર્યું કે પાકિસ્તાન સામેના લશ્કરી સંઘર્ષ દરમિયાન ભારત અમેરિકા સાથે સતત સંપર્કમાં હતું, પરંતુ આ સમયગાળા દરમિયાન ટ્રેડ પર કોઈ વાતચીત થઈ નથી. જયસ્વાલે સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે ભારત અને અમેરિકાના નેતાઓ વચ્ચે 7 મે થી 10 મે દરમિયાન વાતચીત થઈ હતી, પરંતુ ટ્રેડને પર કોઈ ચર્ચા થઈ ન હતી.
રણધીર જયસ્વાલે કહ્યું કે અમારી લાંબા સમયથી ચાલી આવતી રાષ્ટ્રીય સ્થિતિ એ રહી છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલા કોઈપણ મુદ્દાને ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રીતે ઉકેલવો પડશે. આ નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાન સાથે ભારતનો એકમાત્ર બાકી મુદ્દો ગેરકાયદેસર રીતે કબજે કરેલા પ્રદેશની વાપસી છે. જયસ્વાલે જણાવ્યું હતું કે બાકી રહેલો મુદ્દો પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલ ભારતીય ક્ષેત્રને ખાલી કરવાનો છે.
જીતના દાવો કરવો એ પાકિસ્તાનની જૂની આદત છે
પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે વિદેશી મીડિયાને આપેલા ઇન્ટરવ્યુ અંગે પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે જીતનો દાવો કરવો એ તેમની જૂની આદત છે, 1971, 1975 અને 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન તેમણે આ જ રાગ આલાપ્યો હતો. આ પાકિસ્તાનનું જૂનું વલણ છે. પરાસ્ત થઇ જાવ પણ ઢોલ વગાડો.
આ પણ વાંચો – પીએમ મોદીએ કહ્યું – દશકો સુધી તમારા પરાક્રમની ચર્ચા થશે, ઓપરેશન સિંદૂર ભારતનું ન્યૂ નોર્મલ
રણધીર જયસ્વાલે કહ્યું કે સીસીએસ (કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી)ના નિર્ણય બાદ સિંધુ જળ સંધિને સ્થગિત કરી દેવામાં આવી છે. હું તમને થોડા પાછા લઈ જવા માંગુ છું. સિંધુ જળ સંધિ સદ્ભાવના અને મિત્રતાની ભાવના સાથે સંપન્ન થઈ હતી, જેનો ઉલ્લેખ સંધિની પ્રસ્તાવનામાં કરવામાં આવ્યો હતો. જોકે પાકિસ્તાને ઘણા દાયકાઓથી સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપીને આ સિદ્ધાંતોને સ્થગિત કરી દીધા છે.
પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપશે ત્યાં સુધી જળ સંધિ સ્થગિત રખાશે
તેમણે કહ્યું કે હવે સીસીએસના નિર્ણય મુજબ જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદ માટે પોતાના સમર્થનને વિશ્વસનીય અને અપરિવર્તીય રુપથી છોડી નહીં દે ત્યાં સુધી ભારત આ સંધિને સ્થગિત રાખશે. કૃપા કરીને ધ્યાન આપો કે જલવાયું પરિવર્તન, વસ્તી વિષયક ફેરફારો અને તકનીકી ફેરફારોએ જમીન ઉપર પણ નવી વાસ્તવિકતાઓને જન્મ આપ્યો છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના નિવેદન પર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અમે પાકિસ્તાન તરફથી આપવામાં આવેલા નિવેદનને જોયું છે. જે દેશે ઔદ્યોગિક ધોરણે આતંકવાદને પ્રોત્સાહન આપ્યું છે તે વિચારે છે કે તે તેના પરિણામોથી બચી શકે છે તે પોતાને મૂર્ખ બનાવી રહ્યું છે. પાકિસ્તાનને જેટલું જલદી આ વાતનો અહેસાસ થશે તેટલું સારું રહેશે.