India China LAC: રશિયાના કઝાનમાં પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. બ્રિક્સ સમિટ દરમિયાન બંને નેતાઓએ એલએસી પર પેટ્રોલિંગ પર થયેલી સમજૂતીનું સ્વાગત કર્યું હતું. હવે આ મામલે ચીનનું તાજેતરનું નિવેદન બહાર આવ્યું છે અને ચીને કહ્યું છે કે ચીન અને ભારતીય દળો એલએસી પર પૂર્વી લદ્દાખમાં સૈનિકોની વાપસી સાથે સંબંધિત પ્રસ્તાવોને વ્યવસ્થિત રીતે લાગુ કરી રહ્યા છે. ભારતીય સેનાના સૂત્રોના હવાલાથી જાણકારી મળી છે કે દિવાળીના અવસર પર બંને દેશોની સેનાઓ મીઠાઈઓનું વિતરણ પણ કરશે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિઆને મીડિયા બ્રીફિંગમાં ડિસએન્ગેજમેન્ટના વિકાસ અંગેના સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે ચીન અને ભારત સરહદના મુદ્દાઓ પર સમાધાન પર પહોંચી ગયા છે.
શું છે તાજા જાણકારી?
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિઆને જણાવ્યું હતું કે હાલમાં ચીન અને ભારતીય સેનાઓ આ દરખાસ્તોને વ્યવસ્થિત રીતે લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સિવાય તેમણે કોઈ પણ પ્રકારની વિગતો જણાવવાનો ઇન્કાર કર્યો હતો.
આ પણ વાંચો – ‘યોગી જી એક કામ કરો, મંદિરનું નિર્માણ કરો’, અયોધ્યામાં મુખ્યમંત્રીએ કહ્યું – અમે જે કહ્યું તે કરીને બતાવ્યું
ભારત અને ચીન વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી બાદ બંને દેશોએ પૂર્વી લદ્દાખના ડેમચોક અને દેપસાંગથી સૈનિકોને વાપસી શરુ કરી હતી. જૂન 2020માં ગલવાન ઘાટીમાં થયેલી ભીષણ અથડામણ બાદ બંને એશિયાઈ દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી અને સંબંધો ખૂબ જ ખરાબ થઈ ગયા હતા. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ 21 ઓક્ટોબરના રોજ નવી દિલ્હીમાં કહ્યું હતું કે ઘણા અઠવાડિયાની વાતચીત પછી સમજુતીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તેનાથી 2020માં ઉત્પન થયેલા મુદ્દાઓનું સમાધાન નીકળશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ બંને દેશો વચ્ચેના મતભેદો અને વિવાદોને યોગ્ય રીતે નિયંત્રિત કરવાના મહત્વ પર ભાર મુક્યો હતો.





