Who is B Sudershan Reddy, INDIA Bloc Vice Presidential Candidate Name: ઇન્ડિયા ગઠબંધન દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી.સુદર્શન રેડ્ડીને વિપક્ષે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નામની જાહેરાત કરતી વખતે કહ્યું કે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ બી.સુદર્શન રેડ્ડી અમારા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે. આપણે બધા જાણીએ છીએ કે તેમણે ગરીબો માટે ઉભા રહીને બંધારણની રક્ષા કેવી રીતે કરી.
તેમણે કહ્યું કે આ એક વૈચારિક લડાઈ છે અને તમામ વિપક્ષી પાર્ટીઓ આ માટે સહમત થઈ ગઈ છે, એટલા માટે અમે ચૂંટણી લડી રહ્યા છીએ. અમે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે એક સંયુક્ત ઉમેદવાર ઉતારવાનો નિર્ણય કર્યો છે અને મને ખુશી છે કે દરેક જણ એક નામ પર સંમત થયા છે, તે લોકશાહીમાં એક મોટી ક્ષણ છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેઓ 21 ઓગસ્ટે ઉમેદવારી નોંધાવશે. આવતીકાલે બપોરે 1 વાગ્યે સેન્ટ્રલ હોલમાં તમામ વિપક્ષી દળોના સાંસદોની બેઠક મળી રહી છે. તેમણે કહ્યું કે બી. સુદર્શન રેડ્ડી ભારતના સૌથી પ્રખ્યાત ન્યાયશાસ્ત્રીઓમાંના એક છે. તેમની લાંબી અને પ્રતિષ્ઠિત કાનૂની કારકિર્દી રહી છે, જેમાં આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ, ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપવાનો સમાવેશ થાય છે.
તેઓ સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયના સતત અને સાહસી સમર્થક રહ્યા છે. તે એક ગરીબ માણસ છે અને જો તમે તેમના ઘણા ચુકાદાઓ વાંચશો તો તમને ખબર પડશે કે તેમણે કેવી રીતે ગરીબોની તરફેણ કરી અને બંધારણ અને મૂળભૂત અધિકારોનું રક્ષણ કર્યું છે.
કોણ છે બી સુદર્શન રેડ્ડી?
બી. સુદર્શનનો જન્મ 8 જુલાઈ 1946ના રોજ આંધ્રપ્રદેશના અકુલા માયલારામ ગામમાં થયો હતો. તેમણે હૈદરાબાદમાં અભ્યાસ કર્યો અને 1971માં ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. તેઓ 1971 માં જ એડવોકેટ તરીકે નામાંકિત હતા. તેમણે આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં રિટ અને સિવિલ કેસોની પ્રેક્ટિસ કરી છે. તેમણે 1988-90 દરમિયાન હાઇકોર્ટમાં સરકારી વકીલ તરીકે કામ કર્યું હતું.
આ પણ વાંચો – રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને કર્યો ફોન, અલાસ્કામાં ટ્રમ્પ સાથે થઇ વાતચીત પર જાણકારી આપી
તેમણે ઉસ્માનિયા યુનિવર્સિટીના કાનૂની સલાહકાર અને સ્થાયી સલાહકાર તરીકે કામ કર્યું હતું. 2 મે, 1995ના રોજ તેમને આંધ્રપ્રદેશ હાઇકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ 2005માં તેમને ગુવાહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 2007માં સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા. તેઓ 2011માં નિવૃત્ત થયા હતા.
ભાજપે સીપી રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવ્યા?
ભાજપ ગઠબંધને મહારાષ્ટ્રના રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા સી.રાધાકૃષ્ણનને આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. રાધાકૃષ્ણન 19 ઓગસ્ટની સાંજ સુધીમાં ઉમેદવારી નોંધાવશે. રાધાકૃષ્ણન ઝારખંડના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે અને કોઈમ્બતૂરથી બે વાર લોકસભા માટે ચૂંટાયા હતા. લોકસભા અને રાજ્યસભાના સભ્યો 9 સપ્ટેમ્બરના રોજ આગામી ઉપરાષ્ટ્રપતિ માટે મતદાન કરશે. જગદીપ ધનખડેએ 21 જુલાઈએ આરોગ્યના કારણોનો હવાલો આપીને પદ પરથી રાજીનામું આપ્યા બાદ ચૂંટણીની જરૂર પડી હતી.