નિક્કી હત્યાકાંડમાં નવો ખુલાસો, હત્યાના દિવસે કઇ વાતને લઇને થયો હતો ઝઘડો, પોલીસે ખોલ્યા બધા રહસ્ય

Greater Noida Nikki Dowry Case : રિપોર્ટ પ્રમાણે હત્યાના દિવસે 28 વર્ષીય નિક્કી ભાટીને પહેલા ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો, ગળામાં ચાકુથી હુમલો કરવામાં આવ્યો અને પછી તેના પર જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ લગાવી દીધી હતી

Written by Ashish Goyal
Updated : August 25, 2025 17:05 IST
નિક્કી હત્યાકાંડમાં નવો ખુલાસો, હત્યાના દિવસે કઇ વાતને લઇને થયો હતો ઝઘડો, પોલીસે ખોલ્યા બધા રહસ્ય
ગ્રેટર નોઈડા નિક્કી હત્યા કેસ હાલ દેશભરમાં ચર્ચાસ્પદ છે (તસવીર - જનસત્તા)

Greater Noida Nikki Dowry Case : ગ્રેટર નોઈડા નિક્કી હત્યા કેસ હાલ દેશભરમાં ચર્ચાસ્પદ છે અને લોકોમાં ઘટનાને લઇને ભારે ગુસ્સો છે. દહેજના કારણે નિક્કીનો જીવ લેવાયો છે. લોકોની માંગ છે કે આ દીકરીને ન્યાય મળવો જોઈએ.યુવતીના પિતા સાસરીયાની દરેક માંગણી પુરી કરવાનો પ્રયાસ કરતા હતા. સ્કોર્પિયો, બુલેટ, સોનું, રોકડ, ઘરવખરીનો સામાન બધુ આપ્યા પછી પણ તે પોતાની દીકરીને બચાવી ન શક્યા નહીં.

સાસરિયાના લોકોની વધતી માંગથી પરેશાન નિક્કીના પરિવારના સભ્યોએ પંચાયત પણ બેસાડી હતી પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં. પિતાને લાગ્યું કે દીકરી પગ પર ઉભી રહી તો બધુ ઠીક થઈ જશે, તેમણે પાર્લર પણ ખોલાવી દીધું, પરંતુ આરોપ છે કે નિક્કીના પતિની ભૂખ વધી ગઇ હતી. નિક્કીના લગ્ન 2016માં એક ભવ્ય સમારોહમાં થયા હતા અને 21 ઓગસ્ટે તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. લગ્નના બે વર્ષ પછી બધું બરાબર ચાલ્યું અને પછી ડિમાન્ડ વધતી ગઇ હતી. ચાલો તમને આ દર્દનાક ઘટના વિશે બધું જ જણાવીએ.

નિક્કી ભાટીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો

રિપોર્ટ પ્રમાણે હત્યાના દિવસે 28 વર્ષીય નિક્કી ભાટીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો, ગળાના ભાગે ચાકુ મારવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેના પર જ્વલનશીલ પદાર્થ રેડ્યા બાદ તેને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર નિક્કી ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવતી હતી અને પોતાનું બંધ પાર્લર ફરી ખોલવા માંગતી હતી. નિક્કીના આરોપી પતિ વિપિન ભાટીને આ વાત પસંદ ન આવી.

પોલીસની પૂછપરછમાં આરોપી પતિએ જણાવ્યું હતું કે તેને આ ઘટનાનો કોઇ પસ્તાવો નથી. અત્યાર સુધી આ કેસમાં નિક્કીના આરોપી પતિ વિપિન, તેના જેઠ, સાસુ અને સસરાની ધરપકડ કરવામાં આવી ચુકી છે. વિપિન ભાટીની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં રવિવારે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે પગમાં ગોળી વાગી હતી.

નિક્કી અને તેની મોટી બહેનના લગ્ન એક જ ઘરમાં થયા હતા

નિક્કી અને તેની મોટી બહેનના લગ્ન એક જ ઘરમાં થયા હતા. પરિવારનો આરોપ છે કે વિપિન અને તેના પરિવારે નિક્કીની દહેજની માંગણી કરવા બદલ હત્યા કરી હતી. ઘટનાના દિવસે નિક્કીને દિલ્હી રિફર કરવામાં આવી હતી જ્યાં સફદરજંગ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવી હતી. તેના પતિએ કથિત રીતે તેને સળગાવી દીધા બાદ તે ગંભીર રીતે દાઝી ગઈ હતી.

21 ઓગસ્ટે કેમ થઈ હતી લડાઇ?

પોલીસના જણાવ્યા અનુસાર 21 ઓગસ્ટના રોજ નિક્કીએ તેનું બ્યૂટી પાર્લર ફરી ખોલવાની માંગ કરી રહી હતી, જેના કારણે તેની અને વિપિન વચ્ચે ઝઘડો થયો હતો. કાસના સ્ટેશન હાઉસ અધિકારી ધર્મેન્દ્ર શુક્લાએ કહ્યું કે તપાસમાં બહાર આવ્યું છે કે બપોરે 3.30 વાગ્યાની આસપાસ, નિક્કીએ વિપિનને કહ્યું હતું કે તે અને તેની બહેન પાર્લર ફરીથી ખોલશે. જ્યારે તેણે ના પાડી ત્યારે નિક્કીએ કહ્યું કે તેમને ફરીથી ખોલવાથી કોઈ રોકી શકશે નહીં, જેનો ભાટીએ સખત વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો – ભારતીય સેના એલઓસીને કિલ્લાની દિવાલની જેમ મજબૂત કરી રહી છે, AIOS નો થઇ રહ્યો છે ઉપયોગ

શુક્લાએ વધુમાં જણાવ્યું હતું કે વિપિને નિક્કીને કહ્યું હતું કે તેના પરિવારમાં ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ પોસ્ટ કરવાની અને પાર્લર ચલાવવાની મંજૂરી નથી. આ પછી મામલો વધુ વણસ્યો અને તેની સાથે મારપીટ કરવાનું શરૂ કરી હતી. રિપોર્ટ અનુસાર, બંને બહેનો તેમના ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર સક્રિય હતી. મેકઓવર બાય કંચન” હેન્ડલ હેઠળ પાર્લર માટે ચેનલ ચલાવતી હતી. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના 54,500 ફોલોઅર્સ છે, જ્યારે કંચનના પર્સનલ એકાઉન્ટમાં 22K ફોલોઅર્સ છે. નિક્કીનું એકાઉન્ટ પ્રાઇવેટ હતું અને તેના 1,147 ફોલોઅર્સ છે. બંને હંમેશાં એકાઉન્ટ પર વીડિયો અને ફોટા પોસ્ટ કરતા હતા અને તેમને 2.9 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યા હતા.

નિક્કીના ભાઈએ શું કહ્યું ?

નિક્કીના ભાઈ રોહિત ગુર્જરે જણાવ્યું હતું કે અમને મારી બહેન કંચન ભાટીએ સાંજે લગભગ 5.30 વાગ્યે કહ્યું હતું કે દહેજના વિવાદ બાદ તેના પતિ વિપિન ભાટીએ તેને જીવતી સળગાવી દીધી હતી. કંચન અને તેના સાસુ-સસરા (વિપીનના માતા-પિતા) તેને હોસ્પિટલ લઈ ગયા હતા, કારણ કે આ ઘટના બાદ વિપિન ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.

નિક્કીના ભાઇએ કહ્યું કે મારી બહેનો નિક્કી અને કંચનના લગ્ન ડિસેમ્બર 2016માં સિરસાના એક જ ઘરે થયા હતા. નિક્કીએ વિપિન સાથે લગ્ન કર્યા હતા, જ્યારે કંચને તેના મોટા ભાઈ રોહિત ભાટી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ પછી પરિવારે દહેજની માંગણી કરી હતી, ખાસ કરીને લક્ઝરી કારની માંગ કરવાનું શરૂ કર્યું હતું, કારણ કે અમારી પાસે ગાડીઓ હતી. લગ્નના નવ વર્ષ પછી નિક્કી દહેજના વિવાદોને કારણે ઘણી વખત ઘરે પરત ફરી હતી પરંતુ પછીથી તેનો ઉકેલ આવી ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે કંચન સાથે પણ મારપીટ કરવામાં આવી હતી પરંતુ તે અસ્વસ્થ હોવાથી તેને છોડી દેવામાં આવી હતી અને તેને આઈવી ડ્રિપ લાગેલી હતી.

રોહિત ગુર્જરે આગળ કહ્યું કે અમે લગભગ દોઢ વર્ષ પહેલાં મારી બહેનોના બ્યુટી પાર્લરમાં આશરે 8 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું કારણ કે વિપિન અને રોહિત બેરોજગાર છે. આ પરિવાર પોતાના ઘરમાં એક નાનકડી કરિયાણાની દુકાન ચલાવે છે. મારી બહેનો તેમના પતિ પાસેથી પૈસા માંગ્યા વિના સ્વતંત્ર રીતે તેમના બાળકોનો ખર્ચ ઉઠાવી રહી હતી. સાસરીયાઓ વાળા તેમના પાર્લરના ધંધાની વિરુદ્ધ હતા અને આ વર્ષે ફેબ્રુઆરીમાં આખા પાર્લરને નુકસાન પહોંચાડ્યું હતું. નિક્કી અને કંચન સિરસામાં તેમના ઘરના ત્રીજા માળે પાર્લર ચલાવતા હતા. પિતાનું કહેવું છે કે નિક્કીના પતિએ તેના પાર્લરમાંથી પણ પૈસા ચોર્યા હતા.

કોઈ અફસોસ નથી – આરોપી પતિ

પોલીસે જણાવ્યું કે વિપિને કહ્યું કે તેને કોઈ અફસોસ નથી અને દંપતી વચ્ચેનો વિવાદ સામાન્ય હતો. રિપોર્ટ અનુસાર આ વાતનો ખુલાસો થયો કે પત્નીને આગ ચાંપ્યા બાદ શંકાસ્પદ વ્યક્તિ તરત જ પોતાના ઘરેથી ભાગીને પોતાના સંબંધીઓના ઘરે જતો રહ્યો હતો. આ ઘટના પહેલા ઘણા દિવસો સુધી પતિ-પત્ની વચ્ચે ખૂબ તણાવ હતો.

રવિવારે વિપિનના સોશિયલ મીડિયા એકાઉન્ટના ઘણા સ્ક્રીનશોટ વાયરલ થયા હતા. એક પોસ્ટમાં તેણે નિક્કી સાથેની પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે “કંઈ બચ્યું નથી”. અન્ય એક પોસ્ટમાં, તેણે કહ્યું કે લોકો તેને ખૂની કહી રહ્યા છે.

આ ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ હતી

21 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થવા લાગ્યા હતા. એક વીડિયોમાં નિક્કી જમીન પર બેઠી હતી ત્યારે પ્રવાહી (પાર્લરમાં વપરાતો પાતળો પદાર્થ) રેડતી જોવા મળી હતી. બીજા વીડિયોમાં વિપિન તેની સાથે નિર્દયતાથી મારપીટ કરતો જોવા મળી રહ્યો છે અને ત્રીજા વીડિયોમાં નિક્કી આગની જ્વાળાઓમાં લપેટાયેલી સીડી પરથી નીચે ઉતરતી જોવા મળી રહી છે.

પીડિતાના પરિવારે જણાવ્યું હતું કે તેઓએ કંચનને વીડિયો રેકોર્ડ કરવા જણાવ્યું હતું કારણ કે તેઓ વર્ષોથી દુર્વ્યવહારના પુરાવા એકત્રિત કરવા માંગતા હતા. રોહિતે ગુર્જરે કહ્યું કે જ્યારે તેઓ તેને દિલ્હીની એક હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યારે નિક્કીના સસરા મારી બહેન કંચન સાથે હતા, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે તેનું મોત નીપજ્યું છે, ત્યારે તેઓ ત્યારે ચાલતી વાનમાંથી ભાગી ગયા હતા.

નિક્કીના પરિવારે “જસ્ટિસ ફોર નિક્કી” બેનર હેઠળ એક અભિયાન શરૂ કર્યું. નિક્કીના અન્ય એક ભાઈ વિકી પાયલાએ જણાવ્યું હતું કે ઘટનાના લગભગ એક અઠવાડિયા પહેલા નિક્કી અને વિપિન વચ્ચે ઝઘડો થયો હતો, પરંતુ હંમેશાની જેમ, તેણે વડીલોની સામે માફી માંગી હતી અને ફરીથી નહીં લડવાનું વચન આપ્યું હતું. સામાજિક કલંકને કારણે અમે છેલ્લાં કેટલાંક વર્ષોથી સમાધાન કરી રહ્યાં હતાં. આ ઘટના બાદ કંચન પોતાના બે બાળકો સાથે ઘરે પરત ફરી છે.

પીડિતાના પતિ વિપિન ભાટી, સસરા સત્યવીર ભાટી, સાસુ દયા ભાટી અને રોહિત ભાટી વિરુદ્ધ કાસના પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (બીએનએસ)ની કલમ 103 (હત્યા), 115 (2) (જાણીજોઇને ઈજા પહોંચાડવી), કલમ 61 (2) (ગુનાહિત ષડયંત્ર) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ