First Electric Flight Lands At London Gatwick: લંડનના ગેટવિક એરપોર્ટ પર પહેલી વખત ઈલેક્ટ્રિક ફ્લાઈટ લેન્ડ થઈ છે. આ ફ્લાઈટ VINCI એરપોર્ટ્સ નેટવર્ક ઈલેક્ટ્રો ટૂરનો એક ભાગ છે, જેનો હેતુ એ દર્શાવવાનો છે કે ફ્લાઈટ્સ પર્યાવરણ માટે પણ સારી હોઈ શકે છે, આવો જાણીએ…
ઇલેક્ટ્રિક પ્લેન પ્રથમ વખત ગેટવિક એરપોર્ટ પર ઉતર્યું
ગેટવિક એરપોર્ટની સત્તાવાર વેબસાઇટ અનુસાર લંડનના ગેટવિક એરપોર્ટ પર 10 જુલાઇ, ગુરુવારે પહેલીવાર ઇલેક્ટ્રિક પ્લેન લેન્ડ થયું હતું. આ ઉડ્ડયન વિન્સી એરપોર્ટ્સ નેટવર્ક ઇલેક્ટ્રો ટૂરનો એક ભાગ હતું, જે 17 દિવસ સુધી ચાલવાનું છે. આ ટૂરમાં ફ્રાન્સ અને લંડન ગેટવિક વચ્ચે એક નાનકડી ઇલેક્ટ્રિક ફ્લાઇટ ઉડાન ભરશે, જેમાં લોકોને એ બતાવવામાં આવશે કે ઇલેક્ટ્રિક અને પર્યાવરણને અનુકૂળ ઉડ્ડયન કેટલું હોઇ શકે છે.
47 નવા ઇલેક્ટ્રિક વાહનો ખરીદયા
વેબસાઇટના જણાવ્યા અનુસાર, ગેટવિક એરપોર્ટે તેના એરપોર્ટ માટે 47 નવા ઇલેક્ટ્રિક વાહનો પણ ખરીદ્યા છે. તેમનું લક્ષ્ય 2030 સુધીમાં તેમના તમામ 300 વાહનોને ઇલેક્ટ્રિક બનાવવાનો છે જેથી કાર્બન ઉત્સર્જન શૂન્ય થઈ શકે.
14 ઇલેક્ટ્રિક બસોમાં રોકાણ કર્યું
ટર્મિનલ અને કાર પાર્કની વચ્ચે મુસાફરોને લઈ જવા માટે તેઓએ પહેલાથી જ 14 ઇલેક્ટ્રિક બસોમાં રોકાણ કર્યું છે. આ બસો 2026 ની શરૂઆતમાં કાર્યરત થઈ જશે અને દર વર્ષે 17.7 ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો કરશે.
મુસાફરી સરળ અને પર્યાવરણની દ્રષ્ટિએ સુરક્ષિત છે
ગેટવિકના અધિકારી માર્ક જોન્સ્ટને જણાવ્યું હતું કે દરેક માટે મુસાફરીને વધુ સરળ અને પર્યાવરણ માટે સુરક્ષિત બનાવવાના વિઝન સાથે ઉડ્ડયનને કાર્બન-મુક્ત બનાવવામાં ફાળો આપવા બદલ તેમને આનંદ થાય છે.
લંડન ગેટવીક એરપોર્ટ વિશે
વાર્ષિક 43 મિલિયન મુસાફરો સાથે, લંડન ગેટવિક એરપોર્ટ યુકેનું બીજા ક્રમનું સૌથી મોટું અને યુરોપના ટોચના 10 એરપોર્ટ્સમાંનું એક છે. આશરે 60 એરલાઇન્સ આ એરપોર્ટથી 150થી વધુ ટૂંકા અંતરના અને 50થી વધુ લાંબા અંતરના સ્થળો પર ઉડાન ભરે છે. પ્રતિ કલાકની 55 ફ્લાઈટની ઘોષિત ક્ષમતા સાથે લંડન ગેટવિક દુનિયાનું સૌથી વધુ કાર્યક્ષમ સિંગલ-રનવે એરપોર્ટ છે.





