Delhi 15 Years Old Vehicles: દિલ્હીની રેખા ગુપ્તા સરકારે શનિવારે વાહનોને લઈને મોટો નિર્ણય કર્યો છે. પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે 31 માર્ચ પછી દિલ્હીના પેટ્રોલ પંપ પર 15 વર્ષથી વધુ જૂના વાહનોને ઇંધણ આપવામાં આવશે નહીં. સિરસાએ કહ્યું કે અમે અમારા પેટ્રોલ પંપ ઉપર એવા ગેજેટ્સ સ્થાપિત કરી રહ્યા છીએ જે 15 વર્ષથી વધુ જૂના વાહનોની ઓળખ કરશે અને તેમને કોઈ ફ્યૂલ મળશે નહીં. અમારી સરકાર પેટ્રોલિયમ મંત્રાલયના માધ્યમથી આ જાણકારી આપશે.
પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ મીડિયાને જણાવ્યું કે હવે કોઈ પણ પેટ્રોલ પંપ માલિક 15 વર્ષ જૂના વાહનને ડીઝલ કે પેટ્રોલ નહીં આપે. બીજું અમે 15 વર્ષ જૂનાં તમામ વાહનોની ઓળખ કરવા માટે એક ટીમ બનાવી રહ્યા છીએ. ટીમ દિલ્હીથી આવા વાહનોને બહાર કાઢવા માટે પણ કામ કરી રહી છે. અમે વૃક્ષારોપણની ઝુંબેશમાં દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જોડવા માટે પણ કામ કરી રહ્યા છીએ.
એન્ટી સ્મોગ ગન લગાવવી ફરજિયાત કરાશેઃ સિરસા
મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે દિલ્હીમાં કેટલીક મોટી હોટલ્સ, કેટલાક મોટા ઓફિસ કોમ્પ્લેક્સ, દિલ્હી એરપોર્ટ, વિશાળ કન્સ્ટ્રક્શન સાઇટ્સ છે. અમે આ બધા માટે પ્રદૂષણને તાત્કાલિક નિયંત્રિત કરવા માટે એન્ટિ-સ્મોગ ગન લગાવવાનું ફરજિયાત બનાવવાના છીએ. અમે દિલ્હીની તમામ ઊંચી ઇમારતો માટે સ્મોગ ગન લગાવવાનું ફરજિયાત બનાવવાના છીએ. અમે દિલ્હીની તમામ હોટલો માટે સ્મોગ ગન લગાવવાનું ફરજિયાત બનાવવા જઈ રહ્યા છીએ. એ જ રીતે અમે તમામ કોમર્શિયલ કોમ્પ્લેક્સ માટે તેને ફરજિયાત બનાવવાના છીએ.
આ પણ વાંચો – વકફ સંશોધન બિલ: સરકારના 14 ફેરફાર પાસ, વિપક્ષના 44 ફગાવ્યા, જાણો બિલના મુખ્ય મુદ્દાઓ?
તેમણે કહ્યું કે અમે આજે નિર્ણય લીધો છે કે ક્લાઉડ સીડિંગ માટે અમને જે પણ પરવાનગીની જરૂર પડશે તે અમે લઈશું અને અમે સુનિશ્ચિત કરીશું કે જ્યારે દિલ્હીમાં ગંભીર પ્રદૂષણ થાય છે, ત્યારે ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ થઈ શકે છે અને પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય છે.
ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે – સિરસા
સિરસાએ જણાવ્યું હતું કે દિલ્હીમાં લગભગ 90 ટકા જાહેર સીએનજી બસો ડિસેમ્બર 2025 સુધીમાં તબક્કાવાર બંધ કરવામાં આવશે અને તેના બદલે ઇલેક્ટ્રિક બસો ચલાવવામાં આવશે, જે સરકારના સ્વચ્છ અને ટકાઉ જાહેર પરિવહનની દિશામાં ઉઠાવેલા કદમનો ભાગ છે.