Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં બંધારણ (130મો સુધારો) બિલ 2025 રજૂ કર્યું હતું. જેમાં ભ્રષ્ટાચાર અથવા ગંભીર ગુનાઓના આરોપોનો સામનો કરી રહેલા અને ઓછામાં ઓછા 30 દિવસ માટે અટકાયતમાં રાખેલા કેન્દ્રીય અથવા રાજ્યમંત્રીને હટાવવાની જોગવાઈ છે. આ બિલના વિરોધમાં વિપક્ષી નેતાઓએ લોકસભામાં હંગામો મચાવ્યો હતો. તમામ વિપક્ષી દળોના નેતાઓએ કહ્યું કે આ બિલ લોકતાંત્રિક વિરોધી છે.
બંધારણના 130મો સુધારો બિલ રજૂ કરતી વખતે વિપક્ષે બિલની નકલ ફાડીને ગૃહમંત્રી અમિત શાહ તરફ ફેંકી હતી. વિપક્ષે ટ્રેઝરી બેન્ચને ઘેરી લીધી અને ગૃહમંત્રીનું માઈક પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો. બિલમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ મંત્રી પોતાના પદ રહેતી વખતે સતત 30 દિવસના સમયગાળા દરમિયાન કોઈપણ કાયદા હેઠળ ગુનો કરવા બદલ ધરપકડ કરવામાં આવે છે અને અટકાયતમાં રાખવામાં આવે છે તો તેમને રાષ્ટ્રપતિ દ્વારા વડા પ્રધાનની સલાહ પર તેમના પદ પરથી દૂર કરવામાં આવશે.
કેસી વેણુગોપાલ અને અમિત શાહ વચ્ચે ચર્ચા
આ હોબાળા દરમિયાન કોંગ્રેસના લોકસભા સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે જ્યારે અમિત શાહની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમણે પોતાની નૈતિકતા બતાવી હતી? આના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જ્યારે મારા પર આરોપો લગાવવામાં આવ્યા ત્યારે મેં મારી ધરપકડ પહેલા નૈતિક રીતે રાજીનામું આપી દીધું હતું. જ્યાં સુધી કોર્ટ દ્વારા નિર્દોષ સાબિત ન થયો ત્યાં સુધી મેં કોઈ બંધારણીય હોદ્દો લીધો ન હતો. તમે મને નૈતિકતા શીખવાડશો? અમે પણ ઇચ્છીએ છીએ કે નૈતિકતાના મૂલ્યોમાં વધુ વધારો થાય અને મારી ધરપકડ કરવામાં આવે તે પહેલાં જ મેં રાજીનામું આપી દીધું, આ વાત બધાને યાદ રહેશે.
આ પણ વાંચો – રશિયાના દૂતાવાસે કહ્યું – ભારત એક વૈશ્વિક શક્તિ છે, બન્ને દેશ એકબીજા માટે ઘણું મહત્વ રાખે છે
અમિત શાહે શું કહ્યું?
હોબાળો વધ્યો ત્યારે અમિત શાહે કહ્યું હતું કે આ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવશે અને બાદમાં બિલ જેપીસીને મોકલવામાં આવ્યું હતું. વિપક્ષે અમિત શાહ પર ઉતાવળમાં બિલ લાવવાનો આરોપ લગાવ્યો, પરંતુ ગૃહમંત્રીએ કહ્યું કે આ બિલને ઉતાવળમાં લાવવાનો આરોપ સાચો નથી. અમિત શાહે ખાતરી આપી હતી કે તમામ પક્ષો અને વિપક્ષના સાંસદોની સમિતિ તેના પર વિચાર કરશે અને તેને તમારી સામે લાવશે.
પ્રિયંકા ગાંધીએ બિલનો કર્યો વિરોધ
પ્રિયંકા ગાંધીએ આ બિલને ક્રૂર ગણાવ્યું છે. પ્રિયંકાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે હું આને પુરી રીતે ક્રુર માનું છું, કારણ કે એ બધી જ બાબતોની વિરુદ્ધ છે. તેને ભ્રષ્ટાચાર વિરોધી પગલું કહેવું એ લોકોની આંખો પર પડદો નાખવા જેવું છે. તમે મુખ્યમંત્રી સામે કોઈ પણ કેસ કરી શકો છો, દોષિત સાબિત થયા વિના 30 દિવસ સુધી તેમની ધરપકડ કરી શકો છો અને પછી તેઓ મુખ્યમંત્રી નહીં બને. આ સંપૂર્ણપણે બંધારણ વિરોધી, બિનલોકશાહીવાદી અને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.