karnataka : હિમાચલ પ્રદેશમાં રાજકીય ઉથલપાથલ હજુ પણ ચાલુ છે. કોંગ્રેસની સુખવિંદર સિંહ સુખુ સરકાર પર સંકટ હજુ ખતમ થયું નથી. આ દરમિયાન કર્ણાટકની કોંગ્રેસ સરકાર ઉપર પણ સંકટના સંકેત મળી રહ્યા છે. ખુદ કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ આરોપ લગાવ્યો કે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને 50 કરોડ રૂપિયાની ઓફર કરીને તેમને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે ભાજપ તેમની સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે.
કોંગ્રેસના ધારાસભ્યોને 50 કરોડની ઓફર
હિમાચલ પ્રદેશના સંકટ વચ્ચે શુક્રવારથી મૈસુરુ જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવેલા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ભાજપ તેમના ધારાસભ્યોને 50 કરોડ રૂપિયાની ઓફર કરી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યો લાલચમાં ઝુક્યા નથી. કોંગ્રેસનો કોઈ ધારાસભ્ય ભાજપમાં જોડાશે નહીં. સીએમે કહ્યું કે સરકાર પાડવાની ભાજપની આદત બની ગઈ છે. ભાજપે ક્યારેય સીધી ચૂંટણી યોજી નથી. દેશના અન્ય રાજ્યોમાં પણ સરકારને પાડી દઈને આવું કરવાનો પ્રયાસ કરી રહી છે.
મહત્વનું છે કે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકારના સંકટ વચ્ચે કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી. પક્ષના નિરીક્ષક તરીકે તેઓ નારાજ ધારાસભ્યોને અમુક અંશે મનાવવામાં પણ સફળ રહ્યા છે. જોકે ભાજપનો દાવો છે કે હિમાચલ પ્રદેશમાં રાજકીય સંકટ હજુ પણ ખતમ થયું નથી.
આ પણ વાંચો – બેંગલુરુમાં રામેશ્વરમ કેફેમાં પ્રચંડ વિસ્ફોટ, 9 લોકો ઇજાગ્રસ્ત, સીસીટીવી આવ્યા સામે
ભાજપ અને આરએસએસ બંધારણને નષ્ટ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે
આ પહેલા સંવિધાન અને નેશનલ ઇન્ટિગ્રેશન કોન્ફરન્સ-2024ના સમાપન સમારોહમાં કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ ભાજપ અને આરએસએસ પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ ભારતના બંધારણને નષ્ટ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે, પરંતુ આપણે ભાજપને સત્તા પરથી હટાવીને બંધારણનું રક્ષણ કરવું પડશે.
કાર્યક્રમને સંબોધિત કરતા સિદ્ધારમૈયાએ કહ્યુ કે બંને સંવિધાન વિરોધી છે. સાથે ભાજપ પર સામાજિક ન્યાય, ગરીબો, દલિકો, પછાત, અલ્પસંખ્યકો, મજૂરો અને મહિલા વિરોધી હોવાનો આરોપ લગાવતા કહ્યું કે હું લોકોને બંધારણ, સામાજિક ન્યાય અને સમાનતા સામે ભાજપને હરાવવાની અપીલ કરું છું.





