Bangladesh News | બાંગ્લાદેશ સમાચાર : ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસા બાદ હિંદુઓની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વચગાળાની સરકારના વડા અને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. હવે બાંગ્લાદેશની વચગાળાની સરકારે આદેશ જાહેર કર્યો છે. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, બાંગ્લાદેશના ગૃહ બાબતોના સલાહકાર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ દુર્ગા પૂજા પંડાલમાં પૂજા દરમિયાન ઉપયોગમાં લેવાતા સંગીતનાં સાધનો અને લાઉડસ્પીકરને અઝાન અને નમાઝના સમયે બંધ કરવા કહ્યું છે.
તેમણે કાયદાકીય એજન્સીઓને દેશમાં ધાર્મિક સ્થળો પર હુમલા રોકવા માટે પગલાં લેવાનો આદેશ પણ આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, અમે પૂજા મંડપમાં ચોવીસ કલાક સુરક્ષા કેવી રીતે પ્રદાન કરવી તે અંગે ચર્ચા કરી છે. કોઈપણ જાતની પરેશાની વિના દૂર્ગાપૂજાની ઉજવણી કરવા તેમજ તોફાની તત્વોની પ્રવૃતિઓને રોકવા માટે વિવિધ પગલાં લેવામાં આવશે.
હિંદુ લોકો માતા દુર્ગામાં ઊંડી આસ્થા ધરાવે છે
બાંગ્લાદેશના હિન્દુ લોકો દેવી દુર્ગામાં ઊંડી આસ્થા ધરાવે છે. હવે જો દુર્ગા પૂજા પંડાલની વાત કરીએ તો, આ વખતે બાંગ્લાદેશમાં 32,666 પૂજા પંડાલ બનાવવામાં આવશે. તેમાં ઢાકા દક્ષિણ શહેરમાં 157 પંડાલ અને ઉત્તર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 88 પંડાલનો સમાવેશ થાય છે. ગત વખતે પૂજા પંડાલની સંખ્યા 33,431 આસપાસ હતી. પરંતુ આ વખતે આ સંખ્યામાં ઘટાડો થયો છે. એવું માનવામાં આવે છે કે, આ વખતે હિન્દુઓની સ્થિતિને કારણે ઘટાડો થયો છે.
મોહમ્મદ યુનુસે પીએમ મોદીને આશ્વાસન આપ્યું હતું
બાંગ્લાદેશમાં શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને 5 ઓગસ્ટે દેશ છોડ્યા બાદ દેશમાં નવી વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં જુલાઇમાં આરક્ષણના વિરોધમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શનમાં સેંકડો લોકોના મોત થયા હતા જ્યારે ઘણા ઘાયલ થયા હતા. શેખ હસીનાએ દેશ છોડ્યા પછી બાંગ્લાદેશના લઘુમતી હિન્દુ સમુદાય અને તેમના મંદિરો પર હુમલાના અહેવાલો આવ્યા હતા.
આ પણ વાંચો – અમેરિકા ચૂંટણી 2024 : કમલાની ‘કમાલ’, દરેક મુદ્દા પર ટ્રમ્પ પર હાવી રહી હેરિસ, જાણો પહેલા ડિબેટની મોટી વાતો
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા યુનુસે 16 ઓગસ્ટે પીએમ મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી. યુનુસે આશ્વાસન પણ આપ્યું હતું કે, લઘુમતીઓને રક્ષણ આપવામાં આવશે. જો કે, યુનુસે તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું હતું કે, તેમનું નિવેદન અતિશયોક્તિપૂર્ણ છે.